ભારતીય ટીમ જીતની દાવેદાર પરંતુ ઘર આંગણે ઓસ્ટ્રેલિયાને નબળી ન આંકી શકાય - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ભારતીય ટીમ જીતની દાવેદાર પરંતુ ઘર આંગણે ઓસ્ટ્રેલિયાને નબળી ન આંકી શકાય

ભારતીય ટીમ જીતની દાવેદાર પરંતુ ઘર આંગણે ઓસ્ટ્રેલિયાને નબળી ન આંકી શકાય

 | 6:19 pm IST

આત્મવિશ્વાસથી સજ્જ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે આજથી શરૂ થઈ રહેલી ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં ઊતરશે ત્યારે તેનું લક્ષ્ય વિદેશી ધરતી પર સારો દેખાવ ન કરવાના કલંકને ધોવા અને 70 વર્ષમાં પ્રથમ વાર ટેસ્ટ સિરીઝ જીતવાનું હશે. ભારતીય ટીમને સાઉથ આફ્રિકામાં 1-2થી અને ઇંગ્લેન્ડમાં 1-4થી હાર મળી હતી.

વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં હવે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયામાં ચાર ટેસ્ટ મેચની સિરીઝ જીતી વિદેશમાં ફ્લોપ શોના કલંકને મિટાવવા ઊતરશે. વિશ્વમાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેન તરીકે પોતાની જાતને સાબિત કરી ચૂકેલા વિરાટ પાસે કેપ્ટન તરીકે પણ સફળ થવાની આ સિરીઝ દ્વારા સારી તક છે. છેલ્લા 70 વર્ષમાં ભારતે 11 વખત ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડયો છે જે પૈકી બે વખત સિરીઝ ડ્રો કરી છે. પહેલાં 1980-81માં સુનીલ ગાવસ્કર અને પછી 2003-04માં સૌરવ ગાંગુલીની કેપ્ટનશિપમાં. ભારતે ઓસ્ટ્રેલિયામાં 44 ટેસ્ટ મેચ રમી છે જે પૈકી માત્ર પાંચ ટેસ્ટ મેચ જીતી છે.

ભારતીય ટીમ બેટિંગમાં મોટોભાગે વિરાટ કોહલી પર વધુ નિર્ભર રહે છે તેને ઓછી કરવી પડશે. કોહલીએ આફ્રિકામાં ત્રણ ટેસ્ટમાં 286 રન બનાવ્યા હતા. ચેતેશ્વર પૂજારાએ 10 અને મુરલી વિજયે 102 રન બનાવ્યા હતા. લોકેશ રાહુલે બે ટેસ્ટમાં 30 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડમાં બે ટેસ્ટમાં ૨૬ રન બાદ વિજયને સ્વદેશ મોકલી દેવાયો હતો. રાહુલે પાંચ ટેસ્ટમાં 299 રન બનાવ્યા હતા. ભારતે આઠ ટેસ્ટમાં ચાર અલગ-અલગ ઓપનિંગ જોડી ઉતારી છે જેમાં જોહાનિસબર્ગમાં પાર્થિવ પટેલે વિજય સાથે ઇનિંગની શરૂઆત કરી હતી. પૃથ્વી શો ઈજાને કારણે બહાર થતાં રાહુલ અને વિજય ઇનિંગની શરૂઆત કરી શકે છે. બોલિંગ આક્રમણની કમાન ઈશાંત શર્મા, શમી, બુમરાહ અને અશ્વિન સંભાળશે.

બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ટીમ તેના સ્ટાર બેટ્સમેન સ્ટીવન સ્મિથ અને ડેવિડ વોર્નર વિના ઊતરશે જેને કારણે ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમને જીતની દાવેદાર માનવામાં આવી રહી છે પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમ ઘરઆંગણે રમતી હોવાથી તેને ઓછી આંકવી પણ ભૂલ ભરેલી ગણાશે. ટીમ પાસે ઉસ્માન ખ્વાજા, ફિન્ચ, હેન્ડ્સકોમ્બ, શોન માર્શ જેવા બેટ્સમેન છે જ્યારે સ્ટાર્ક, હેઝલવૂડ અને કમિન્સને કારણે ઝડપી બોલિંગ આક્રમણ ઘણું મજબૂત ગણાય છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ સ્વીકારી ચૂક્યો છે કે, સ્મિથ-વોર્નરની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયાને હળવાશથી લઈ શકાય તેમ નથી.

બોલરોએ વધુ પ્રયાસ કરવો જોઇએ: કોહલી

ટીમમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડયા ન હોવા અંગે કોહલીએ સ્વીકાર્યું કે, ઝડપી બોલરોને વધુ ઓવર નાખવી પડશે જે હાર્દિક પંડયાના ભાગે આવતી. ઓલરાઉન્ડર ન હોવાથી ફરક પડે છે. દરેક ટીમમાં એક ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર હોય છે જે અત્યારે અમારી પાસે નથી. અમે શ્રેષ્ઠ કોમ્બિનેશન સાથે ઊતરી શકતા નથી. ઓલરાઉન્ડર ન હોવાને કારણે અન્ય બોલરોને વધુ બોલિંગ નાખવી પડશે. ઓસ્ટ્રેલિયાની કઠિન અને ઉછાળવાળી પીચો અને મોટા મેદાન બોલરોની પરીક્ષા લઈ શકે છે પરંતુ તેઓ આ બાબતને પડકાર તરીકે ગણવી જોઇએ. બોલરો પાસે અનુભવ અને વિવિધતા બંને છે. ગત પ્રવાસની સરખામણીએ આ વખતે આક્રમણ અલગ છે. હવે વધુ અનુભવી અને ફિટ બોલરો છે. કોહલીએ કહ્યું કે, અહીં ગરમી હશે અને કુકાબૂરા બોલ 20 ઓવર બાદ સ્વિંગ થતી નથી અને 45થી 50મી ઓવર વચ્ચે રિવર્સ સ્વિંગ મળવાનું શરૂ થઈ જાય છે. આ વચ્ચેનો સમય ઘણો મહત્ત્વનો છે. ભારતીય બોલરો ઇનિંગમાં પાંચ કે છ વિકેટ લેવાને બદલે એક ટીમ તરીકે બોલિંગ પર ફોકસ કરી રહ્યું છે.

ભારત ચાર બોલરો સાથે ઊતરશે

ભારતીય ટીમે આજથી શરૃ થઈ રહેલી ટેસ્ટ મેચના એક દિવસ અગાઉ 12 ખેલાડીઓના નામની જાહેરાત કરી હતી. જેમાંથી પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરાશે. આ 12 ખેલાડીઓમાં ભારતે ચાર બોલરોને સામેલ કર્યા છે. જેમાં ત્રણ ઝડપી બોલર અને એક સ્પિનરને સામેલ કર્યા છે. ભારતીય ટીમ વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં મોટેભાગે પાંચ બોલરો સાથે જોવા મળતી હતી પરંતુ ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ કોઈ જોખમ લેવા માગતી નહોવાથી છ બેટિંગ સ્પેશિયાલિસ્ટ, એક વિકેટકીપર બેટ્સમેન અને અશ્વિનના રૂપમાં ઓલરાઉન્ડર છે જેથી ભારતની બેટિંગલાઇન આઠમા ક્રમ સુધી મજબૂત છે. ભારતે 12 ખેલાડીઓમાં રોહિત શર્માને સ્થાન આપ્યું છે પરંતુ તેનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ થવો મુશ્કેલ છે. કારણ કે, ભારતીય ટીમે ચાર બોલરોને સામેલ કર્યા છે અને પાર્ટ ટાઇમ બોલર તરીકે હનુમા વિહારી ઉપયોગી સાબિત થઈ શકે છે. આથી રોહિતના સ્થાને વિહારીને તક મળી શકે છે.

ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન), લોકેશ રાહુલ, મુરલી વિજય, ચેતેશ્વર પૂજારા, રોહિત શર્મા/હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), અશ્વિન, મોહંમદ શમી, ઈશાંત શર્મા, જસપ્રીત બુમરાહ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન