સુરત: ફિલ્મમાં શોષણનું દ્રશ્ય જોઇ માસૂમ બાળકીએ માતાને કહ્યું, અંકલ પણ મારી સાથે... - Sandesh
  • Home
  • Gujarat
  • સુરત: ફિલ્મમાં શોષણનું દ્રશ્ય જોઇ માસૂમ બાળકીએ માતાને કહ્યું, અંકલ પણ મારી સાથે…

સુરત: ફિલ્મમાં શોષણનું દ્રશ્ય જોઇ માસૂમ બાળકીએ માતાને કહ્યું, અંકલ પણ મારી સાથે…

 | 8:39 pm IST

રાંદેર રોડ ઉપર પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતો પરિવાર ઘરમાં ફિલ્મ જોતો હતો. વિલન દ્વારા હીરોઇનને ઘરમાં ગોંધી શોષણનું દ્રશ્ય આવ્યું એટલે પરિવારની બાળકીએ ભોળપણમાં કહ્યું મમ્મુ બાજુમાં રહે છે એ અંકલ મારી સાથે પણ આવું કરે છે. બાળકીના મોંઢે વાત સાંભળી ચોંકી ઊઠેલા દંપતીએ તેણીને વિશ્વાસમાં લઇ કરેલી પૂછપરછમાં પડોશમાં રહેતાં આધેડની વિકૃત કરતૂતોનો પર્દાફાશ થયો હતો. બાળકીને ચોકલેટ આપવાના બહાને ઘરે લઇ જઇ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર આ આધેડની સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતો વિનોદ રણછોડલાલ ઉપાધ્યાય કમ્પ્યૂટર ઓપરેટર તરીકે નોકરી કરે છે. પુત્રી તથા પત્ની સાથે રહેતા આ વિનોદ સામે પડોશી પરિવારે ફરિયાદ નોંધાવી છે. બપોરના સમયે પુત્રી નોકરીએ અને પત્ની કામ અર્થે બહાર જાય ત્યારે વિનોદ ઉપાધ્યાય સોસાયટીમાં રમતી છોકરીઓને ચોકલેટ આપવાના બહાને ઘરે બોલાવી અડપલાં કરતો આવ્યો છે. પડોશીની દીકરી સાથે તેણે નીચ કૃત્ય કર્યું હતું.

પરિવારે પોલીસને વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે તેઓ ઘરમાં બાગી-૨ ફિલ્મ જોઇ રહ્યા હતાં. આ ફિલ્મમાં હીરોઇનને એક રૃમમાં પૂરી દેવાય છે, ત્યારબાદ વિલન તેણી સાથે જાતીય દુર્વ્યવહાર કરે છે. આ દ્રશ્ય જોઇ માસૂમ બાળકી એવું બોલી કે મમ્મી પડોશમાં રહેતાં અંકલ પણ મારી સાથે આવું કરે છે. આઠ વર્ષની બાળકીના મોંઢે આ વાત સાંભળી માતા ચોંકી ઊઠી હતી. તેણીએ બાળાને વિશ્વાસમાં લીધી અને અંકલ શું કરે છે એવું પૂછયું હતું. ત્યારબાદ બાળકીએ જે વાતો કરી એ સાંભળી જાણે માતાનું હૈયું બેસી ગયું હતું.

વિનોદ ઉપાધ્યાય બાળકીને ચોકલેટ અપાવવાના બહાને ઘરે લઇ જતો હતો. તેણીની શારીરિક છેડછાડ કરનાર આ વિકૃતે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું હતું. મામલો ગંભીર બનતાં પરિણીતાએ પતિને સઘળી હકીકત જણાવી હતી. ત્યારબાદ તેઓએ પહેલા ચાઇલ્ડ હેલ્પલાઇનની મદદ લીધી હતી. પાછળથી આખો મામલો રાંદેર પોલીસ મથક પહોંચ્યો હતો. અહીં બાળકીએ આધેડની કરતૂતો અંગે જે વાત કરી એ સાંભળી અધિકારીઓ પણ લાલઘૂમ થઇ ગયા હતાં. બાળકની જાતીય શોષણ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા અંગે ગુનો નોંધવા સાથે પોલીસે ૫૩ વર્ષીય વિનોદ ઉપાધ્યાયની ધરપકડ કરી હતી.