જે મનથી દુરસ્ત તે તનથી પણ દુરસ્ત - Sandesh
NIFTY 11,429.50 -41.20  |  SENSEX 37,869.23 +-155.14  |  USD 68.8250 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • જે મનથી દુરસ્ત તે તનથી પણ દુરસ્ત

જે મનથી દુરસ્ત તે તનથી પણ દુરસ્ત

 | 3:30 am IST

તડકભડકઃ સૌરભ શાહ

સામાન્ય રીતે આરોગ્ય અથવા સ્વાસ્થ્યની વાત થતી હોય ત્યારે તીખુંતળેલું ન હોય એવું પૌષ્ટિક ખાવાનું, હળવી કસરતો, દારૂસિગારેટનો નિષેધ વગેરેનો અમલ થતો હોય એવા જીવનનું ચિત્ર આંખ સામે ખડું થાય. સ્વાસ્થ્ય માટે આ બધું કરવું અનિવાર્ય છે જ પણ આટલું પૂરતું નથી. માત્ર શારીરિક કાળજી લઈ લેવાથી માણસનું સ્વાસ્થ્ય સુધરી જતું નથી. લાગણીઓની બાબતમાં માણસ બેદરકાર હોય તો ગમે એટલો પૌષ્ટિક ખોરાક, નિયમિત કસરતો તેમ જ દારૂ સિગારેટનો નિષેધ જેવા નિયમો પાળવા છતાં એ બીમારીઓ નોતરતો રહે છે. જેમને હંમેશાં એક યા બીજા પ્રકારની નાની-મોટી માંદગી આવતી રહે છે એમણે આ બીમારીઓનો શારીરિક ઈલાજ કરીને અટકી જવું જોઈએ નહીં એવું પશ્ચિમી નિષ્ણાતો માનતા થયા છે. આપણા શાસ્ત્રોએ હજારો વર્ષ અગાઉ આ વાત સ્વીકારી છે.

ચરક સંહિતાની રચના આજથી લગભગ સવા બે હજાર વર્ષ અગાઉ, ઈ.સ.પૂ.૩૦૦માં થઈ. એમાં જે જ્ઞાાન સંચિત થયું છે તે એની રચનાના હજારો વર્ષ પહેલાં ટ્રાયલ એન્ડ એરર પદ્ધતિએ સિદ્ધ થઈ ગયું હતું. હજારો વર્ષ પહેલાં એમાં સાયકો-સોમેટિક રોગોનો ઉલ્લેખ છે. પશ્ચિમી વિજ્ઞાાન માટે સાયકો સોમેટિક રોગો હજુ ગઈકાલની જ વાત છે.

‘ચરક સંહિતા’ના બે શ્લોકના ગુજરાતી અનુવાદ જોઈને વાત આગળ વધારીએ.

‘જે માણસનો આહાર તેમ જ વિહાર હિત છે, જોઈ વિચારીને જે કામ કરનાર છે, વિષયોમાં જેને આસક્તિ નથી. જે દાતા છે, જિતેન્દ્રિય છે, સત્ય બોલનાર છે, ક્ષમાવાન છે, આપ્તોની સેવા કરનાર છે- એવા માણસને રોગો થતા નથી.’

‘જેનાં મતિ, વચન અને કર્મ સુખાનુબંધી છે, જેનું મન પોતાના કહ્યામાં છે અથવા વશમાં છે, જેની બુદ્ધિ વિશદ છે. (અર્થાત્ સરળ છે, આંટીઘૂંટી કે કાવાદાવા વગરની છે), જે જ્ઞાાનયુક્ત છે, તપસ્વી છે અને યોગમાં જેની તત્પરતા છે એવા માણસને રોગો થતા નથી.’

(ચરક સંહિતાઃ શા.સ્થા.અ.ર, શ્લો.૪૫-૪૬)

હવે વિખ્યાત અમેરિકન ન્યુરોસાયન્ટિસ્ટ કેન્ડિસ પર્ટ તરફ વળીએ. ૨૦૧૩માં ૬૭ વર્ષનું આયુ ભોગવીને સ્વર્ગવાસી થયેલાં આ ન્યુરોસાયન્ટિસ્ટ અને ફાર્માકોલોજિસ્ટે લાગણીઓનું ઉદ્ગમસ્થાન સમજવાની કોશિશ કરવામાં આખી જિંદગી વીતાવી. એમણે તારવેલાં દસ તારણોની વાત કરતાં પહેલાં થોડુંક બેકગ્રાઉન્ડ બાંધી લઈએ.

લાગણીતંત્ર ખોરવાયેલું હોય ત્યારે શરીરતંત્ર પણ ખોરવાઈ જવાનું. મનદુરસ્તી જાળવવા સૌપ્રથમ તો મનમાં ઊઠતી લાગણીઓને ઓળખવી જોઈએ અને એ સર્જાઈ છે એવો સ્વીકાર (ભલે મનોમન) કરવો જોઈએ. અત્યારે તમને કશુંક ખટકતું હોય તો શું ખટકે છે, કઈ કઈ બાબતો ચિંતા કરાવે છે, શું કોઈકની ઈર્ષ્યા આવે છે, કોઈક બાબતે અસલામતી લાગે છે, કોઈક બાબતની ગિલ્ટફીલ મનમાં ઘર કરી ગઈ છે, કોઈકનું બગાડીને પોતાનો સ્વાર્થ સિદ્ધ કર્યા હોવાની ગુનાહિત લાગણી સતાવે છે, તમે પોતે સ્વીકારી લીધેલી તમારી ફરજ ન બજાવ્યાની લાગણી સતાવે છે, બીજાની સિદ્ધિ જોઈને પોતે પાછળ રહી ગયાની લાગણી થાય છે, કોઈકે તમને તરછોડી દીધા હોવાથી આત્મસન્માનની લાગણી સર્જાઈ છે, ધાર્યું કામ ન થઈ શકવાથી દુઃખ લાગે છે, કોઈકના હાથે અપમાનિત થયાની લાગણી ખૂંચ્યા કરે છે. આવી અનેક લાગણીઓ મનમાં તર્યા કરતી હોઈ શકે. જાત સાથે કબૂલવું જોઈએ કે કઈ લાગણીઓ સર્જાઈ છે.

મનમાં ઉમટતી આ કે આવી લાગણીઓને પોતાની જાત આગળ વ્યક્ત થઈ જવા દેવી. આવું કરવાથી અંતે મુક્તિનો અહેસાસ થતો હોય છે, આ લાગણીઓમાંથી છુટકારો મેળવ્યો હોવાની રાહત અનુભવાની હોય છે. આજના જમાનાના સંદર્ભમાં આ રીતે મળતી મુક્તિ જ મોક્ષ છે. આવી, પોતાને કોરી ખાતી લાગણીઓમાંથી મળતા છુટકારાને લીધે અનુભવાતી શાંતિને લીધે આ પ્રકારની જ મુક્તિ અનુભવાતી હોય છે. ગાંધીજીએ ‘અનાસક્તિયોગ’માં ગીતામાંનો મોક્ષ એટલે પરમ શાંતિ, (ચિંતામાંથી મુક્તિ મળ્યા બાદ પ્રાપ્ત થતી પરમ શાંતિ એવું કહ્યું છે.)

રોજિંદા જીવનમાં ઉપયોગી બનતા આ મુદઓ વિશે દરેક વ્યક્તિએ પોતપોતાની સ્વતંત્ર બુદ્ધિથી વિચાર કરીને પોતાની અનુકૂળતા મુજબ એનો અમલ કરવો જોઈએ અને હવે પેલી દસ વાતમાંની સૌથી પહેલી વાત જે જરા લાંબી છે. બાકીની ૯ વાતો એટલી લાંબી નહીં હોય.

સૌથી પહેલીવાત. જિંદગીમાં મોટેભાગે આપણને અમુક કરવું અને અમુક ન કરવું એવા વિકલ્પો આપવામાં આવે છે. અંગ્રેજીમાં સમજીએ તો વોટ ટુ ડુ અને વોટ નોટ ટુ ડુના વિકલ્પો મળે છે – સમાજ તરફથી, પરંપરા અને રૂઢિગત નિયમો તરફથી, કાયદા તરફથી તેમ જ આપણી પોતાની વિચારસરણી તરફથી. જિંદગીમાં ડુઈંગનું જ મહત્ત્વ છે એવું આપણા મનમાં જડબેસલાક રીતે બેસાડી દેવામાં આવ્યું છે. મોટી ભૂલ અહીં થઈ છે. આપણે હ્યુમન બીઈંગ કહેવાઈએ છીએ, હ્યુમન ડુઈંગ નહીં. જીવનમાં મોટું મહત્ત્વ હોય તો તે ડુઈંગનું નથી બીઈંગનું છે. બીઈંગ એટલે શું? બીઈંગનો સારો અર્થ થાય હોવું. આપણે છીએ કંઈક અને કરીએ છીએ કંઈક. આપણું બીઈંગ કંઈક છે અને ડુઈંગ કંઈક જુદું જ છે. આપણે કદાચ એક ઉત્તમ બાગબાન બની શકીએ એમ હતા, માળી તરીકે એક સુંદર વાડી સર્જીને એનાં ફૂલઝાડ ફળમાંથી કમાણી કરી શકીએ એમ હતા પણ અત્યારે એવા કોઈ નાનકડા ફાર્મહાઉસમાં રહેવાને બદલે શહેરમાં લોકોના જી.એસ.ટી.ના પ્રોબ્લેમ સોલ્વ કરવાની કન્સલ્ટન્સી ર્સિવસમાંથી કમાણી કરીએ છીએ. આપણે એક સરસ અદાકાર બની શકીએ એમ હતા પણ આજે રંગભૂમિ ગજવવાને બદલે ડોકટરોને ઓપરેશનનાં સાધનો વેચી રહ્યા છીએ. આપણે એક અચ્છા રસોઈયા બની શકીએ એમ હતા પણ કેટરિંગ કોલેજમાં જોડાઈને મોટી હોટેલમાં શેફ બનવાને બદલે આજે કોઈ મોલમાં મેનેજરની નોકરી કરી રહ્યા છીએ. માળી, અદાકાર, રસોઈયા બનવાની વૃત્તિ આપણું બીઈંગ છે. અહીં માત્ર કારકિર્દીની જ વાત નથી. જીવનમાં જે કંઈ કરવાની ઈચ્છા થઈ હોય તે માણસના બીઈંગનો એક હિસ્સો છે અને આ ઈચ્છાઓ અધૂરી રહી જવાનાં કારણો ડુઈંગનો હિસ્સો છે. આપણું બીઈંગ શું છે, કેવું છે એ જાણવાનો પ્રયાસ કરવો એટલે પ્રથમ પગથિયાં પર પગ મૂકવો. બીઈંગ પ્રત્યે સભાન થઈ ગયા પછી ઘણી બધી ગૂંચો આપમેળે ઉકેલાઈ જવાની. જિંદગીમાં કઈ કઈ બાબતોમાં સમાધાન કરી રહ્યા છીએ એ બાબતની સભાનતા આવી હોય તો જ નક્કી કરી શકીએ કે આ ખોટને ભરપાઈ કરવા શું શું કરવું છે. આવી સભાનતા પ્રાપ્ત કરવાની પ્રક્રિયા એટલે આપણા બીઈંગને ઓળખવાની પ્રક્રિયા. આ ઓળખાણ થઈ ગયા પછી બાકીનાં નવ પગથિયાં પર ચડવું ઘણું સહેલું છે. આવતા અઠવાડિયાથી આ નવ પગથિયાંનું સડસડાટ આરોહણ.

– પાન બનાર્સવાલા

– જીવનમાં વિઘ્નોની ગેરહાજરીથી નહીં પણ વિઘ્નોને પાર પાડવાથી સફળતા મળે.

– બેન કાર્સન (અમેરિકન ન્યુરોસર્જન)

– www.facebook.com/Saurabh.a.shah