માલદીવમાં ભારતની દખલ રોકવા પગલાં લેવાશે : ચીનની ધમકી - Sandesh
  • Home
  • Ahmedabad
  • માલદીવમાં ભારતની દખલ રોકવા પગલાં લેવાશે : ચીનની ધમકી

માલદીવમાં ભારતની દખલ રોકવા પગલાં લેવાશે : ચીનની ધમકી

 | 5:01 am IST

નવી દિલ્હી :

ડોકા લા વિવાદમાં ભારતના આક્રમક વલણથી ફફડી ગયેલું ચીન માલદીવમાં સર્જાયેલી આંતરિક કટોકટીના મામલે ઉછળકૂદ કરી રહ્યું છે. ચીનનાં સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે તેના તંત્રીલેખમાં લખ્યું છે કે માલદીવમાં જો ભારત લશ્કરી દરમિયાનગીરી કરશે તો તેને રોકવા યોગ્ય પગલાં લેવાશે. આમ ચીને ભારતને પોકળ ધમકી આપીને માલદીવ મામલે સંયમ જાળવવા વણમાગી સલાહ આપી છે. ચીને કહ્યું છે કે ચીન આંતરિક અરાજકતામાં અટવાયેલો છે ત્યારે ભારત જો તેમાં લશ્કરી દખલગીરી કરશે તો ચીન ભારતને રોકવા યોગ્ય પગલાં લેશે. ચીનના અખબારે લખ્યું છે કે માલદીવ અરાજકતામાં અટવાયું છે તે તેની આંતરિક સમસ્યા છે જેમાં બાહ્ય દખલગીરીનો ચીન મક્કમતાપૂર્વક વિરોધ કરે છે.

ભારતની હિલચાલ આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ નથી

માલદીવની રાજધાની માલેમાં દખલ કરવા ભારત દ્વારા જાહેરમાં અને અયોગ્ય રીતે ચર્ચા કરવામાં આવે છે તેવા આક્ષેપ ચીને કર્યા છે. માલેમાં તંગદિલી એ તેનો આંતરિક મામલો છે જેમાં ભારતને એકપક્ષીય લશ્કરી દખલ નહીં કરવા ચીમકી અપાઈ છે. આ ક્ષેત્રમાં ભારત દ્વારા પ્રભાવ જમાવવાનાં પ્રયાસો સામે ચીન લડતું નથી આમ છતાં કેટલાક ભારતીયો માલદીવમાં લશ્કરી દખલ કરવા ભારત સરકારને સલાહ આપી રહ્યા છે. ભારતની આવી હિલચાલ અન્ય દેશની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વનું જતન કરતા આંતરરાષ્ટ્રીય સંબંધો જાળવવાનાં ધોરણોને અનુરૂપ નથી. જો માલદીવમાં સ્થિતિ વણસે તો આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ તેનો ઉકેલ લાવવો જોઈએ. એકપક્ષીય લશ્કરી દખલ હાલની વૈશ્વિક સ્થિતિને જોખમાવશે.

૨૦૧૨થી રાજકીય અસ્થિરતા

નવેમ્બર ૧૯૮૮માં જ્યારે માલદીવના માલેમાં લશ્કરી બળવો થયો હતો ત્યારે માલદીવનાં તત્કાલીન પ્રમુખ અબ્દુલ કયૂમે ભારતને ત્યાં દખલ કરવા લશ્કરી સહાય માગી હતી અને ભારતે તેનું સૈન્ય મોકલ્યું હતું. ત્યારથી માલદીવ તેની સુરક્ષા માટે ભારત પર આધાર રાખતું આવ્યું છે જેને કારણે માલદીવમાં ભારતનો પ્રભાવ વધ્યો છે. ભારતની રાજકીય દખલથી માલદીવ હવે કંટાળ્યું છે તેવો આક્ષેપ ભારત પર કરાયો છે. ૨૦૧૨માં લોકશાહી રીતે ચૂંટાયેલા પ્રમુખ મોહમ્મદ નાશીદને પદભ્રષ્ટ કરવામાં આવ્યા ત્યારથી ત્યાં રાજકીય અસ્થિરતા સર્જાઈ છે. તાજેતરમાં ત્યાંની સુપ્રીમ કોર્ટે ૯ વિપક્ષી રાજકારણીઓને છોડી મૂક્યા તે પછી ત્યાં ફરી અરાજકતા સર્જાઈ છે.

;