ફિલ્મ 'દ્રશ્યમ' જેવો કિસ્સો, પતિએ પત્નીની ઠંડા કલેજે હત્યા કરી કર્યું આવું કામ... - Sandesh
  • Home
  • Bhuj
  • ફિલ્મ ‘દ્રશ્યમ’ જેવો કિસ્સો, પતિએ પત્નીની ઠંડા કલેજે હત્યા કરી કર્યું આવું કામ…

ફિલ્મ ‘દ્રશ્યમ’ જેવો કિસ્સો, પતિએ પત્નીની ઠંડા કલેજે હત્યા કરી કર્યું આવું કામ…

 | 7:31 pm IST

‘દ્રશ્યમ’ ફિલ્મમાં અજય દેવગણના પરિવારે આઈજીના પુત્રની હત્યા કરીને પોલીસ સ્ટેશનના પાયામાં લાશ દફનાવી દીધી હતી. તેવો જ એક કિસ્સો ભુજમાં સપાટીએ આવ્યો છે. દસ મહિના પૂર્વે ગુમ થયેલી મહિલાની હત્યા નિપજાવીને તેનો મૃતદેહ સિમંધર સિટીમાં નિર્માણ પામતા એક ઘરના પાયામાં દાટી દેવાયો હતો. મહિલાના હત્યારા અન્ય કોઈ નહિ મહિલાનો પતિ હોવાનું ખુલાસો થયો છે. હાલ પોલીસે મહિલાની હત્યા કેસમાં આરોપી પતિ સહીત પાંચ આરોપીની ધરપકડ કરી છે.

9 જુન 2018ના રોજ ભુજમાં રહેતી મુસ્લિમ મહિલા રૂકશાના ગૂમ થઈ હતી, અને તેના પતિ ઈસ્માઈલ માજોઠીએ પોલીસમાં તેની પત્ની ગુમ થયાની જાહેરાત આપી હતી. બે મહિના પછી અમદાવાદ રેલવે સ્ટેશનેથી આ મહિલાનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. અને ત્રણ મહિના બાદ મહિલાએ અજમેરના રેલવે સ્ટેશનમાં એન્ટ્રી કરી હોવાની સાબિતી આપવા લોકલ એસટીડીમાંથી તેના ભાઈને ફોન ગયો હતો. અને તે બરોબર હોવાનું ફોનમાં જણાવાયું હતું. આ સમગ્ર ઘટના પૂર્વ આયોજીત કાવતરાના ભાગરૂપે મહિલાની હાજરી દર્શાવવા તરકટ કરાયું હતું.

ખરેખરમાં મહિલા ગુમ થઈ તે પૂર્વે જ તેની હત્યા નિપજાવી દેવાઈ હતી. અને પ્રથમ આઈશા પાર્કમાં ખાડો ખોદીને મહિલાની લાશ દાટી દેવાઈ હતી. ઈસ્માઈલ માંજોઠી પોતે કોન્ટ્રાકટર હતો, અને તેના જુદા જુદા સ્થળોએ કામ ચાલતા હતા. ત્યારે હત્યાના ત્રણ મહિના બાદ તેણે આ લાશને આઈશા પાર્કમાંથી કાઢીને સિમંધર સિટીમાં બનતા મકાનના પાયામાં નાખી સિમેન્ટ ચણતર કરી લેવામાં આવ્યું હતું. પોલીસે આ સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ હાથ ધરીને દટાયેલા મડદા ઉખેડીને મુળ સુધી પહોંચી છે. પોલીસે મહિલાના અસ્થિઓ સહિતના અવશેષો કાઢીને તેની પ્રાથમિક તપાસ ભુજની જી.કે. જનરલમાં કર્યા બાદ ફોરેન્સીક તપાસ અને ડીએનએ પ્રોફાઈલ કરાવવા અવશેષો જામનગર મોકલી આપી તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક મહિલાનો તેના પતિ સાથે અવાર નવાર ઝઘડો થતો હતો. અને ઈસ્માઈલ માંજોઠીએ પંદર મહિના પહેલા બીજા લગ્ન પણ કરી લીધા હતા. તે પોતાની બીજી પત્ની સાથે રહેતો હતો. પરંતુ પ્રથમ પત્ની સાથેના ઝઘડાઓ ચાલુ જ હતા. બન્ને પતિ-પત્નિએ સામ સામે અરજીઓ પણ કરી હતી. તો મૃતક મહિલા રૂકશાનાએ તેના પતિ ઈસ્માઈલ વિરૂદ્ધ માનસિક-શારીરિક ત્રાસ આપવાનો ગુનો પણ દાખલ કરાવેલો હતો. ત્યારે પોલીસે સમગ્ર બાબતો ચકાસીને શકદાર તરીકે તેના પતિની જ ઝીણવટભરી તપાસ ચલાવી હતી. જેના થકી સમગ્ર વિગતો બહાર આવી હતી.

મહિલાની હત્યાના ચકચારી બનાવમાં તેના પતિ ઈસ્માઈલ માંજોઠીએ તેના માસીના દિકરા જાવેદ માંજોઠીની મદદથી ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, ઈસ્માઈલે તેના માસીયાઈ ભાઈ જાવેદ માંજોઠીને કહ્યું હતું કે, ગમે તેમ કરીને રૂકશાનાને પતાવી પડશે. અને પુર્વ આયોજીત કાવતરું રચીને હત્યાના બનાવને અંજામ અપાયો હતો. જેમાં ઈસ્માઈલ માંજોઠી, જાવેદ જુસબ માંજોઠી, સાજીદ દાઉદભાઈ ખલીફા, મામદ ઓસમાણ કુંભાર, શબીર જુસબ માંજોઠી અને અલતાફ અબ્દુલ માંજોઠીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન