ગુજરાત સરકારની પોલ ખુલ્લી, બાંધકામ અધૂરું છતાં સરકારી ચોપડે કામગીરી પૂર્ણ - Sandesh
  • Home
  • Gandhinagar
  • ગુજરાત સરકારની પોલ ખુલ્લી, બાંધકામ અધૂરું છતાં સરકારી ચોપડે કામગીરી પૂર્ણ

ગુજરાત સરકારની પોલ ખુલ્લી, બાંધકામ અધૂરું છતાં સરકારી ચોપડે કામગીરી પૂર્ણ

 | 7:01 pm IST

ગુજરાત સરકારની સરદાર પટેલ આવાસ યોજના કાગળ પર ચાલતી હોવાનો કેગના રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે. તાલુકા સ્તરે આજે પણ લોકો કાચા મકાનોમાં રહેવા મજબૂર બન્યા છે. ગુજરાત સરકાર માત્ર આંકડાની માયાજાળ રચે છે તેની પોલ ખુલ્લી પડી છે. કેગના રિપોર્ટમાં બહાર આવ્યું છે કે, આવાસ યોજનામાં વર્ષ ૨૦૧૨થી ૨૦૧૭ દરમિયાન ૯૮ ટકા અને આવાસ યોજના-૨માં ૬૫ ટકા લક્ષ્યાંક પ્રાપ્તિના આંકડા બતાવવામાં આવ્યા હતા, આ આંકડા વધુ પડતાં હતા કારણ કે બાંધકામ હેઠળના મકાનો તેમજ પૂર્ણ થવાના આરે હોય તેવા મકાનોને કાગળ પર પૂરા થયેલા બતાવી દેવામાં આવ્યા હતા. યોજનાની દેખરેખ માટે સમિતિ પણ રચાઈ ન હતી.

રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે બીપીએલ અને એપીએલ કુટુંબોને વિના મૂલ્યે પ્લોટ પૂરા પાડવા તેમજ પાકા મકાનો બાંધવા માટે નાણાંકીય સહાય આપવા સરદાર પટેલ આવાસ યોજના અમલમાં મૂકી છે. કેગ દ્વારા એપ્રિલ ૨૦૧૭થી સપ્ટેમ્બર ૨૦૧૭ વચ્ચે આ યોજનાનું ઓડિટ કરવામાં આવ્યું હતું. ૩૩માંથી ૮ જિલ્લા પંચાયતોની ૮૫ ગ્રામ પંચાયતો તદુપરાંત ૬૨માંથી ૧૭ તાલુકા પંચાયતો અને ૮૫૦ લાભાર્થીઓની મુલાકાત કરી હતી. આ તપાસ દરમિયાન ખબર પડી કે, નક્કી કરેલા આયોજનમાં જ નબળાઈ હતી. પ્રતીક્ષાયાદી ન હોવાના કારણે ખુદ સરકાર વંચિત રહેલા બીપીએલ કુટુંબોની સંખ્યા બાબતે અજાણ હતી. બાંધકામના નિયમોનું પણ પાલન કરાયું નથી. આ દરમિયાન યોજનાનો બીજો તબક્કો શરૃ કરી દેવાયો હતો. લાભાર્થીઓની આર્થિક પરિસ્થિતિના કારણે પણ બાંધકામ પૂરું કરવામાં એકથી ચાર વર્ષનો વિલંબ થયો છે.

કેગના રિપોર્ટમાં એ પણ બહાર આવ્યું છે કે, વર્ષ ૨૦૧૨-૧૩ દરમિયાન ૨૦૪૦.૬૭ કરોડમાંથી માત્ર ૫૬ ટકા રકમ જ ખર્ચ કરાઈ હતી. લાભાર્થીઓને બે વાર ચુકવણી કરાઈ હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. દાહોદ જિલ્લામાં યોજનાનું અમલીકરણ ખૂબ નબળું રહ્યું છે. દેવગઢ બારિયાના પીપલોદ ગામમાં ૧૦ કિસ્સાની તપાસ કરાઈ તો તે પૈકીના બે કિસ્સામાં ખોટી રીતે ચુકવણી થયાનું ધ્યાને આવ્યું હતું. કેગે એવી પણ ભલામણ કરી છે કે, લાભાર્થીઓને તાત્કાલિક આવાસનો લાભ આપવો જોઈએ. સરકારે જે લક્ષ્યાંક નક્કી કર્યા હતા તે અવાસ્તવિક હતા.

આરસીસીની છતને બદલે નળિયા, શૌચાલય જ નહિ
સરદાર આવાસ યોજનામાં ૮૫૦ લાભાર્થીઓની મુલાકાત લીધી ત્યારે બહાર આવ્યું કે, ૫૩૫ મકાનોમાંથી ૨૯૭માં (૫૬ ટકા) લાભાર્થીએ છત બનાવવા માટે આરસીસી સ્લેબને બદલે સિમેન્ટ સિટસ કે નળિયાનો ઉપયોગ કર્યો હતો. ૩૨ ટકામાં પ્લાસ્ટર વાળી દિવાલો ન હતા. ૨૦ ટકામાં શૌચાલય ન હતા. ૬ ટકા મકાનમાં બારી બારણાં જ નહોતા. યોજનામાં અગત્યના પદો પણ ખાલી પડયા છે, જેને કારણે યોજના ઝડપથી આગળ વધતી નથી.