જીવનનું અંતિમ ચરણ શી રીતે આવે? - Sandesh

જીવનનું અંતિમ ચરણ શી રીતે આવે?

 | 2:15 am IST

જિનામૃત : આર. શેખર

કેટલાક માણસોની સ્મરણશક્તિ અદ્ભુત હોય છે. નાની વયમાં પણ સો-સો અવધાન કરતા હોય છે. આપણી એવી સ્મરણશક્તિ ક્યાં છે? પણ જેની પાસે આવી શક્તિ હોય એની આપણે અનુમોદના તો કરવી જ જોઈએ.

આ અનુમોદના શબ્દનો વિષય નથી, પણ હૃદયનો વિષય છે. જો હૃદયથી આવી શક્તિ અને શક્તિશાળી વ્યક્તિની અનુમોદના કરીએ તો આપણી પાસે પણ આવી શક્તિ આવે. શા માટે ન આવે?

શક્તિને વ્યક્તિનો અનુરાગ હોતો નથી, પરંતુ એમની એવી વિશિષ્ટ શક્તિનું કારણ એટલું જ છે કે એ પોતાની આત્મ જાગૃતિને કેળવી શક્યા છે. આના માટે જૈન ધર્મના ગ્રંથોમાં એક શબ્દ છે સપોયશમ. શુભ કર્મો દ્વારા આત્મા ઉપર લાગેલાં અશુભ કર્મોનાં આવરણને હટાવી દીધાં હોય અને આવાં અશુભ કર્મોના આવરણને સર્વથા હટાવી દેવાય તો તો કેવલજ્ઞાન જ કહેવાય અને પછી બીજો જન્મ એમને લેવો જ ન પડે. આ પ્રક્રિયા અંદર છે. બહારથી આપણને ખબર પણ ન પડે અને આપણે પીછાણી પણ ન શકીએ. એને જાણવા અને સમજવા માટે વિશિષ્ટ જ્ઞાન હોવું જોઈએ, તો આપણને જાણવા મળી શકે.

વજ્ર સ્વામીજી પાસે આવી જ વિશિષ્ટ શક્તિ હતી. એ કોઈ પણ વસ્તુને ભૂલે નહીં. વળી એમને કંઈપણ યાદ કરવા માટે કોઈ જાતનો પ્રયાસ કરવાની પણ જરૂર નહીં.

ઉંમર પણ એનું કામ કરતી હોય છે. માણસ એના અમુક સમય પછી શરીરની પાસેથી ઘણી અપેક્ષા રાખી શકે નહીં. અમુક ઉંમર થાય પછી એનું શરીર ઘસાવા લાગે, આવું આપણે બોલતા હોઈએ છીએ. શરીરનું ઘસાવું એટલે શું ? આપણાં અંગોમાં શિથિલતા આવે. સૌથી વધારે કદાચ સૌપ્રથમ અસર આપણને દેખાય કોઈ પણ માણસના પગમાં, એના પછી આંખ-કાનને અસર થાય. દેખવામાં તકલીફ પડે, કાનથી સંભળાય ઓછું, ક્યારેક તો બિલકુલ સંભળાવવાનું જ બંધ થઈ જાય. બોલવાનું મન બહુ થાય પણ આપણી વાત સાંભળનાર કોઈ નહીં. ખાવાની ઇચ્છા થાય પણ ખવડાવનાર કોઈ મળે નહીં. ઈચ્છા તો ગળ્યું જ ખાવાની થાય ને શીરો જલદી ગળા નીચે ઊતરી જાય, પણ બનાવી કોણ આપે ? શરીર રોગોનું ઘર બની ગયું હોય, ઘડપણનાં દુઃખો કંઈ ઓછાં નથી.

મુનિ વજ્રની પણ હવે ઉંમર થઈ છે. લગભગ ૮૭/૮૮ વર્ષની ઉંમર થાય ત્યારે માણસની પરિસ્થિતિ કેવી હોય ?

મુનિ વજ્રની કાયા વૃદ્ધ થઈ છે, પરંતુ એમનું શરીર સશક્ત છે. વાંચના-પ્રવચન વગેરેમાં એમના જ્ઞાનનો લાભ તે સમયના સંઘજનો ઘણા આનંદ અને ઉલ્લાસ સાથે લઈ રહ્યા હતા. એમની સ્મરણશક્તિ સતેજ હતી. આવી સ્મરણશક્તિ અને આ ઉંમર બેયનો મેળ આવી શકે નહીં.

એકવાર એમને શરીરમાં સામાન્ય શરદી-કફ વગેરેની અસર થઈ. ઋતુની અસર આપણા શરીર ઉપર ક્યારેક અસર કરતી હોય છે. ઘણાને ઋતુ બદલાય એટલે શરદી થાય. નવા વાતાવરણ સાથેનો મેળ કરવા શરદીની અસર થાય. પહેલાંના સમયમાં આવા નાના રોગો માટે વૈદ્ય પાસે જવાનું મનાતું નહીં. ડોશીમાના વૈદ્યના ઉપચાર કરીને લગભગ આવા રોગો દૂર કરાતા.

વજ્ર સ્વામીજીને પણ જ્યારે શરીરની અસર દેખાવા લાગી એટલે હળદર અને સૂંઠનો ઉપચાર ચાલુ કરી દીધો. આવું થાય ત્યારે હળદરનો ટુકડો કરીને રાત્રે મુખમાં રાખીને ચૂસવાથી ઘણો ફરક પડતો હોય છે.

જનરલી જૈન ધર્મમાં રાતે ખાવા-પીવાનો નિષેધ હોય છે. ત્યાં સુધી કેટલાક ચુસ્ત જૈન શ્રાવકો એમના ઘરે કોઈ પણ મહેમાન આવ્યા હોય તો એમને જો દિવસનો સમય હોય તો તો સારામાં સારી વાનગીઓ ભક્તિપૂર્વક ખવડાવે, પણ જો તમે રાતના સમયે એમને મળવા માટે જાવ તો પાણી પણ આપે નહીં. જો શ્રાવકનો આવો નિયમ હોય તો સાધુ મહાત્મા અને એમાં પણ આ તો આચાર્ય ભગવંત એ રાતના ખાય જ નહીં. પણ અમુક ષધને અણાહારી કહેવાય છે. ક્યારેક એવી જરૂર પડે તો એ ષધનો ઉપયોગ અપવાદ રૂપે કરી શકાય પણ એના ઉપર પાણી કે એવી બીજી કોઈ વસ્તુનો ઉપયોગ કરી શકાય નહીં.

આવો ઉપયોગ કરવા માટે વજ્ર સ્વામીજીએ સૂંઠનો એક કટકો પોતાના કાન ઉપર રાખેલો હતો. એમને એ યાદ રહ્યું નહીં. રાતના પ્રતિક્રમણની વિધિ કરવાના સમયે અમુક ક્રિયા કરતાં કાનનો સ્પર્શ કરવાનો હોય છે એ સમયે કાન ઉપરથી સૂંઠનો કટકો નીચે પડયો.

વજ્ર સ્વામીજીએ આ નાની ઘટનાનો અર્થ મોટો વિચાર્યો. ‘આજે આવું કેમ થયું?’ અત્યાર સુધીમાં મને મારી યાદશક્તિએ ક્યારેય દગો કર્યો નથી તો આજે કેમ દગો કર્યો? મતલબ કે આજે મારી યાદશક્તિ કુંઠિત થઈ છે તો એનું કોઈ અસાધારણ કારણ હોવું જોઈએ. શું હોઈ શકે?

જનરલી એવું માનવામાં આવે છે કે માણસનું મૃત્યુ નજીક  આવે ત્યારે એની યાદશક્તિ નબળી પડતી હોય છે. શું મારા માટે  પણ આ ઘટના ચેતવણી સ્વરૂપે ન હોઈ શકે..? અને જો આવી જ વાત  હોય તો હવે મારે મારા આવતા ભવ માટેની તૈયારી આજથી જ કરી  લેવી જોઈએ. હવે મારે અન્ય પ્રવૃત્તિઓનો ત્યાગ કરીને માત્ર  આધ્યાત્મિક પ્રવૃત્તિ જ કરવી જોઈએ. આવો એમણે વિચાર કરી લીધો  અને આત્મધ્યાનમાં તલ્લીન બની ગયા.

એમના શિષ્યો લગભગ પાંચસોથી વધારે હતા. પણ  એમાં આર્ય વજ્રસેન સૌથી વડીલ હતા. ધીર, વીર અને ગંભીર પણ  હતા. એમણે એમને પોતાની પાસે બોલાવીને કેટલીક વાતો  કરી, કેટલીક શિખામણો પણ આપી.

એક વાત મહત્ત્વની કરી. ભવિષ્ય માટેની આગાહી કરી.  ભવિષ્યમાં કેવો સમય આવવાનો છે..? આમાં આગાહી કરવાનો  ભાવ નથી પણ થોડી ઘણી ચેતવણીનો ભાવ છે.

વજ્ર સ્વામીજીએ પોતાના પટ્ટશિષ્યને કહ્યું. ભવિષ્યમાં  કાળ કપરો આવવાનો છે. ભયંકર દુષ્કાળ આવશે. કોઈ કોઈની સંભાળ  રાખશે નહીં. લોકોને પીવા માટે પાણીના પ્રશ્નો ઊભા થશે. અરે એ સમયે માણસોને ભોજન માટે અનાજ મળશે નહીં. અનાજની  કિંમત હદ બહારની વધશે. કોઈ કલ્પના પણ કરી શકે નહીં એવી  અનાજની કિંમત વધશે. ઓછા નહીં લાખ રૂપિયાનો ખર્ચ એક  પરિવારના ભોજનમાં થશે. આટલો ખર્ચો કરવાની કંઈ બધાની  ક્ષમતા તો કેવી રીતે હોય..? અને હોય તો પણ કેટલા દિવસ  ચાલે..?

ખાસ વાત તો એ છે કે આવી પરિસ્થિતિમાં માણસને  જીવવાનું અશક્ય જ લાગે અને એના કારણે કોઈને આપઘાત કરવાનું  મન થવાનું. પણ ધ્યાન રાખશો કે આવી પરિસ્થિતિ જ્યારે  આવશે ત્યારે એ ટકશે નહીં. ટોપ ઉપર પહોંચ્યા પછી હંમેશા હીંચકો  નીચે જ આવે. ઉપરની ક્ષણ લાંબી ના હોય. એ જ રીતે આવી કષ્ટની  ક્ષણ પણ લાંબી ચાલશે નહીં. જે દિવસે લાખ રૂપિયે ભોજન તૈયાર થશે એના બીજા જ દિવસે પરિસ્થિતિમાં પલટો આવવાનો  છે. આ વાતનું તમે બરાબર ધ્યાન રાખશે. કપરો કાળ આવે છે તો કંટાળો ના આવવો જોઈએ.

આ વાત થયા પછી વજ્રસ્વામીજીએ અણશણ સ્વીકારી લીધું.  આ એ રીતની પ્રક્રિયા હોય છે કે તેમાં અન્ન-જળ તો લેવાના જ  નથી હોતા પણ શરીરનું હલન-ચલન પણ કરવાનું હોતું નથી.

(ક્રમશઃ )

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન