દેશમાં ચાલે છે 'ધ ગ્રેટ ઇન્ડિયન પોલિટિકલ સર્કસ!'  - Sandesh
  • Home
  • Columnist
  • દેશમાં ચાલે છે ‘ધ ગ્રેટ ઇન્ડિયન પોલિટિકલ સર્કસ!’ 

દેશમાં ચાલે છે ‘ધ ગ્રેટ ઇન્ડિયન પોલિટિકલ સર્કસ!’ 

 | 1:32 am IST

રિવરફ્રન્ટની પાળેથી  :-  હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત’

ભગવદ્ગીતામાં ૧૧મા અધ્યાયના આઠમા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે : ન તુ માં શક્ય સે દૃષ્ટુમનેનૈવ સ્વચક્ષુષા. હે અર્જુન! તું મને તારી આ આંખોથી જોઈ શકવાને સમર્થ નથી!

આજના મોટા ભાગના નેતાઓ જનતાને કહી રહ્યા છે કે, હે ભાઈઓ અને બહેનો, તમે અમને તમારી જે આંખોથી જોઈ રહ્યા છો એ અને એવા અમે અંદરથી નથી. અમારા અંદરના અસલી રૂપને જોવા માટે તમારી આંખો સિત્તેર-સિત્તેર વર્ષો પછી પણ સમર્થ નથી બની શકી.

મહારાષ્ટ્રે રાજકીય ઇતિહાસમાં એક નવા અધ્યાયનો ઉદય કર્યો છે એવું, અસ્તાચળે પહોંચી ગયેલા કેટલાક રાજકીય પંડિતો માનતા થઈ ગયા છે.

નેતા કોઈપણ પાર્ટીનો હોય, એ એના જન્મથી જ અસંતુષ્ટ જીવ હોય છે. જન્મથી એટલે બાયોલોજિકલ બર્થથી નહીં, પોલિટિકલ બર્થથી એનામાં અસંતોષ પૂરા સંતોષથી સ્થાયી બની જતો હોય છે. જોકે એ જનતાનું પ્રતિનિધિત્વ કરે છે એટલે એનામાં આવો અસંતોષનો સદ્ગુણ હોવો અત્યંત જરૂરી છે. એ એવું સમજે છે કે જનતાને યેનકેન પ્રકારેણ સંતુષ્ટ રાખવી એ એનો એકમાત્ર રાજધર્મ છે. એ એવું પણ સમજી શકે છે કે પોતે ખુશ અને સંતુષ્ટ હશે તો જ જનતાને એ ખુશ અને સંતુષ્ટ રાખી શકશે એટલે એ કોઈપણ રીતે પોતાના ગોડફાધરને ખુશ રાખવાનું રાજકર્મ શરૂ કરી દે છે. ‘ગોડફાધર મહેરબાન તો બધા પહેલવાન’ એનું રાજમંગલસૂત્ર હોય છે.

મહારાષ્ટ્રમાં હમણાં થઈ ગયેલા મહાભારતમાં આ જ ગીતાસૂત્ર શરદ દાદા પોતાની સામે ઊભેલા ભાજપાના નેતાઓને કહી રહ્યા’તા, તો બીજી બાજુ એ જ સૂત્ર અજિત દાદા પણ ફડણવીસને કહી રહ્યા હોય એમ ‘ક્ષણે ક્ષણે સંભવામિ’ની જેમ પળે પળે પલટાતા રાજકારણ પરથી લાગી રહ્યું હતું.  ચૂંટણીનું રિઝલ્ટ આવી ગયાં પછી ત્રીસ-ત્રીસ દિવસ વહી ગયા હોય તેમ છતાં સરકારની રચના થઈ શકે નહીં એમાં ચૂંટાયેલા નેતાઓનો વાંક નથી, નેતાઓનાં જાનેજિગરમાં ઉછાળા મારી-મારીને અવારનવાર જંપી જતી સેવાવૃત્તિનો છે. સેવા તો પેલા ચારેય પક્ષોને કરવી છે, પણ ખાટલે મોટી ખોડ એ છે કે જેની સેવા કરવા માટે જે આસન પર બેસવાનું છે, એ સેવાસન એક જ છે. આમાં એક કામ થાય કે જેમ સૃષ્ટિ રચયિતા બ્રહ્માને ચાર મોઢા છે, એમ એક જ સેવાસન પર આ ચારેય પાર્ટીનેતાઓની, ચારે દિશામાં મોઢું રાખી સ્થાપના કરી, પ્રાણપ્રતિષ્ઠાની જેમ સત્તાપ્રતિષ્ઠા કરી દેવી જોઈએ. જેનું મોઢું જે દિશામાં હોય એ નેતા, એ દિશાની જનતાની સેવા કરવાનું શરૂ કરી દે. બ્રહ્માજીને ચાર મોઢા, પણ શરીર એક જ છે. જનતાને સેવાના ‘બ્રહ્માંડ’માં વિહરતી રાખી સેવા કરનારા આપણા આ ચારેય ‘બ્રહ્માજી’નાં શરીર અલગ અલગ છે એટલે પેલા સેવાસન પર વધારે સમય સુધી ટકી રહેવા માટે કોણ ક્યારે કયો કીમિયો અપનાવે એની ચિંતામાં ને ચિંતામાં સેવા લાપતા ના થઈ જાય એ માટે જનતાને જાગતા રહેવું પડે. ક્યારેક એવુંય બને કે ચાર-ચાર પાર્ટીપતિઓ હોવા છતાં સત્તાના સમરાંગણમાં ખેલાતા ખેલમાં સેવા બીચારી વાંઝણી પણ થઈ જાય, કંઈ કહેવાય નહીં.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ધોળા દહાડે રાજકીય સેવા પોતાના હાથમાં ફાનસ લઈને, ‘પાર્ટી પાર્ટી, નેતા નેતા ઢૂંઢૂં રે સાંવરિયા’ ગીત ગાતી ગાતી ફરી રહી’તી. કરુણ કહી શકાય એવી મજાની વાત એ છે કે મહારાષ્ટ્રના માંડવે જાનૈયાઓ તો બિચારા તૈયાર થઈને છેલ્લા એક મહિનાથી બેસી જ ગયા હતા, પણ મુરતિયાનાં ઠેકાણાં નહોતાં. ભાજપા અને શિવસેના વચ્ચે ડિવોર્સ થયા પછી શિવસેનાએ NCP સાથે હસ્તમેળાપ કરવાનું વિચાર્યું. આની પ્રારંભિક અસર એ થઈ કે NCP અને કોંગ્રેસ વચ્ચેનું વેવિશાળ ગોટે ચડયું. આમેય NCP અને કોંગ્રેસ મૂળ તો એક જ ગોત્રનાં એટલે કેટલાક રાજપંડિતોએ આ બંને પક્ષોને સમજાવી દીધા કે તમે બંને એક દિલ કે દો અરમાન છો, શા માટે અલગ અલગ રહી ભાજપાને સત્તાસને બેસવાની પરોક્ષપણે મદદ કરો છો? અને રાજપંડિતોની સમજાવટથી આ બંને જણા સમજી તો ગયા, પણ કોંગ્રેસે સહિયારું મનોમંથન શરૂ કર્યું કે આપણે શિવસેનાને ટેકો તો આપીએ, પણ આપણે જ પછી આપણાંનો ટેકો ગુમાવવાનો વારો ન આવે. એક મૂળ કોંગ્રેસીએ તો એવુંય કહ્યું કે આપણે રહ્યા બિન-સાંપ્રદાયિક અને શિવસેના ચુસ્ત હિંદુવાદી, મેળ કેવી રીતે પડે? ત્યારે NCPના એક રિનોવેટ થયેલા નેતાએ ‘પ્રેક્ટિકલ’ બનવાની સલાહ આપતાં કહ્યું કે જેમ સમય બદલાય એમ સિદ્ધાંતો, આદર્શો અને મૂલ્યોમાં પરિવર્તન કરવું જોઈએ. અમારી તરફ જ જુઓને, અમે પરિવર્તન કર્યું કે નહીં? વળી, આપણે જુદા છીએ જ ક્યાં? કોઈ ‘પશ્ચિમ’ના કવિએ નથી કહ્યું કે ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોય! NCP કે કોંગ્રેસ – નામ જ જુદાં છે, બાકી આપણે છીએ તો એક જ કુળનાં ને! આપણાં બંનેના આકાર, પ્રકાર અને ઘાટ જ જુદા જુદા છે, અંતે તો બધું એમનું એમ અને આપણે પણ એમના એમ જ છીએ ને! ઘાટમાં આવે એને ઘડી લેવાનો અને એ તકનો લાભ લઈ લેવો.

જો કોઈ રાજકીય પાર્ટી મનથી જ નક્કી કરી લે કે અમારે અમારી જનતાની સેવા કરવી જ છે, ભલેને જનતા અમારી સેવા સ્વીકારે કે ના સ્વીકારે, પણ અમે તો સેવા કરવાના એટલે કરવાના જ, તો એ પાર્ટીને સમય પણ રોકી શકતો નથી. સમયને તો જનતાની દયા આવે જ ને કે ક્યાં સુધી જનતાને સરકાર વગરની સાવ નિરાધાર રાખવી?  આજે આ ત્રણેય પક્ષો એક ઘાટ પર ભેગા થઈ શક્યા છે. આ ઘાટને કેટલાક લોકો ‘સંગમઘાટ’ તરીકે ઓળખાવે છે. કેટલાક એને ‘જળ તેલ મિલાપઘાટ’ તરીકે ઓળખાવે છે, તો કેટલાક ચુસ્ત આસ્થાવાદીઓ આને ‘વિચિત્રકુટ ત્રિવેણી ઘાટ’ તરીકે પણ ઓળખાવે છે. આમાં જનતા તરીકે આપણું કશું ના ચાલે સાહેબ, જૈસી જિસકી સોચ…! આ ત્રિ-પક્ષીય સરકાર જો પાંચ વર્ષ સુધી ટકી ગઈ, તો રાજકીય ઇતિહાસમાં એક નવો જ રેકોર્ડ ગણાશે કે ક્યારેક એકહથ્થુ સરકાર પણ અધવચ્ચે વસૂકી જાય છે, જ્યારે આ તો ‘ત્રિહથ્થુ’ સરકાર હતી તેમ છતાં ટકી ગઈ! આને કહેવાય ધ મિરેકલ ગવર્નન્સ ઓફ ટ્રાયો ગવર્નમેન્ટ!

આપણો દેશ લોકશાહી દેશ છે એટલે સ્વાભાવિક છે કે દેશમાં ક્યારેક એક કરતાં વધારે વડા પ્રધાનો, ક્યાંક બે કરતાં વધારે મુખ્યમંત્રીઓ અને ક્યાંક તો વળી ત્રણ કરતાં પણ વધારે ઉપમુખ્યમંત્રીઓ જનતાની સેવા કરવા માટે પ્રતિબદ્ધ અને કટિબદ્ધ થઈ જતા હોય છે. સાધુ-સંતો, સાહિત્યકારો કે મોટા મોટા સમાજ-સુધારકોને સમાજની સેવા કરવાના જેટલા એટેક નથી આવતા, એટલા એટેક આપણા નેતાઓને આવે છે એ લોકશાહીના ભવિષ્ય માટે અને ભવિષ્યની લોકશાહી માટે ખરેખર સારી નિશાની કહેવાય. આજે લોકોને પોતાનાં મા-બાપની સેવા કરવાનો કાંતો ટાઇમ નથી મળતો, કાંતો એવો જોરદાર એટેક નથી આવતો એવા હળહળતા અને ઝળઝળતા કળિયુગમાં, જનતાની સેવા કરવા માટે આપણા નેતાઓ છેલ્લા એક મહિનાથી બિચારા રાતદા’ડો એક કરી રહ્યા છે એની ખરેખર પ્રશંસા કરવી જોઈએ. જ્યાં સુધી આપણી પાસે આવા રાજસેવકો હશે ત્યાં સુધી, જનતાની વાત જવા દો, લોકશાહીને કે લોકશાહીના શાસકોને ઊની કે ઠંડી કોઈપણ પ્રકારની આંચ નથી આવવાની.

સમર્થ લોકશાહીના સમર્થક અબ્રાહમ લિંકન કહે છે : Democracy should not be used for personal revenge and advantage. નેતા કોઈપણ પાર્ટીનો હોય – પછી એ પોલિટિકલ પાર્ટીનો હોય કે મ્યૂઝિકલ પાર્ટીનો હોય, એણે કોઈની સાથે બદલો લેવા કે અંગત લાભ ઉઠાવવા લોકશાહીનો શસ્ત્ર તરીકે કે પોતાના સંગીત તરીકે ઉપયોગ નહીં કરવો જોઈએ. લોકશાહી સત્તા આપે છે, અધિકાર આપે છે પણ મિથ્યાધિકાર નહીં! જે દેશની લોકશાહી મોટી હોય એના નેતાઓ પણ મોટા હોય. મોટા નેતાઓની સમસ્યાઓ પણ નેતાના સ્ટેટસને શોભે એવી મોટી હોય. મહારાષ્ટ્રની બાબતે પણ આવું કહી શકાય. રાષ્ટ્ર જેટલું ‘મહા’, રાજકારણ એટલું જ ‘મહા!’ આજે મહારાષ્ટ્રમાં ત્રણ-ત્રણ પક્ષોની મહાસરકાર બની રહી છે ત્યારે ‘સૌનું એ કોઈનુંય નહીં’ એમ સમજીને જો ત્રણેય પક્ષો એકબીજાને જવાબદારીઓની ખો આપતા રહેશે તો લોકશાહીની તો સમજ્યા, જનતાની ખો નીકળી જશે!   જોકે ત્રણેય પક્ષો સમજુ છે. એમનામાં એટલી તો રાજકીય કુનેહ છે કે ભલે લોકશાહીનાં મૂલ્યો કે સિદ્ધાંતોના ભોગે બધું જ થાય, પણ સત્તાના ભોગે એવું કશું જ નહીં કરવાનું કે ચાંચમાં પકડેલી સત્તાની મધમીઠી સુખડી નીચે પડી જાય! સત્તા છે તો બધું છે. સત્તા નથી તો કશું નથી, કશું…જ નથી! પોતાનાં હોય એને પારકાં અને પારકાં હોય એને પોતાનાં બનાવવાના ચમત્કારને રાજકારણ કહેવાય!

ચૂસકી

  • યક્ષ : આજકાલ પરીક્ષાના પેપર લિક ન થાય એ માટે શું કરવું જોઈએ?
  • યુધિષ્ઠિર : પ્લમ્બર તૈયાર કરવા જોઈએ!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન