The more you use internet, greater risk of cyber bullying
  • Home
  • Technology
  • ઇન્ટરનેટનો જેટલો વધુ ઉપયોગ એટલું સાઇબર બુલિંગનું જોખમ વધુ

ઇન્ટરનેટનો જેટલો વધુ ઉપયોગ એટલું સાઇબર બુલિંગનું જોખમ વધુ

 | 8:50 am IST

સામાન્ય જીવનમાં બાળકોને સાવચેત રહેવા માટે ઘણી બાબતો શીખવાડાય છે. તેમને અજાણ્યા લોકો સાથે વાત નહીં કરવા કહેવાય છે કે કોઈની વાતમાં ભોળવાઈ ન જવું એવું સમજાવાય છે. પરંતુ ફેસબુક એકાઉન્ટ ખોલતાં પહેલાં કે ઓનલાઇન ગેમ રમતા શીખવાડતી વખતે બાળકોને એવું શીખવાડાતું નથી કે ઇન્ટરનેટ પર શું કરવું જોઈએ અને શું નહીં. લોકડાઉને તમામ બાળકોને ઇન્ટરનેટનો ઉપયોગ કરવા મજબૂર કરી દીધા છે. એ સાથે જ તેમને અજાણ્યા જોખમોને સામે ચાલીને વહોરી લીધા છે. જાપાનમાં થોડા સમય પહેલાં સાઇબર બુલિંગને કારણે હન્ના કિમુરાની આત્મહત્યા ચર્ચામાં રહી છે. પરંતુ સરકારો હજુ પણ તેને સંપૂર્ણ રોકવામાં નિષ્ફળ રહી છે.

૧૦ ટકા બાળકો સાઇબર બુલિંગના શિકાર  

હાલમાં જ બાળ સહાયતા સંગઠન ચાઇલ્ડ રાઇટ્સ એન્ડ યુએ દિલ્હીમાં કરેલા સર્વેમાં જણાયું હતું કે, ૬૩૦ બાળકોમાંથી ૯.૨ ટકાએ પોતાના જીવનમાં ક્યારેકને ક્યારેક સાઇબર બુલિંગનો અનુભવ કર્યો છે. પરંતુ તેમાંથી અડધા બાળકોએ ક્યારેય એ અંગે માતા-પિતાને જણાવ્યું ન હતું. આ સર્વેમાં એ પણ જણાયું કે બાળકો જેટલો સમય ઓનલાઇન વિતાવે છે, તેટલો જ તેના પર સાઇબર બુલિંગનું જોખમ હોય છે.

ઇન્ટરનેટનો જેટલો વધુ ઉપયોગ એટલું બુલિંગનું જોખમ વધુ

સર્વેમાં જણાયું કે, ૧૩થી ૧૮ વર્ષની વયના જે બાળકો દિવસમાં ત્રણ કલાકથી વધુ સમય ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હતા, તેમનામાંથી બુલિંગ જેવી ઘટનાના સામનો કરનારાઓની સંખ્યા ૨૨ ટકા હતી. જ્યારે ચાર કલાક ઇન્ટરનેટનો ઉપયોગ કરનારાઓમાં આ સંખ્યા ૬ ટકા વધીને ૨૮ ટકા થઈ ગઈ હતી. આ અભ્યાસમાં વધુ એક ગભરાવી દે એવો આંકડો જણાયો છે કે, સર્વેમાં સામેલ ૧૦ બાળકમાંથી ૪ છોકરાઓએ પોતાની મોર્ફ્ડ્ એટલે કે બદલેલી તસવીર કે વીડિયો જોઈ હતી. તેમાંથી અડધા બાળકોએ ક્યારેય પોલીસમાં આ અંગે ફરિયાદ કરી જ નહીં.

સાઇબર બુલિંગ શું છે ?

સરળ ભાષામાં સમજાવીએ તો સાઇબર બુલિંગ એટલે અભદ્ર-અશ્લીલ ભાષા, ચિત્રો અને ધમકીઓ આપીને ઇન્ટરનેટ પર કોઈને પરેશાન કરવું. આ રીતે પરેશાન કરવાની કેટલીય રીત હોય છે. કોઈને ટ્રોલ કરવા, કોઈનો અંગત ફોટો કે ખાનગી વાતને જાહેર કરી દેવી કે અશ્લીલ ફોટો કે વીડિયો મોકલવો, એ સાઇબર બુલિંગની રીતો છે. મતલબ કે કોઈને ઓનલાઇન પરેશાન કરવા તેને સાઇબર બુલિંગ કહે છે.

મા-બાપ માટે આ તદ્દન નવો માહોલ  

બાળકોની સાઇબર બુલિંગ જેવા કિસ્સા પર કામ કરતી મનોવૈજ્ઞા।નિક પલક ઉપ્પલનું કહેવું છે કે, આજે બાળકો જે રીતે ટેક્નોલોજીના યુગમાં મોટા થઈ રહ્યા છે, એવો માહોલ તેમના માતા-પિતાએ પોતાના બાળપણમાં જોયો ન હતો, તેથી ઓનલાઇન યોગ્ય આદતો શું છે અને શું શેર કરવું જોઈએ અને શું નહીં, કઈ વેબસાઇટ પર જવું જોઈએ, જેવા કેટલાય વિષય પર માતા-પિતાની સંતાન સાથે વાત થતી નથી.

સામાન્ય જિંદગીના નિયમો જ બાળકોને જવાબદાર ઇન્ટરનેટ યૂઝર બનાવે  

મનોવૈજ્ઞા।નિકોનું માનવું છે કે પોતાનું સંતાન બુલી થઈ રહ્યું છે કે તે કોઈને બુલી કરી રહ્યું છે, તે જાણવા માટે માતા-પિતાએ તેના વ્યવહારમાં આવેલા ફેરફારના લક્ષણ ઓળખવા પડશે. ઇન્ટરનેટની દુનિયા ભલે વર્ચ્યુઅલ દુનિયા હોય, પરંતુ નિયમ એ જ હોય છે, જે સામાન્ય જિંદગીના છે. જરૂરી છે કે બાળકોને શરૂઆતથી જ યોગ્ય રીતભાત શીખવો, સારા-નરસાની માહિતી આપો જેથી તે જવાબદાર ઇન્ટરનેટ યૂઝર બની શકે.

બોઇઝ લોકર રૂમ એક ચેતવણી 

બાળકો સોશિયલ મીડિયા પર મહત્મ સમય પસાર કરે છે તેથી સ્પષ્ટ છે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર થઈ રહેલી વાતોની તેમના ઉપર ઘણી અસર પડી રહી છે. બાળકો મિત્રો સાથે વાત માતા – પિતાને જણાવતા નથી, તો ઓનલાઇન માધ્યમ પર થતી વાતો તેઓ માતા-પિતાને જણાવે એવી આશા કઈ રીતે રાખી શકાય ? હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર બોઇઝ લોકર રૂમ નામના એક ગ્રૂપમાં થયેલી વાંધાજનક ચેટના કેટલાક મેસેજ વાઇરલ થયા હતા, એ બાદ બાળકોને ઓનલાઇન વ્યવહાર અંગે ઘણી ચર્ચા થઈ હતી.

બુલી થવું, બુલી કરવું એ બંનેથી બચવું  

સોશિયલ મીડિયાના માહોલમાં બાળકો ઘણી વખત બીજાને જોઈને શીખે છે. ચર્ચા અને ટ્રોલિંગ આજે આપણી જિંદગીનો એક હિસ્સો છે. ઓનલાઇન પર કેટલાય ઓળખ વિનાના એકાઉન્ટો હોવાને કારણે અભદ્ર અને અશ્લીલ ભાષાનો ઉપયોગ થતો ઘણી વખત જોવા મળે છે. તેથી બાળકોને બુલિંગથી બચાવવાની સાથે સાથે બીજાને બુલી કરવા જેવી ખોટી આદતથી બચાવવું પણ માતા-પિતા માટે જરૂરી છે.

ઇન્ટરનેટના ઉપયોગ માટે સંતાનો માટે નિયમ બનાવો

મનોવૈજ્ઞાનિક કહે છે કે માતા-પિતાએ ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે કેટલાક નિયમો બનાવવા જોઈએ. કેટલો સમય ઇન્ટરનેટ પર કનેક્ટ રહેવું, કઈ વેબસાઇટનો ઉપયોગ કરવો, કઈ વેબસાઇટનો ઉપયોગ નહીં કરવો અથવા કોની સાથે શું વાત કરી શકાય જેવા નિયમો બનાવવા જોઈએ. ઉપરાંત સંતાનોને એ નિયમ પાછળના કારણ પણ અવશ્ય સમજાવવા જોઈએ. જો તમે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર નજર રાખો છો, તો ધ્યાન રહે કે તે અંગે બાળકોને જાણ હોવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન