નવેમ્બર'18સુધીમાં અનામતની કાયદેસર પ્રક્રિયા પૂરી થશે: મહારાષ્ટ્ર CM - Sandesh
  • Home
  • Mumbai
  • નવેમ્બર’18સુધીમાં અનામતની કાયદેસર પ્રક્રિયા પૂરી થશે: મહારાષ્ટ્ર CM

નવેમ્બર’18સુધીમાં અનામતની કાયદેસર પ્રક્રિયા પૂરી થશે: મહારાષ્ટ્ર CM

 | 8:19 am IST

રાજ્યભરમાં મરાઠા અનામતનો મુદ્દે આંદોલનો હવે જ્યારે હિંસક બની રહ્યા છે ત્યારે આ બાબતે સરકારનું વલણ સ્પષ્ટ કરવા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે જાહેર જનતાને સંબોધીને આ બાબતે ખુલાસો કર્યો હતો. એ સાથે જ તેમણે એવી પણ ખાતરી આપી હતી કે રાજ્યમાં જે મેગાભરતી નીકળવાની હતી એને હાલ સ્થગિત કરી દેવાઈ છે. મરાઠા યુવાનોને અન્યાય ન થાય એ બાબતનું ખાસ ધ્યાન રખાશે. કેટલાક મુઠ્ઠીભર લોકો હિંસક વલણ અપનાવી આંદોલનને બદનામ કરી રહ્યા છે.

સરકાર આ બાબતે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાનું પણ વિચારી રહી છે. અમે ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મરાઠા યુવાનો સાથ સહકાર આપે પણ આત્મહત્યા ના કરે. આત્મહત્યા એ તેનો ઉકેલ નથી.   તેમણે પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે અનામતના મુદ્દે રાજ્ય સરકાર ગંભીર છે, નવેમ્બર ૨૦૧૮ સુધીમાં આ અંગેની કાયદેસર પ્રક્રિયા પૂરી કરવામાં આવશે.  અમારી સરકાર આવ્યા બાદ અમે મરાઠા અનામત સંદર્ભે કાયદો બનાવ્યો હતો, પણ હાઇકોર્ટે તેના પર સ્ટે મૂક્યો અમે એ સામે સર્વોચ્ચ ન્યાયાલયમાં ધા નાખી. સર્વોચ્ચ ન્યાયાલયે આ બાબતે નિર્ણય આપવાનો ઇન્કાર કરતાં ફરી હાઇકોર્ટમાં રજૂઆત કરી.

એ સાથે જ દેશના અને રાજ્યના કાયદા તજ્ઞાોની સાથે બેસી કાયમી અનામત કઇ રીતે આપી શકાય એ બાબતે પણ ચર્ચા કરાઈ. જેમાં એક બાબત એ સામે આવી કે સર્વોચ્ચ અદાલતે અનામત સંદર્ભે પછાતપણા બાબતે જે શરતો મૂકી છે એ શરતો પૂરી કરતો અહેવાલ જ્યાં સુધી રજૂ ન થાય ત્યાં સુધી અનામતની માગ રોકી નહી શકે. એથી રાજ્ય પછાત આયોગની રચના કરાઈ છે અને તેમને આ બાબતે ઝીણવટભરી તપાસ કરી અહેવાલ આપવા જણાવાયું છે, વળી આ આયોગ સ્વાયત્ત છે તેના પર રાજ્ય સરકારનું કોઇ આધિપત્ય નથી.   આ આયોગે ક્વોનિટીફાયબેલ ડેટા કરવાનો હતો દરેક ડિપાર્ટમેન્ટમાંથી એ વિશે માહિતી ભેગી કરવાની હતી. ૧૮૬૦૦૦ પુરાવા અને નિવેદનોને ધ્યાનમાં લઇ તેના પર કાર્યવાહી કરી અહેવાલ તૈયાર કરવાનું જટીલ કામ તેમણે કરવાનું હતું. અમે વહેલી તકે આયોગને તેનો અહેવાલ આપવા જણાવ્યું છે. ૭ ઓગસ્ટે આયોગ આ બાબતે તે કઇ રીતે તેનો અહેવાલ આપવાની છે તેનો ક્રમબધ્ધ રજૂઆત કોર્ટમાં કરવાનું છે.