મૂર્તેની જેમ એક જગ્યાએ કલાકો સુધી સ્થિર રહેતું : શૂબિલ - Sandesh
  • Home
  • Kids Corner
  • મૂર્તેની જેમ એક જગ્યાએ કલાકો સુધી સ્થિર રહેતું : શૂબિલ

મૂર્તેની જેમ એક જગ્યાએ કલાકો સુધી સ્થિર રહેતું : શૂબિલ

 | 12:01 am IST

જંગલબુક :- નીરવ દેસાઈ

શૂબિલ નામનું આ પક્ષી વ્હેલહેડ તરીકે પણ ઓળખાય છે. શૂબિલ દેખાવે સ્ટોર્ક નામના બગલાની જાતના પક્ષીઓ જેવા હોય છે. જો કે આનુવંશિક રીતે તેઓ સારસ પક્ષીઓ જેવા લાગે છે. શૂબિલની ચાંચ બૂટ જેવા આકારની હોવાથી તેનું નામ શૂબિલ પડયું છે. મોટેભાગે પુખ્ત વયના શૂબિલ ભૂખરા રંગના હોય છે. સામાન્ય રીતે તે ઉષ્ણકટિબંધીય પૂર્વ આફ્રિકામાં સુદાનથી લઈને ઝામ્બિયા સુધીના ભેજવાળા વિસ્તારમાં જોવા મળે છે. શૂબિલના શરીર પરના પીંછા વાદળી અથવા ભૂખરા રંગના હોય છે. જ્યારે તે જન્મે ત્યારે તેનો રંગ બદામી તેમજ ભૂખરો હોય છે, પણ મોટા થતાં તેનો રંગ બદલાઈ જાય છે.

શૂબિલ પક્ષી કદમાં ઊંચું હોય છે. સામાન્ય રીતે તેની ઊંચાઈ તેતાલીસથી પંચાવન ઈંચ જેટલી હોય છે, જ્યારે કેટલાક શૂબિલ સાંઈઠ ઈંચ જેટલા ઊંચા હોય છે. તેમજ તેમની બે પાંખો વચ્ચેનું અંતર ૨૩૦ સે.મી.થી ૨૬૦ સે.મી. જેટલું હોય છે. તેમનું વજન આશરે ચારથી સાત કિલોગ્રામ જેટલું હોય છે, જેમાં મેલ શૂબિલનું વજન ૫.૬ કિલોગ્રામ જેટલું હોય છે અને ફીમેલ શૂબિલનું વજન ૪.૯ કિલોગ્રામ જેટલું હોય છે. ચાંચની લંબાઈની વાત કરીએ તો સારસ અને સ્ટોર્ક પછી શૂબિલ ત્રીજા નંબરનું પક્ષી છે, જેની ચાંચ સૌથી લાંબી છે. શૂબિલની ચાંચની કિનાર એટલી અણીદાર હોય છે કે તેનાથી તે આસાનીથી પોતાનો શિકાર કરી શકે છે. તેની ચાંચનું નીચેનું જડબું ઘણું મજબૂત હોય છે. જ્યારે શૂબિલના બચ્ચાં જન્મે છે ત્યારે તેની ચાંચ ઘણી નાજૂક અને ચળકતી ભૂખરા રંગની હોય છે. શૂબિલના પગ કાળા રંગના અને લાંબા હોય છે, તેની લંબાઈ ૮.૫થી ૧૦ ઈંચ જેટલી હોય છે. બગલા અને સારસની સરખામણીમાં શૂબિલની ગરદન ટૂંકી હોય છે અને તેના પગ જાડા હોય છે. તેમજ તેની પાંખો પણ પ્રમાણમાં પહોળી હોય છે. તેની પાંખોની લંબાઈ આશરે ૨૩.૧થી ૩૦.૭ ઈંચ જેટલી હોય છે. પુખ્ત વયના શૂબિલની પાંખો ઘાટ્ટા ભૂરા રંગની હોય છે. શૂબિલ મોટાભાગે ધીમું ચાલે છે અને વધારે સમય સુધી એક જ જગ્યાએ સ્થિર રહે છે. તેના  આવા વર્તનને લીધે કેટલીક વાર તેને મૂર્તે જેવું પણ કહે છે. તેની આસપાસ જો માણસ હોવાનો આભાસ થાય તો તેના માળામાં ભરાઈ જાય છે. સામાન્ય રીતે શૂબિલ તેનાં માળામાં એક વખતમાં એકથી ત્રણ ઈંડાં મૂકે છે. આ ઈંડામાંથી લગભગ ત્રીસેક દિવસ પછી બચ્ચાં બહાર આવે છે. શૂબિલ દેડકાં, ગોકળગાય, પાણીમાં તરતાં સાપ વગેરે જેવો ખોરાક ખાય છે. આ ઉપરાંત તે ઓછા ઓક્સિજનવાળા પાણીમાં રહેવાનું વધારે પસંદ કરે છે કારણ કે તેવી જગ્યા પર માછલી પાણીમાં શ્વાસ લઈ શકતી નથી, જેના કારણે તે શ્વાસ લેવા માટે પાણીની સપાટી પર આવે છે અને શૂબિલ તેનો શિકાર કરે છે. શૂબિલ ધીમે પગે અને છુપાઈને તેનો શિકાર કરે છે. ભેજવાળી જમીન ઉપરાંત શૂબિલ પક્ષીઓ ચોખાના ખેતરોમાં તેમજ પાણીવાળા વિસ્તારોમાં પણ વધુ પડતા જોવા મળે છે.

[email protected]