ગુજરાતી હીરાવેપારીની હત્યા પ્રકરણે ખુલ્યું આ પ્રખ્યાત અભિનેત્રીનું નામ - Sandesh
  • Home
  • Ahmedabad
  • ગુજરાતી હીરાવેપારીની હત્યા પ્રકરણે ખુલ્યું આ પ્રખ્યાત અભિનેત્રીનું નામ

ગુજરાતી હીરાવેપારીની હત્યા પ્રકરણે ખુલ્યું આ પ્રખ્યાત અભિનેત્રીનું નામ

 | 9:58 pm IST

ઘાટકોપરના હીરાના વેપારી રાજેશ્વર ઉદાણીની હત્યા પ્રકરણે પંતનગર પોલીસે હાઉસિંગ પ્રધાન પ્રકાશ મહેતાના ભૂતપૂર્વ પીએ સચિન પવારની ધરપકડ કરી છે. સચિન પવાર હાલમાં પ્રકાશ મહેતા સાથે કાર્યરત નહોતો, પણ ઘાટકોપરમાં તે ભાજપમાં સક્રિય હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સચિનની પત્નીને પણ ભાજપે મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી આપી હતી. ઉદાણી હત્યા કેસમાં સચિનની ધરપકડ ગુવાહાટીથી કરવામાં આવી હતી. તેની સાથે ટીવી સિરિયલની અભિનેત્રી પણ હતી. પોલીસે અભિનેત્રીની પણ પૂછપરછ માટે ધરપકડ કરી હતી.

ઘાટકોપરમાં રહેતા રાજેશ્વર ઉદાણી હીરા અને સોના-ચાંદીના દાગીનાના વેપારી હતા. 57 વર્ષીય ઉદાણી 28મી નવેમ્બરથી લાપતા હતા. અંધેરી જઇ રહ્યો હોવાનું કહી ઘરેથી તેઓ નીકળ્યા બાદ ઘરે પાછા નહોતા ફર્યા. ઘરે પાછા ન ફરતાં ઉદાણી પરિવારે રાજેશ્વર ઉદાણીની ગુમ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. દરમિયાન ઉદાણીનો મૃતદેહ એક અઠવાડિયા બાદ પનવેલ નજીકના એક જંગલમાંથી સાંપડયો હતો. પંતનગર પોલીસે આ પ્રકરણમાં હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.

પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં ઉદાણી ગુમ થયા એ દિવસથી સચિન પવારે ઉદાણીને 13 વાર ફોન કર્યા હતા. આને આધારે પોલીસે તપાસના ભાગરૂપે સચિની ધરપકડ કરી હતી. પોલીસે સચિન પવારની કાર પણ કબજામાં લીધી હતી. નાણાકીય વ્યવહારમાં વિવાદને કારણે ઉદાણીની હત્યા થઇ હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી હતી.

સચિન સાથે ઘણા સમય પહેલાંથી મેં છેડો ફાડી નાખ્યો હતોઃ પ્રકાશ મહેતા

રાજ્યના હાઉસિંગ પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા પ્રકાશ મહેતાના પીએ સચિન પવારનું નામ ચર્ચામાં આવ્યા બાદ ઘાટકોપરના હીરાવેપારીનો હત્યાકેસ હાઇપ્રોફાઇલ બની ગયો છે. પ્રકાશ મહેતાને આ સંદર્ભે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ‘એક સમયે તે મારા પીએ તરીકે કામ કરતો હતો, પણ 2011માં મેં તેની સાથે છેડો ફાડી નાખ્યો હતો. મારી સાથે છૂટો પડયા બાદ તે અપક્ષ તરીકે ચૂંટણી લડયો હતો અને હારી ગયો હતો. પક્ષમાંથી કાઢયા બાદ મારી ક્યારેક જ અલપઝલપ મુલાકાત થઇ હશે, પણ મેં ત્યાર બાદ ક્યારે પણ તેને કામ પર રાખ્યો નહોતો. હવે મારી સાથે છૂટો પડયા બાદ તે શો ધંધો કરે છે તેની મને બિલકુલ જાણ નહોતી.’ જોકે 2017માં સચિન પવાર પાછો ભાજપ પક્ષમાં કાર્યકર્તા તરીકે જોડાયો હતો, પણ પ્રકાશ સાથે નહીં. પ્રકાશ મહેતાએ વધુમાં માહિતી આપતાં કહ્યું હતું કે ‘મહાપાલિકાની ચૂંટણીમાં મહિલા આરક્ષણ વોર્ડને કારણે સચિનની પત્નીને પક્ષે ટિકિટ આપી હતી. એ સમયે પણ મારે તેની સાથે કોઇ લેવાદેવા નહોતી.’ રાજકીય કારકિર્દીમાં સેંકડો કાર્યકર્તાઓ સાથે ઓળખાણ રહેતી હોય છે, પણ તેઓ પોતાની વ્યક્તિગત જિંદગીમાં શું કરતા હોય છે એની મને જાણ નથી હોતી, એવું પ્રકાશ મહેતાએ જણાવ્યું હતું.

કોલ ડિટેલ્સને કારણે સચિન રડાર પર હતો

ઘાટકોપરના હીરાવેપારી હત્યાકેસમાં પોલીસને મહત્ત્વની કડીરૂપે ઉદાણીને કરવામાં આવેલા ફોનને કારણે હત્યાનું કાવતરું ઉઘાડું પડયું હતું. પોલીસને જટિલ હત્યાકાંડના તાર ઉદાણીનો કોલ ડેટા રેકોર્ડ (સીડીઆર) સાંપડયા બાદ મળ્યા હતા. ઉદાણી જે દિવસે ગુમ થયા એ 28મી નવેમ્બરે સચિન પવારે 13 વાર ફોન કર્યા હોવાનું પોલીસે કરેલી તપાસમાં બહાર આવ્યું હતું. આ જ કારણથી સચિન પોલીસના રડાર પર હતો. પોલીસે સચિનની શોધ આદરી હતી અને ગુવાહાટીથી તેની ધરપકડ કરી હતી. ઉદાણી હત્યા કેસમાં પોલીસને કોઇ કડી સાંપડી ન હોવાથી તેમનો સીડીઆર ઘણી મહત્ત્વની સાબિત થશે.

70 હજારના વિવાદને કારણે હત્યા થઇ?

રાજેશ્વર ઉદાણીના ગુમ થયાના એક અઠવાડિયા બાદ હત્યા કરાયેલો તેમનો મૃતદેહ પનવેલ નજીકથી મળ્યો હતો. ઉદાણીની હત્યા રૂ. 70 હજારના વિવાદને કારણે થઇ હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી હતી. 70 હજાર રૂપિયાની લેવડ-દેવડને કારણે ઉદાણીની કોઇની સાથે માથાકૂટ ચાલી રહી હતી, એવું પોલીસને સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. ઉદાણી બારગર્લ્સ અને ટીવી સિરિયલની અભિનેત્રીના સંપર્કમાં હતા. ઉદાણી બારગર્લ્સ અને ટીવી સિરિયલમાં કામ કરતી અનેક અભિનેત્રી સાથે સંપર્કમાં હોવાની આંચકાદાયક માહિતી બહાર આવ્યા બાદ પોલીસે ઉદાણીનો સીડીઆર તપાસતાં અનેક માહિતીઓ સામે આવી રહી છે. મુંબઈ, નવી મુંબઈ અને રાયગડની અનેક બારગર્લ્સના સંપર્કમાં ઉદાણી હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.

ગુવાહાટીથી મુંબઈ લવાયેલી અભિનેત્રીની શી ભૂમિકા?

હાઉસિંગ પ્રધાન પ્રકાશ મહેતાના પીએ સચિન પવારની ઉદાણીની હત્યાના કેસમાં ગુવાહાટી ધરપકડ કરવામાં આવી ત્યારે તેની સાથે નાના પડદાની અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્ય પણ હતી. દેવોલીનાએ અનેક સિરિયલોમાં ભૂમિકા ભજવી છે, પણ ‘સાથ નિભાના સાથિયા’ની ગોપી બહુ તરીકે તે વધુ લોકપ્રિય થઇ છે. પોલીસે દેવોલીનાની પણ ધરપકડ કરી હતી અને ઉદાણી હત્યામાં તેની શી ભૂમિકા છે તેની તપાસ હાથ ધરી હતી. પોલીસે નાના પડદાની દેવોલીના સહિત ઓછામાં ઓછા ૨૫ જણની પૂછપરછ કરી છે. પોલીસે દેવોલીનાનું પણ નિવેદન લીધું હોઇ આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.

પોતાની કારને બદલે બીજી કારમાં કેમ ગયા ઉદાણી?

૨૮મી નવેમ્બરથી ગુમ થયેલા રાજેશ્વર ઉદાણીનો મૃતદેહ પનવેલ નજીકના જંગલમાંથી સાંપડતાં ખળભળાટ મચી ગયો હતો. ઘાટકોપર પૂર્વના હાઇવેને અડીને આવેલી વિક્રોલી ટ્રાફિક ચોકી સામેના કોર્નરથી ઉદાણીની કાર પોલીસને સાંપડી હતી. એક કલાકમાં ઘરે પાછો આવું છું કહીને નીકળેલા ઉદાણી બીજા દિવસ સુધી ઘરે ન આવતાં ઉદાણીના દીકરા રોનકે પંતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઉદાણીની ભાળ મેળવવા માટે સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા, જેમાં ઉદાણી પોતાની કારને છોડીને બીજી કારમાં નવી મુંબઈ દિશા તરફ જતા હોવાનું જોવા મળ્યું હતું. ત્યાર બાદ ૩જી ડિસેમ્બરે પનવેલના જંગલમાંથી તેમનો મૃતદેહ સાંપડયો હતો. પોલીસ તેની ઓળખ કરી ન શકતાં તેમના શરીર પરનાં કપડાં અને બૂટને આધારે મૃતદેહની ઓળખ થઇ શકી હતી. ત્યાર બાદ પોલીસે ઉદાણીનો સીડીઆર કાઢતાં રૂ. 70 હજારના વિવાદને કારણે તેમની હત્યા થઇ હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી હતી.

ઉદાણીની પ્રસિદ્ધિ રાજકીય ક્ષેત્રે પણ દોરી ગઇ

ઘાટકોપરના વેપારી વર્ગમાં બહોળું નામ ધરાવતા ઉદાણીને ઘાટકોપર કાઠિયાવાડ સમાજે સમાજના ઉચ્ચ હોદ્દા પર બેસાડયા હતા. સમાજમાં મળેલી પ્રસિદ્ધિ બાદ ઉદાણીને ઘાટકોપર પૂર્વનું ભાજપનું વાઇસ પ્રેસિડેન્ટપદ મળ્યું હતું. ઉદાણીની સામાજિક અને રાજકીય કારકિર્દીને જોતાં ઘાટકોપર પૂર્વના વિક્રાંત સર્કલ પરના ચોકને તેમના પિતાનું નામ આપવામાં આવ્યું હતું. તેઓ ઘાટકોપર પૂર્વમાં આવેલી ઓફિસમાં લાખો રૂપિયાના એન્ટિક પીસ પણ રાખતા હતા. આ બધાં કારણોથી જ થોડા અરસામાં તેમનું નામ જૈન સમાજની પ્રતિષ્ઠિત વ્યક્તિમાં ચર્ચાવા લાગ્યું હતું.

20થી વધુ લોકોનાં નિવેદન નોંધાયાં છેઃ એસીપી

ઉદાણી હત્યા કેસમાં એસીપી માનસિંહ પાટિલે જણાવ્યું હતું કે પોલીસે આ પ્રકરણમાં હજી સુધી 20થી વધુ લોકોનાં નિવેદન નોંધ્યાં છે, પણ પોલીસે ઉદાણી હત્યાના કેસને લઇને કોઇ પરિણામ પર નથી પહોંચી શકી. ડાન્સબારમાં જવાનો શોખ ધરાવતા ઉદાણી કોની સાથે સંપર્કમાં હતા તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન