The ice melts early in the hot woolen cloth try to home
  • Home
  • Kids Corner
  • બરફને ગરમ ઊનનાં કપડામાં વીંટી રાખવાથી વહેલો ઓગળે! ટ્રાઈ કરી જોજો

બરફને ગરમ ઊનનાં કપડામાં વીંટી રાખવાથી વહેલો ઓગળે! ટ્રાઈ કરી જોજો

 | 10:07 am IST

ચાલો જાતે કરીને જોઈએ…! :- માલિની મૌર્ય

ઠંડીના કારણે પાણી થીજી જાય તો બરફ બને છે એ તો આપણે બધા જાણીએ જ છીએ. એનો અર્થ એ થયો કે બરફને બરફ બનાવવા અને બરફ સ્વરૂપે જાળવી રાખવા માટે ઠંડી જરૂરી છે. જો ઠંડી ન રહે તો બરફ બનેલું પાણી ધીમે ધીમે ગરમીથી ઓગળવા લાગે અને જોતજોતામાં બરફ ઓગળીને પાણી બની જાય. બરફ હાથમાં લઈ રમાડશો તો ખ્યાલ આવશે કે હાથમાં આવતાં જ એમાંથી પાણી છૂટવા લાગે છે, કારણ કે એની દરેક સપાટી ઉપર આસપાસની હવા લાગવા માંડેે છે. આસપાસની હવા બરફ માટે ખૂબ ગરમ હોય છે. એની ગરમીથી બરફ એની દરેક બાજુથી થોડાક થોડાક અણુ બનીને ઓગળવા માંડે છે. ઊનના કપડાં પણ ગરમ હોય છે. આપણે ઊનનાં કપડાં પહેરીએ તો થોડી જ પળમાં આપણને ઠંડી લાગવાનું બંધ થઈ જાય છે અને હૂંફ લાગવા માંડે છે. જરાક ઠંડી ઓછી થાય તો ઊનનાં કપડાંમાં આપણને એટલી ગરમી લાગે છે કે આપણા શરીરે પરસેવો વળવા લાગે. તો આવા ગરમ ઊનનાં કપડામાં બરફને ચારે બાજુથી ઢાંકીને મૂકી દઈએ તો બરફ વહેલો ઓગળે કે નહીં? આ સવાલનો જવાબ મેળવવા માટે ચાલો આપણે એક અખતરો જાતે કરીને જોઈ લઈએ!

એ માટે શું શું જોઈશે?

બરફના બે મોટા ગચિયા, અસલી ઊનના કાપડનો મોટો ટુકડો, અથવા શાલ, ઘડિયાળ.

શું કરવાનું થશે?

બરફના બે મોટા ગચિયા મેળવી લો. બજારમાં બરફ વેચાતો મળે છે. ત્યાંથી એકસરખા વજનના બે ગચિયા ખરીદી લાવો.

નહીંતર સરખા માપની બે તપેલીમાં પાણી ભરીને તમારા ફ્રિજના ફ્રીઝર ખાનામાં મૂકી દો. થોડાક કલાકમાં એ જામીને બરફ બની જશે. હવે એક એક કરી તપેલીને નળના પાણી નીચે અડધી મિનિટ મૂકી રાખો અને પછી એને થાળીમાં ઊંધી પાડો. એમ કરવાથી બે થાળીમાં તપેલીના આકારના બરફનાં બે ગચિયાં નીકળી આવશે.

હવે બરફના એક ગચિયાને પ્યોર ઊનની શાલમાં બધી બાજુથી વીંટી લો અને પછી તેને મૂકી દો.

બીજું ગચિયું એમને એમ થાળીમાં ખુલ્લું જ મૂકી રાખો.

ઘડિયાળમાં જોઈને ટાઈમ નોટબુકમાં નોંધી લો. એક કલાક પછી બરફના ગચિયાંની હાલત તપાસો. જુઓ કે શું થયું છે.

એમ કરવાથી શું થશે?

એક કલાક પછી બરફનાં બંને ગચિયાં તપાસશો તો જોવા મળશે કે જે ગચિયું ખુલ્લું હતું એ વધારે ઓગળી ગયું છે અને જે ગચિયું ઊનમાં વીંટીને રાખ્યું હતું એ ખૂબ ઓછું ઓગળ્યું છે.

અરે! આવું શી રીતે થાય?

ખરેખર તો હૂંફાળા ઊનમાં વીંટી રાખેલો બરફ ઊનની હૂંફના કારણે વહેલો ઓગળી જવો જોઈએ. એમ થતું નથી, કારણ કે ઊન પોતે હૂંફાળું નથી.

ઊનના રેષા આલ્ફા કેરાટિનના બનેલા હોય છે. એ એકબીજાની સાથે ચપોચપ ચોંટી જવાનો ગુણ કરાવે છે.જ્યારે કાપડ બનાવવામાં વપરાય તો એ કાપડ એવું બને છે કે એક બાજુની હવા કાપડની આરપાર ન નીકળી શકે. એક બાજુની ગરમી બીજી બાજુ ન જઈ શકે.

ઊનની આ ખાસિયતના કારણે આપણે ઊનનાં કપડાં પહેરીએ ત્યારે એ શરીરમાં ઉત્પન્ન થતી ગરમીને બહાર જવા દેતું નથી. એટલે આપણને શરીરની ગરમીથી જ હૂંફનો અનુભવ થાય છે.

આપણે જોયું બે બરફને ઓગળવા માટે બહારની હવામાં રહેલી ગરમી અડવી જરૂરી છે. બહારની હવા બરફને સ્પર્શ કરે તો જ હવામાંથી ગરમી બરફના અણુઓમાં આવે અને બરફ ઓગળે.

ઊનમાં વીંટેલા બરફને બહારની હવાની ગરમી સ્પર્શ કરતી જ નથી. ઊનનું કાપડ બહારની ગરમીને બરફ સુધી જવા જ દેતું નથી. એટલે ગરમ કહેવાતા હૂંફાળા ઊનના કાપડમાં વીંટાળેલો બરફનો ટુકડો વધારે સમય સુધી ઓગળતો નથી.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન