ભારત-ઓસ્ટ્રેલિયા ટી-૨૦ સિરીઝ જીતવાના લક્ષ્ય સાથે મેદાને  ઊતરશે - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ભારત-ઓસ્ટ્રેલિયા ટી-૨૦ સિરીઝ જીતવાના લક્ષ્ય સાથે મેદાને  ઊતરશે

ભારત-ઓસ્ટ્રેલિયા ટી-૨૦ સિરીઝ જીતવાના લક્ષ્ય સાથે મેદાને  ઊતરશે

 | 11:14 pm IST

ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ શુક્રવારે ત્રીજી ટી-૨૦ મેચમાં ટકરાશે ત્યારે બંને ટીમનું લક્ષ્ય મેચ જીતી સિરીઝ પણ પોતાના નામે કરવા પર રહેશે. ત્રણ મેચની ટી-૨૦ સિરીઝમાં બંને ટીમો ૧-૧ની બરાબરી પર છે. ભારતે પ્રથમ ટી-૨૦માં નવ વિકેટે જીત મેળવી હતી જ્યારે બીજી ટી-૨૦ મેચમાં ઓસ્ટ્રેલિયાનો આઠ વિકેટે વિજય થયો હતો. હૈદરાબાદમાં હવે સિરીઝનો નિર્ણય થશે.  જોકે, હૈદરાબાદમાં છેલ્લા એક અઠવાડિયાથી  દિવસથી વરસાદ થઈ રહ્યો છે જેની અસર મેચ પર પણ પડી શકે તેમ છે. હવામાન વિભાગે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવી છે.

આ સિરીઝમાં સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ હતી કે, પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમને સંઘર્ષ કરવો પડયો હતો જેને કારણે ૧૧૮ રન બનાવ્યા હતા જ્યારે બીજી મેચમાં ભારતીય ખેલાડીઓ લય ગુમાવતાં ૧૧૮ રન બનાવી શક્યા હતા. બીજી વન-ડે મેચ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયન ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે અને સિરીઝ જીતવા પૂરું જોર લગાવી દેશે. આ ઉપરાંત હૈદરાબાદ વોર્નરનું બીજું હોમ ગ્રાઉન્ડ કહેવાય છે. કારણ કે, તે આઈપીએલમાં હૈદરાબાદ ટીમ તરફથી રમે છે જેને કારણે આ મેદાનથી વાકેફ છે.

ભારતીય ટીમે ગુવાહાટીમાં બીજી મેચમાં પોતાની લય ગુમાવી દીધી હતી જેને કારણે કારમી હાર મળી હતી. ભારતીય બેટ્સમેનોએ પીચના મિજાજને સમજવાનો પ્રયાસ કર્યા વિના વિકેટ આપી દીધી હતી. ભારતીય ટીમની બેટિંગલાઇન ઘણી મજબૂત ગણાય છે પરંતુ ગુવાહાટીમાં ટોચના ચારેય બેટ્સમેનો નિષ્ફળ ગયા હતા.

ભારતીય ટીમ પણ વાપસી કરવા માટે સજ્જ છે. આ પહેલાં વન-ડે સિરીઝમાં ઓસ્ટ્રેલિયાએ ચોથી મેચ જીતી હતી પરંતુ વિરાટ કોહલી એન્ડ કંપનીએ પાંચમી મેચમાં પ્રહાર કરી સિરીઝ ૪-૧થી જીતી લીધી હતી. અહીં પણ એજ સ્થિતિ છે અને ભારત સિરીઝ જીતવાના લક્ષ્ય સાથે મેદાને ઊતરશે.

ત્રીજી ટી-૨૦માં જીત મેળવનાર ટીમ સિરીઝ પણ પોતાના નામે કરશે. જો ઓસી. જીતે તો તે બંનેની રેન્કિંગમાં કોઈ ફરક નહીં પડે. ભારત પાંચમા અને ઓસ્ટ્રેલિયા છઠ્ઠા ક્રમાંકે જ રહેશે. બીજી તરફ ભારત જીતે તો ટી-૨૦ રેન્કિંગમાં પાંચમા સ્થાને જ રહેશે પરંતુ તે ચોથા નંબરે રહેલી ઇંગ્લેન્ડની નજીક પહોંચી જશે અને ઓસ્ટ્રેલિયા એક સ્થાનના નુકસાન સાથે સાતમા ક્રમે ધકેલાશે.

કોહલી પાસે દિલશાનના રેકોર્ડને તોડવાની તક

વિરાટ કોહલીએ ટી-૨૦ ઇન્ટરનેશનલની ૫૨ મેચમાં ૧૩૬.૧૭ના સ્ટ્રાઇક રેટ સાથે ૧,૮૫૨ રન બનાવ્યા છે અને તે આ મેચમાં વધુ ૩૭ રન બનાવે તો દિલશાનના ૧,૮૮૯ રનના રેકોર્ડને તોડી નાખશે. દિલશાને ૮૦ ટી-૨૦ મેચમાં ૧,૮૮૯ રન બનાવ્યા હતા અને તે બીજા સ્થાને છે. મેક્કુલમે ૭૧ મેચમાં ૨,૧૪૦ રન બનાવ્યા છે અને તે પ્રથમ સ્થાને છે. આ ઉપરાંત કોહલી વર્ષ ૨૦૧૭માં સૌથી વધુ રન બનાવવાના મામલે જો રૂટને પણ પાછળ છોડી શકે તેમ છે. રૂટે આ વર્ષે ક્રિકેટના તમામ ફોર્મેટમાં મળી કુલ ૩૦ મેચ રમી છે જેમાં તેણે ૬૩.૬૯ની એવરેજથી ૧,૮૫૫ રન બનાવ્યા છે. આ સિઝનમાં રૂટે ચાર સદી અને ૧૨ અર્ધી સદી ફટકારી છે. વિરાટ કોહલીએ આ વર્ષે ૩૭ મેચ રમી છે જેમાં તેણે ૫૭.૫૩ની એવરેજથી ૧,૮૪૧ રન બનાવ્યા છે. જેમાં છ સદી અને આઠ અર્ધી સદી સામેલ છે. કોહલી રૂટને પાછળ છોડવાથી માત્ર ૧૫ રન પાછળ છે.