સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતી સોય અને સિરિંજ પર ૧,૨૫૦ ટકા નફો - Sandesh
  • Home
  • Ahmedabad
  • સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતી સોય અને સિરિંજ પર ૧,૨૫૦ ટકા નફો

સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતી સોય અને સિરિંજ પર ૧,૨૫૦ ટકા નફો

 | 1:24 am IST

નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીના એક ડેટા પ્રમાણે સિરિંજ અને સોયના નિર્માણ માટે જેટલી પડતર લાગે છે એની સરખામણીમાં અતિશય વધારે કિંમતે એ વેચવામાં આવી રહી છે. રિપોર્ટ પ્રમાણે જે કિંમત પર સિરિંજ બનાવવામાં આવે છે એની તુલનામાં એને ૨૮૭થી ૧,૨૫૧ ટકા વધારે કિંમતે વેચવામાં આવે છે. એ પ્રમાણે સોયનું ઉત્પાદન જે કિંમતે થાય છે એની સરખામણીમાં એ ૫૭થી ૭૮૯ ટકા જેટલી વધારે કિંમતે વેચવામાં આવે છે. ડિસ્ટ્રિબ્યૂટરને આ માલ જે કિંમતે આપવામાં આવે છે એને તેઓ અતિશય વધારે કિંમતે વેચે છે. કેટલાક મામલામાં તો નફો ૧૨૫૦ ટકા સુધીનો હોય છે. NPPAએ અધિકૃત સૂત્રો, નિર્માતાઓ અને આયાતકારો પાસેથી મળેલા આંકડાના આધારે સિરિંજ અને સોયના વેપાર માર્જિનનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

સોયની સાથે પાંચ MLની હાઇપોડર્મિક ડિસ્પોઝેબલ સિરિંજ ડિસ્ટ્રિબ્યુટર્સને ૨.૩૧ રૂપિયામાં આપવામાં આવે છે, જ્યારે એને ૧૩.૦૮ રૂપિયાની મેક્સિમમ રિટેલ પ્રાઇઝ (MRP) પર વેચવામાં આવી રહી છે. આનો સરાસરી નફો ૬૩૬ ટકા બેસે છે તો કેટલીક જગ્યાએ વધુમાં વધુ નફો ૧૨૫૧ ટકા સુધી પણ રળવામાં આવી રહ્યો છે. સોય વગર ૫૦ MLની હાઇપોડર્મિક ડિસ્પોઝેબલ સિરિંજને ૧૨૪૯ ટકાના વધુમાં વધુ નફા સાથે વેચવામાં આવી રહી છે. ડિસ્ટ્રિબ્યુટર્સને એ ૧૬.૬૯ રૂપિયામાં પડે છે અને તે આને ૯૭ રૂપિયાની રિટેલ કિંમત પર વેચે છે. આ રીતે આના પર સરેરાશ નફો ૨૧૪થી ૬૬૪ ટકા બેસે છે. કેટલેક ઠેકાણે વધુમાં વધુ નફો ૧૨૪૯ ટકા સુધી પણ લેવામાં આવે છે. રેગ્યુલેટરના કહેવા પ્રમાણે ૧ MLની સોય સાથે ઇન્સ્યુલિન સિરિંજને ૪૦૦ ટકાના નફા સાથે વેચવામાં આવી રહી છે.  સોય વગરની સિરિંજ પર ૨૮૭ ટકા નફો રળવામાં આવી રહ્યો છે. NPPAએ પ્રમાણે ડિસ્પોઝેબલ હાઇપોડર્મિક સોય વિતરકોને લગભગ ૧.૪૮ રૂપિયામાં પડે છે અને એને ૪.૩૩ રૂપિયાની કિંમતે વેચવામાં આવે છે. અહીં તેનો સરાસરી નફો ૨૭૦ ટકા બેસે છે તો ક્યાંક ૭૮૯ ટકાના નફા સાથે પણ એને વેચવામાં આવે છે. એપિડયુરલ સોયના વિતરકોને સરાસરી કિંમત ૧૬૦ રૂપિયા બેસે છે. એને ૭૩૦ રૂપિયામાં વેચવામાં આવી રહી છે એટલે એમાં ૩૫૬ ટકાનો નફો હોય છે. ગયા મહિને NPPAએ ખુલાસો કર્યો હતો કે દિલ્હી-એનસીઆરની ખાનગી હોસ્પિટલ દવા, સિરિંજ અને અન્ય કન્ઝયુમેબલ્સ તથા ડાયગ્નેસ્ટિક પર ૧,૭૩૭ ટકા જેટલો નફો કમાઈ રહી છે.

વાસ્તવિક કિંમત અને નફો

પ્રોડક્ટ                                 વાસ્તવિક ભાવ પડતર કિંમત   નફો (ટકામાં)

૧ MLની સોય સાથે ઇન્સ્યુલિન સિરિંજ   ૧.૪૮          ૪.૩૩          ૨૮૭થી ૪૦૦

૨ MLની સોય સાથે સામાન્ય સિરિંજ     ૧.૩૦          ૮.૫૨          ૨૭૦થી ૭૮૯

પાંચ MLની સોય સાથે સામાન્ય સિરિંજ ૨.૩૧          ૧૩.૦૮         ૬૩૬થી ૧૨૫૧

૫૦ MLની એક સિરિંજ અને સોય       ૧૪.૯૨         ૬૫.૧૩         ૨૧૪થી ૧૨૪૯

સોય વગરની ૫૦ MLની સિરિંજ         ૧૬.૯૨         ૯૭             ૨૮૭

લોહી લેવા માટેની સોય                 ૨.૬૦          ૯              ૨૭૦થી ૭૮૯

કરોડરજ્જુના હાડકાંની સોય             ૬૨૬.૩૨       ૧૩૦૪         ૩૫૬ સુધી

બાયોપ્સી નિડલ                        ૧૧૩૮.૭૬     ૨૧૭૯         ૧૧૦થી ૨૮૭

વાસ્તવિક ભાવ અને પડતર કિંમત રૂપિયામાં

કિંમતને રેગ્યુલેટ કરવી એ જ નિરાકરણ

સિરિંજ અને સોય સૌથી વધુ ઉપયોગમાં લેવાતાં સાધન છે એટલે એની વધુ કિંમત દર્દીના બિલમાં બહુ વધારો કરી દે છે. આ રીતે હોસ્પિટલો દર્દીઓની જાણકારીના અભાવે તેમને ઠગે છે. ઓલ ઇન્ડિયા ડ્રગ એક્શન નેટવર્કનું કહેવું છે કે સરકારે ફક્ત સિરિંજ અને સોયની કિંમતને જ નહીં , પણ બાકી બચેલી નોટિફાઇડ દવાઓ અને સાધનોની કિંમત પણ રેગ્યુલેટ કરવાની જરૂર છે. કેટલીક હોસ્પિટલોમાં પોતાની જ ફાર્મસી છે. આ હોસ્પિટલો જથ્થાબંધ એકસાથે સિરિંજ અને સોય કંપનીઓ પાસેથી ખરીદે છે. આ હોસ્પિટલો સિરિંજ બનાવનાર કંપની પર ઊંચી MRP છાપવાનું દબાણ કરે છે. હવે સરકાર આને રેગ્યુલેટ કરે તો આશા છે કે કંઈક રાહત મળે.