The 'mother' bringing her daughter back from a journey across 7 seas
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • ઝૂંટવી લેવાયેલી દીકરીને 7 સમંદર પાર સફર ખેડી પાછી લાવીને જ જંપી એ ‘મા’

ઝૂંટવી લેવાયેલી દીકરીને 7 સમંદર પાર સફર ખેડી પાછી લાવીને જ જંપી એ ‘મા’

 | 8:45 am IST
  • Share

સુરત – એક ‘મા’ તેના સંતાન માટે પોતાનું સર્વસ્વ દાવ પર ન લગાવે તો જ નવાઈ. સુરત અડાજણમાં રહેતી વ્યવસાયે વકીલ એવી એક સ્ત્રીએ પોતાની વ્હાલી દીકરી માટે કરેલી સફળ કાનૂની લડાઈ આજના વિશ્વ માતૃ દિવસે એક આદર્શ જનેતાનું પ્રેરણારૂપ દ્રષ્ટાંત બની રહેશે.

અડાજણના નવરત્ન કોમ્પ્લેક્સમાં રહેતા વર્મા પરિવારે પોતાની વ્હાલસોયી દીકરી રિંકીને ભણાવી-ગણાવીને વકીલ બનાવ્યા બાદ જ્ઞાતિના રિવાજો મુજબ અમેરિકા રહેતા રવિ પડિયા સાથે તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ પરણાવી હતી. ખૂબ જ અરમાનો સાથે અમેરિકા ગયેલી રિંકીનું લગ્નજીવન શરૂઆતના દિવસોમાં ખૂબ સારું ચાલતું હતું. તા. ૧૪ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ રિંકીએ સુંદર દીકરીને જન્મ આપ્યો હતો. બધું સુખરૂપ ચાલતું હતું.

દીકરીની પહેલી વર્ષગાંઠ માવતર સાથે ઊજવવા માટે રિંકી પોતાના પતિ સાથે તા. ૧૪ નવેમ્બર ૨૦૧૭ના રોજ અમેરિકાથી સુરત આવી હતી. જન્મદિવસ ઊજવાય તે પહેલા જ રિંકીના માથે પતિના દગાનું આભ તૂટી પડયું હતું. વિઝાના જરૂરી કાગળો આપવાની ના પાડી રવિ દીકરીને લઈ અમેરિકા ભાગી ગયો હતો. ૬ મહિના પછી રવિએ કોઈના મારફતે સંપર્ક કરી રિંકીને ફરી અમેરિકા આવવા માટે ફોસલાવી હતી. વિઝાના કાગળો મોકલ્યા હતા. ડિસેમ્બર ૨૦૧૮માં રિંકી પરત અમેરિકા ગઈ હતી.

રિંકી અમેરિકા ઊતરી તેની સાથે જ રવિએ છૂટાછેડા માટેની દરખાસ્ત મુકતા રિંકી હતપ્રભ થઈ ગઈ હતી. એક સપ્તાહ પછી રવિએ છૂટાછેડા અને દીકરીની કસ્ટડીના કાગળો સહી કરી દીધા હતા. તે પછીના બીજા પાંચ દિવસ પછી રવિ રિંકી અને કાયરાને રજા માણવા ડિઝનીલેન્ડ લઈ ગયો અને બીજીતરફ અમેરિકાની કોર્ટમાં છૂટાછેડાની પિટિશન દાખલ કરી દીધી. વર્ષના છેલ્લા દિવસને આગલી પ્રભાતે રિંકી પોતાની દિનચર્યામાં વ્યસ્ત હતી અને રવિ કાયરાને લઈ ઘરેથી ભાગી છૂટયો હતો. હવે શરૂ થઈ હતી એક ‘મા’ની દીકરી પરત મેળવવા માટેની સંઘર્ષગાથા.

અમેરિકા પહોંચી જ હતી અને આ બધું બન્યું. રિંકી પાસે ફોન હતો નહીં. રવિએ બેંક ખાતામાં કોઈ રકમ રહેવા દીધી નહીં. રડતી-કકડતી રિંકી માટે મેરી નામની એક અમેરિકન સન્નારી દેવદૂત બનીને આવી. મેરીએ ૫૦ વર્ષથી અમેરિકામાં રહેતા ભારતીય પરિવારની સ્ત્રી અકિલા સાથે સંપર્ક કરાવ્યો. જે રિંકીને કોર્ટમાં લઈ ગઈ, જ્યાં અમેરિકાની અદાલતે આ વિવાદ ભારતની અદાલતના કાર્યક્ષેત્રનો જણાવી રિંકીને ભારત મોકલી દીધી હતી.

રિંકીએ સુરતની ડોમેસ્ટિક કોર્ટમાં કાયરાની કસ્ટડી માંગતો મુકદ્દમો દાખલ કર્યો હતો. કાયરાનો જન્મ અમેરિકામાં થયો હોવાથી સુરતની અદાલતમાં ફરી હદની હકુમત એક વિવાદ બની સામે આવી હતી. રિંકીએ હિંમત હાર્યા વિના ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું અને આખરે સુરતની ફેમિલી કોર્ટે કાયરાની કસ્ટડી રિંકીને સોંપવા અંગે સ્પષ્ટતા કરતો એક હુકમ જારી કર્યો હતો. આટલેથી વાત અટકતી ન હતી.

અમેરિકાની અદાલતમાં મજબુતાઈથી ટકી રહેવા જરૂરી મદદ માટે રિંકીએ ભારત સરકારના વિદેશ મંત્રી એસ. જયશંકરને ઈ-મેઈલ કર્યો હતો. વિદેશ મંત્રાલયે અમેરિકામાં ભારતીય રાજદૂત હર્ષ શ્રાીંગલાને નિયુક્ત કર્યા હતા. ઈન્ડિયન એમ્બેસીએ અમેરિકામાં કાયરાની કસ્ટડી રિંકીને અપાવવાની અદાલતી કાર્યવાહી માટે લોરેન્સ, એલેન અને લેસન્ડા નામના વકીલોનો સંપર્ક કર્યો હતો, જેમાં લોરેન્સે કેસ સ્વીકાર્યો હતો.

અમેરિકામાં કેસ બોર્ડ પર આવી ગયો હતો. રિંકી પાસે અમેરિકાના વિઝા ન હતા. ફરી વિઝાની કાર્યવાહી થઈ. કહેવાની જરૂર નથી રિંકીની વેદનાએ તેને વિઝા અપાવી દીધા. રિંકી ૩જી ડિસેમ્બર ૨૦૧૯ના રોજ અમેરિકાના ગેન્સવિલ ફ્લોરિડા એરપોર્ટ પર ઊતરી. જીવન જેને સમર્પિત કર્યું હતું તે તો પારકા થઈ ગયા હતા. એક સાવ અપરિચિત મૂળ નવસારીના સોનલ દેસાઈએ પોતાના પુત્ર પ્રણયને એરપોર્ટ પર રિંકીને લેવા મોકલ્યો હતો.

એક માત્ર ઝૂંટવાયેલી દીકરીને પાછી મેળવવાના દૃઢ સંકલ્પ સાથે ગયેલી રિંકી અમેરિકામાં ૪૫ દિવસના કાનૂની જંગ પછી જ્વલંત વિજય સાથે પોતાની દીકરી કાયરાને લઈ તા. ૧૯ ફેબ્રુ. ૨૦૨૦ના રોજ ભારત પરત આવી હતી. આજે બંને મા-દીકરી ખુશખુશાલ પોતાની જિંદગી વિતાવી રહ્યા છે. સંતાન માટે માતૃત્વની તીવ્રતાનો પુરાવો આપતી આ ઘટના એક લાગણી જંજોળતું ઉદાહરણ છે. આજનો વિશ્વ માતૃ દિવસ રિંકી જેવી વાત્સલ્યથી છલોછલ જનેતાઓને સમર્પિત છે.

આ વીડિયો પણ જુઓ: ગાંધીનગરમાં આવેલ મા ઉમિયા મંદિરના દર્શન

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો