મુદ્દો મોટો, વાતો નાની! - Sandesh
  • Home
  • Columnist
  • મુદ્દો મોટો, વાતો નાની!

મુદ્દો મોટો, વાતો નાની!

 | 4:24 am IST
  • Share

તમે કેવા?

આ જ્ઞાાતિવિષયક સવાલની આપણને નવાઈ નથી. કેટલાક લોકો તો નામ પણ પછી પૂછે, પહેલાં એ પૂછે કે તમે કેવા? આ સવાલના જવાબમાં ‘હું પ્રમાણમાં સારો’ એવું કહી શકાય, પરંતુ આવા જવાબને સામેવાળો મજાક સમજીને નારાજ થાય એના કરતાં, કોઈ પૂછે કે તમે કેવા ત્યારે યા તો શાંતિથી પોતાની જ્ઞાાતિ કહી દેવી અથવા નમ્ર ભાષામાં કહેવું કે ‘જેવા તમે, એવો હું. આપણે સૌ માણસ.’

કેટલી સાદી વાત છે! છતાં, જાણે ફ્ક્ત માણસ હોવું પૂરતું ન હોય એમ, તમે કેવા એ સવાલના જવાબમાં જ્ઞાાતિ-ધરમ-રાજ્ય-દેશ જેવી અનેક ઓળખો આપણને યાદ આવે. માન્યું કે આ બધી ઓળખો ખોટી નથી હોતી. માન્યું કે આ બધી ઓળખોથી માણસ કયા સમાજનો છે એ વિશેની જાણકારી મળે છે. પરંતુ અસલમાં માણસ કોણ છે? એ સવાલનો જવાબ બાહ્ય ઓળખોથી નથી મળતો. બાહ્ય ઓળખો તો પેલાં ખોખાં જેવી થઈ, જે બિલાડીને બહુ ગમે. તમે જોયું હશે કે બિલાડીને ખોખાં બહુ ગમે. પૂંઠાંનાં ખોખાંથી માંડીને મોટાં બૂટમાં પણ બિલાડી (કે એનાં બચ્ચાં) ઢબૂરાઈને બેસવાનું પસંદ કરે. બિલાડી શા માટે ખોખાંપ્રેમી હોય છે એ વિશેનો એક મસ્ત લેખ હાલમાં વાયર્ડ.કોમ નામની વેબસાઈટ પર વાંચ્યો (જ્ઞાાન-વિજ્ઞાાનના પ્રેમીઓને રોજ એક વાર ફ્ંફેસવી ગમે એવી આ એક ઉત્તમ સાઈટ છે). એમાં વાંચ્યું કે માણસ કરતાં બિલાડીને થોડું વધુ (વીસેક ડિગ્રી ફેરનહાઈટ ઊંચું) તાપમાન માફ્ક આવે. ખોખાંમાં હૂંફ્-ગરમી વધુ સારી રીતે જળવાતી હોય છે (ખોખાં સારાં ઇન્સ્યુલેટર હોય છે) એટલે બિલાડીને ખોખાં વધુ ગમે. આ ઉપરાંત, બિલાડીનાં ખોખાંપ્રેમનાં બીજાં પણ કેટલાંક વૈજ્ઞાાનિક કારણો શોધાયાં છે. જેમ કે, ૧) ખુલ્લી જગ્યા કરતાં બંધિયાર ખોખાંમાં બિલાડી વધુ રાજી રહે છે, સુરક્ષિતતા મહેસૂસ કરે છે. ૨) બેઝિકલી બિલાડી ગેરિલા પ્રકારનો હુમલો કરવાનું પસંદ કરતું પ્રાણી છે. ખોખાંમાં છૂપાયેલી બિલાડીને હુમલો કરીને ફ્રી ખોખાંમાં છૂપાઈ રહેવાનું સારું પડે છે. બીજી રીતે કહીએ તો, જેમ ગેરીલા હુમલાખોરો પર્વતની કોતરો કે ગાઢ જંગલનો અંધકાર પસંદ કરે છે એ રીતે બિલાડીને ખોખાં ઉપયોગી જણાય છે.

ટૂંકમાં, બિલાડીને ખોખાંમાંથી હૂંફ્ મળે છે, સુરક્ષા મળે છે અને છૂપાઈ રહેવાનું સ્થાન મળે છે.  જ્ઞાાતિ-ધરમ-દેશનું ખાતું પણ કંઈક આવું જ નથી શું? જ્ઞાાતિ હૂંફ્ આપે છે. જ્ઞાાતિ સુરક્ષા આપે છે. જ્ઞાાતિ સમુહમાં છૂપાઈ રહેવાની સગવડ પૂરી પાડે છે. ટૂંકમાં, જ્ઞાાતિ એક સાધન છે, ટૂલ છે, ધાબળો છે, ખોખું છે. ફઈન, એકલાની શક્તિ કરતાં સામુહિકતામાં વધુ શક્તિ હોવાથી માણસ જ્ઞાાતિ-ધરમ-રાજ્ય-દેશ જેવી ઓળખોમાં ઓતપ્રોત થવા પ્રેરાય એ સ્વાભાવિક છે. પણ તમે કેવા? અથવા ખાસ તો, તમે કોણ? એ સવાલના જવાબમાં લિંગ-જ્ઞાાતિ-ધરમ-રાજ્ય-દેશ ગણાવવાથી અસલી હુંનો પરિચય (બીજાંઓને તો ઠીક, આપણને ખુદને) નથી મળતો.

અસલમાં ‘હું’ એટલે શું?

આ જે એક વાત છે, એ વિશેની અનેક વાતો કહેતી આ કોલમ છે. એટલે એનું નામ છે, એક વાતની સો વાત. મુદ્દો એક જ છેઃ અસલી હું કોણ છે?

ધર્મગ્રંથોમાં આ સવાલના જવાબો સ્પષ્ટ છે. ખ્રિસ્તી ધર્મ કહે છે કે માનવી ગોડનું સંતાન છે. ઇસ્લામ કહે છે કે આદમી અલ્લાહ કા નૂર હૈ. હિન્દુ વેદોમાં અહમ્ બ્રહ્માસ્મિ અને તત્વમસિ જેવાં સૂત્રો છે. ટૂંકમાં, બેઝિકલી માનવી પરમ ચેતનાનો જ એક હિસ્સો છે.

આપણે બે ઘડી માની પણ લઈએ કે હા, હું પરમ ચેતના છું કે બ્રહ્મ છું કે ગોડનું સંતાન છું કે અલ્લાહનું નૂર છું… પણ આ તો માન્યતા થઈ, કોરી ધારણા થઈ, પોથીમાંનું રિંગણું થયું.

આવામાં, ‘હું કોણ?’ એ વિશે સામાન્ય બુદ્ધિથી જાતે વિચારીએ તો શક્ય છે કે પોતાની ઓળખ વિશે આપણે વિચારના સ્તરથી અનુભૂતિના સ્તર સુધીની યાત્રા (અંતર્યાત્રા) વધુ સારી રીતે ખેડી શકીએ અને યાત્રા દરમિયાન માથે જેટલો ઓછો ભાર હોય એટલું સારું પડે. એટલે, ઝાઝા ભાર વિના, ગ્રંથો અને શાસ્ત્રોની ઝાઝી બબાલ વિના, અહીં આપણે સીધી-સાદી રોજિંદી ભાષામાં અને સામાન્ય ઉદાહરણો દ્વારા ‘હું કોણ?’ એ સમજવાની સહયાત્રા ખેડી રહ્યા છીએ. આપણે છીંડાં (આપણી ગેરસમજો અને મર્યાદાઓ) ફ્ંફેસી રહ્યા છીએ, જેથી ક્યારેક છીંડું શોધતાં ક્યારેક આપોઆપ પોળ લાધી શકે. આમાં ક્યાંય પહોંચી જવાની કશી ઉતાવળ નથી, મોટો મીર મારવો છે એવો કોઈ ભાર નથી. અત્યંત મહત્ત્વના મુદ્દા વિશે અત્યંત સામાન્ય વાતચીત, એ છે મારી રીત.

જેમ કે, પ્રેમમાં પછડાટ. આ એક એવો વિષય છે જે જુવાનિયાઓને ખાસ્સો સ્પર્શે અને પ્રૌઢો-વૃદ્ધો પણ જૂનાં અનુભવોને આધારે આ મામલો સમજી શકે. પ્રેમમાં મળતી પછડાટ વખતે માણસમાં જે પ્રતિક્રિયાઓ જાગે છે એ એક મસ્ત છીંડું છે. એ છીંડું ફ્ંફેસવા જેવું છે. આગલા લેખમાં આપણે જોયું તેમ, કેટલાક લોકોને પ્રેમમાં સામેના પક્ષેથી ધાર્યા પ્રમાણેનો પ્રતિભાવ ન મળે ત્યારે એ છંછેડાઈ જાય, જાકારો આપનારી છોકરીને પાઠ ભણાવવાનું કે એના ચહેરા પર એસિડ ફેંકવા સુધીનું પણ તેઓ વિચારી શકે. આવો વિચાર કરનાર જે તત્ત્વ હોય છે એ નકલી હું (ઇગો, કાલ્પનિક સ્વછબિ) હોય છે, અસલી હું નહીં.

એ જ રીતે, પારો ક્યાંક બીજે પરણી જાય ત્યાર બાદ દારૂ પી પીને મોતને ભેટનારા દેવદાસના દુઃખના પાયામાં પણ નકલી હું હોઈ શકે. તમે જ કહો, દેવદાસની અસલી સમસ્યા શી હતી? શું પારો દેવદાસની મૂળ સમસ્યા હતી? ના, મને લાગે છે દેવદાસની સમસ્યા હતી આત્મદયા (સેલ્ફ્ પિટી). દેવદાસને ઘવાયેલા ઇગોના જખમોને પંપાળવામાં મજા આવતી હોઈ શકે. આ અભિગમ સ્વસ્થ નથી જ. એટલે જ તો દેવદાસ સ્વસ્થ નથી. આવી અસ્વસ્થ માનસિકતાને લીધે દેવદાસ મોતને ભેટયો હોય એવું ન બને?

આ થઈ વિચારવાની એક રીત, કે દેવદાસ માનસિક રીતે બીમાર હતો એટલે મર્યો. હવે બીજા છેડેથી વિચારીએ. ધારો કે દેવદાસ એક સ્વસ્થ, સમજુ મનુષ્ય હતો, પરંતુ પ્રેમમાં મળેલી નિષ્ફ્ળતાને લીધે એને એવું દુઃખ થયું જે માનવસહજ હતું. માનવસહજ. આ બહુ મહત્ત્વનો શબ્દ છે. જુવાનીમાં પહેલો પહેલો પ્રેમ થાય, એ પ્રેમ જુવાનિયાના હૃદયમાં ઊંડા મૂળિયાં નાખે અને પછી અચાનક પ્રેમનું એ આખેઆખું વટવૃક્ષ મૂળિયાસોતું ઊખડી જાય ત્યારે માણસ દુઃખી ન થાય તો શું રાજી થાય? પ્રણયભંગથી શું ફ્ક્ત ઇગો જ હર્ટ થાય? દિમાગ જ દુઃખી થાય? દિલ ન તૂટે? જેમ ઉપરથી પટકાયેલી રકાબી ફૂટે એમ પ્રેમિકા બીજે પરણી જાય ત્યારે પ્રેમીનું દિલ ફૂટે એ ગુરુત્વાકર્ષણના અને આઘાત-પ્રત્યાઘાતના ન્યુટન-નિયમો જેવો જ એક સ્વાભાવિક નિયમ નથી શું?

સવાલ એ છે કે પ્રેમમાં નિષ્ફ્ળતા મળે ત્યારે આપણી અંદર જે ચીજ ઘાયલ થાય છે એ ચીજ કઈ હોય છે? શું એ આપણું હૃદય, આપણું હાર્દ, આપણી મૂળભૂત-સાચી-પાયારૂપ ઓળખ હોય છે? કે પછી પ્રેમભંગથી ફ્ક્ત ઇગો-અહંકાર જ ઘાયલ થાય છે?

મને લાગે છે કે પ્રેમમાં દિલ તૂટે છે ત્યારે બન્ને ઘવાય છેઃ નકલી હું પણ અને મૂળભૂત મનુષ્ય પણ.

તમને શું લાગે છે? (ક્રમશઃ)

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો