The idea of sending lawyers to villages is good but difficult to implement
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • નાવીન્ય : વકીલોને ગામડાંમાં મોકલવાનો વિચાર સારો પણ અમલ અઘરો

નાવીન્ય : વકીલોને ગામડાંમાં મોકલવાનો વિચાર સારો પણ અમલ અઘરો

 | 5:45 am IST
  • Share

  • દેશમાં હાલમાં 3 કરોડ જેટલા પેન્ડિંગ કેસ 
  • માત્ર 1% કેસમાં જ મફ્ત કાનૂની સહાય મળે છે
  • પહેલાં 3 વર્ષની મુદત હતી પણ ભારે વિરોધ પછી 1 વર્ષની કરાઈ 

 

સરકારનું કામ શું ? આવો સવાલ સ્વાભાવિક છે. સામાન્ય ભાષામાં કહેવું હોય તો લોકોની સુખાકારી માટે વિવિધ યોજનાઓ રજૂ કરવી અને તેનો સુચારુ રીતે અમલ થાય એ જોવું. ખાસ કરીને સમાજના છેવાડાના લોકો સુધી સરકાર, સરકારી યોજનાઓ પહોંચે તે જરૂરી છે. આમાં સરકાર કરતાં પણ નોકરશાહી અગત્યનો ભાગ ભજવતી હોય છે. દરેક સરકારમાં એવાં સેવાભાવી અધિકારીઓ- કર્મચારીઓ હોય છે, ભલે તેમની સંખ્યા આંગળીના વેઢે ગણાય એટલી હોય પણ તેમના લીધે જ છેવાડાના લોકો વિવિધ લાભ મેળવી શકે છે. શિક્ષણ, આરોગ્ય અને ન્યાય એ એવી બાબત છે કે, દરેકને સુલભ થવી જોઈએ.

સરકાર એટલા માટે જ અબજો રૂપિયા શાળા પાછળ ખર્ચે છે. મૂળભૂત રીતે આપણો દેશ આઝાદ થયો ત્યારે કલ્યાણ રાજ્યની કલ્પના કરવામાં આવી હતી અને એ દિશામાં આગળ વધવા એ પ્રકારે આયોજન કરવામાં આવ્યું હતું. છતાં આજે પણ ગામડામાં શિક્ષણ અને આરોગ્યની હાલત અત્યંત દારુણ છે. આ માટે સરકારે વિવિધ તરકીબો અમલમાં મૂકી છે. રાજ્યનો કોઈ પણ વિદ્યાર્થી ડોક્ટર બને એટલે એણે ગામડામાં કામ કરવું ફરજિયાત છે. પહેલાં 3 વર્ષની મુદત હતી પણ ભારે વિરોધ પછી 1 વર્ષની કરાઈ છે અને જો કોઈ ડોક્ટર ગામડામાં ના જાય તો તેને 20 લાખનો દંડ ફટકારવામાં આવે છે. અગાઉ 3 વર્ષ કામ ના કરે તો 5 લાખનો બોન્ડ લખાવાતો હતો તે જપ્ત કરી દેવાતો હતો. ડોક્ટરોની દલીલ એવી છે કે, ગામડામાં તેમને કંઈ શીખવા મળતું નથી કારણ કે, ત્યાં તબીબી સંસાધનોનો અભાવ હોય છે. તેઓ ભણેલું પણ ભૂલી જાય છે. આથી સરકારે એક વર્ષ પણ ડોક્ટર ત્યાં રહે એટલે મુદત એક વર્ષ કરી અને બોન્ડની રકમ 20 લાખ કરી દીધી.

પણ આપણે વાત કરવી છે કાનૂની ક્ષેત્રે પણ હવે આ યોજના લાવવામાં આવી રહી છે તે અંગેની. નેશનલ લીગલ ર્સિવસ ઓથોરિટી (નાલસા)ના ચેરમેન જસ્ટિસ યુ.યુ. લલિતે દેશમાં ખૂણે ખૂણે મફ્ત કાનૂની સહાય મળી રહે તે હેતુથી ડોક્ટરની જેમ છેવાડાના ક્ષેત્રે કાયદાનો અભ્યાસ કરતા છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને સ્વયંસેવક તરીકે સેવા આપવા મોકલવાનું નક્કી કર્યું છે જેથી ગરીબ અને જરૂરિયાત ધરાવતા લોકોને મફ્ત કાનૂની સહાય મળી રહે. એટલું જ નહીં, દિવ્યાંગ, જાતીય હિંસાનો ભોગ બનેલી મહિલાઓ, એસિડ હુમલાનો ભોગ બનેલી, ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બનેલી મહિલાને ઘણો લાભ થશે.

આ માટે જસ્ટિસ યુ.યુ. લલિતે બાર કાઉન્સિલ ઓફ્ ઇન્ડિયા સાથે વાત કરી છે. બાર કાઉન્સિલ કાયદાની કોલેજોને મંજૂરી આપે છે અને અભ્યાસક્રમ નક્કી કરે છે. બાર કાઉન્સિલે આ પ્રકારે પરિવર્તન અંગે સંમતિ પણ દર્શાવી છે, જેથી અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ ઓછામાં ઓછું છ મહિના સુધી કાનૂની સ્વયંસેવક તરીકે સેવા આપી શકે. બાર કાઉન્સિલ માન્ય 530 કોલેજો દેશમાં છે. દરેક કોલેજમાં છેલ્લા વર્ષમાં 50 બેઠક હોય છે. આ રીતે લગભગ 26,000 વિદ્યાર્થીઓ ઉપલબ્ધ થઈ શકે જેનો ઉપયોગ છેવાડાના લોકોને મફ્ત કાનૂની સહાય આપવામાં થાય. જસ્ટિસ યુ. યુ. લલિત લોકોના મફ્ત કાનૂની સહાયના ઉદ્દેશથી આ પ્રકારે ગોઠવણ કરી રહ્યા છે. આ વાત આવકાર્ય પણ છે.

આમ તો આ યોજના 2009થી ચાલે છે. ગામડામાં મુખ્યત્વે જમીનના ઝઘડા, દુષ્કર્મ, ઘરકંકાસના કેસ વધુ થતા હોય છે. આથી ત્યાંના લોકોને કાયદા અંગે જાગૃતિ મળે એ જરૂરી પણ છે. આવા આશયથી જ જસ્ટિસ લલિતે આ સૂચન કર્યું છે. 2009માં જ્યારે આ યોજના રજૂ કરી ત્યારે શિક્ષકો, નિવૃત્ત સરકારી અધિકારી, આંગણવાડી કર્મચારીઓ, ડોક્ટર, એનજીઓ, મહિલા જૂથ વગેરેને પણ જોડવાનું નક્કી કરાયું હતું. પરંતુ તેમાં જોઈએ એટલી સફળતા મળી શકી નથી. આથી હવે કાયદાના વિદ્યાર્થીઓને ડોક્ટરની જેમ કામે લગાડવાનું નક્કી કરાયું છે. મુખ્યત્વે તાલુકા લીગલ ર્સિવસ, ડિસ્ટ્રિક્ટ લીગલ ર્સિવસે જ આ યોજના ચલાવવાની હતી. આ માટે કાનૂની સ્વયંસેવકોને મુસાફ્રી, ફોન, ટપાલ ખર્ચ થાય તો તે તાલુકા લીગલ ર્સિવસ કે ડિસ્ટ્રિક્ટ લીગલ ર્સિવસ ઓથોરિટી તે ચૂકવે તેવું નક્કી કરાયું હતું.

દેશમાં હાલમાં 3 કરોડ જેટલાં પેન્ડિંગ કેસ છે. તેમાંથી માત્ર 1% કેસમાં જ મફ્ત કાનૂની સહાય મળે છે. જસ્ટિસ યુ. યુ. લલિતે તો એવું પણ સૂચન કર્યું છે કે, સુપ્રીમ અને હાઈકોર્ટના સિનિયર એડવોકેટોએ દર વર્ષે ગરીબોના 3 જેટલાં કેસમાં મફ્ત સહાય કરવી જોઈએ.  જસ્ટિસ યુ. યુ. લલિતનું સૂચન એકદમ સચોટ છે પણ ખાટલે મોટી ખોડ એ છે કે, આ સ્વયંસેવક ગામડામાં જશે ખરા ? ડોક્ટરને ફ્રજિયાત જવાનું હોવા છતાં તેઓ જતાં નથી એટલે સરકારે નવાં નિયમ કરવા પડે છે. વકીલ બનવા માગતા વિદ્યાર્થીઓ પાસેથી આવી અપેક્ષા રાખવી વધુ પડતી છે. ડોક્ટરને તો સ્ટાઇપેન્ડ પણ મળતું હોય છે. અહીં આ અંગે કોઈ સ્પષ્ટતા નથી. ધારો કે સ્ટાઇપેન્ડ આપવાનું નક્કી કરવામાં આવે તો કોણ ચૂકવે એ પણ એક સવાલ છે. હેતુ સામે કોઈ વાંધો હોઈ શકે જ નહીં પણ અમલીકરણનો મુદ્દો અગત્યનો છે. આપણા દેશમાં એવા ઘણાં કાયદા છે કે, તેનો અમલ જ થતો નથી. ઘણાંને ખબર પણ હોતી નથી. આથી જાગૃતિ માટે પણ આ નિર્ણય આવકાર્ય છે.

બાર કાઉન્સિલ અને કાયદાનું શિક્ષણ આપતી કોલેજો કઈ રીતે અમલ કરે છે એ જોવાનું રસપ્રદ રહેશે. જોકે, ડોક્ટર અને વકીલમાં ફ્રક એટલો છે કે વકીલ સ્વયંસેવક ભણવાનું ભૂલી જવાશે કે સંસાધનો નથી તેવી દલીલ કરી શકશે નહીં. વકીલની સ્કિલ માટે બાહ્ય કોઈ સાધનોની જરૂર પડતી નથી. કેસના અભ્યાસને કારણે તેમની સ્કિલમાં વધારો ચોક્કસ થવાનો છે. તાલુકા કે ગામડામાં રહેતાં છેવાડાના લોકોને સાચી કાનૂની સલાહ અને તે પણ મફ્તમાં મળે તો ચોક્કસપણે એ લોકોનો ઉદ્ધાર થઈ જાય. આ ઉપરાંત જસ્ટિસ યુ. યુ. લલિતે સિનિયર વકીલોને પણ વર્ષમાં 3 કેસ મફ્તમાં લડવાનું સૂચન કર્યું છે. આમ તો ઘણાં વકીલો આવું કરતાં હોય છે પણ જરૂરિયાત ધરાવતા લોકોને આ મદદ મળે તે બહુ જરૂરી છે. જસ્ટિસ લલિતનું સૂચન અત્યંત આવકારદાયક છે પણ અગાઉ જણાવ્યું તેમ તેનો અમલ કઈ રીતે થાય છે તેના પર ઘણો આધાર રહેલો છે. કાનૂની સ્વયંસેવક યોજના હેઠળ વાજબીદરે માનદ વેતન ચૂકવવામાં આવે તો તેનો અપેક્ષિત લાભ મળી શકે. વળી, જે વિદ્યાર્થીઓની આર્થિક હાલત નબળી હોય તો તેને પણ ટેકો મળે. આ દિશામાં વિચારવામાં આવે તો જસ્ટિસ લલિતે જે કહ્યું છે તે હેતુ બર આવશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો