દેશની પંચોતેર વર્ષની વિકાસયાત્રાનું 'અમૃત' - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • દેશની પંચોતેર વર્ષની વિકાસયાત્રાનું ‘અમૃત’

દેશની પંચોતેર વર્ષની વિકાસયાત્રાનું ‘અમૃત’

 | 12:53 am IST
  • Share

જે દેશમાં નાની ટાંકણી પણ બનતી ન હતી, ત્યાં મોટાં મોટાં કારખાના ઊભા થયા. ઉદારીકરણને મુક્ત વેપારની નીતિએ વિશ્વનું અંતર ઘટાડીને નાનું બનાવી દીધું. આજે ઠેરઠેર જીઆઇડીસી જોવા મળે છે.

દેશ આઝાદીના ૭૫ વર્ષનું અમૃતપર્વ ઊજવી રહ્યો છે. ૭૫ વર્ષમાં ભારતે અનેક તડકી-છાંયડી જોઈ છે. અંગ્રેજોએ લૂંટીને ખાલીખમ કરી દીધેલા દેશને સાવ ટાંચા આર્થિક સંશોધનો વચ્ચે પુનઃ ઊભો ને ધબકતો કરવો તે એક પડકારરૃપ કાર્ય હતું. ૭૫ વર્ષ એ કોઈ થોડો સમય નથી તો કંઈ વધુ પડતો ગાળો પણ ન જ કહેવાય. ભારત એક વસતિની દૃષ્ટિએ વિશ્વનો બીજા નંબરનો મોટો દેશ છે તો વિસ્તારની દૃષ્ટિએ બહુ મોટો ન કહેવાય. જ્યારે વસતિ વધુ હોય ત્યારે ખાદ્યાન્ન, રોજગારીની તકો, ખેતી, ઔદ્યોગિક વિકાસ, શિક્ષણ ને આરોગ્યની સેવાઓ, વાહનવ્યવહાર પાણી વગેરે તમામ પ્રકારની અનેક સુવિધાઓ ઊભી કરવાનું કાર્ય ઓછાં આર્થિક સાધનો વચ્ચે કઠિન અને મુશ્કેલ છે.

ભારત વસતિની રીતે એટલો મોટો દેશ છે કે તેના જિલ્લા કે રાજ્યો જેવડા અનેક દેશ વિશ્વમાં છે. ત્યારે વિકાસ અને પાયાની સુવિધાઓ બંને વચ્ચે સમતુલન જાળવીને કામ કરવું પડતું હોય છે. આપણને બ્રિટન, જાપાન, ઇઝરાયેલ, ફ્રાન્સ કે ઓસ્ટ્રેલિયાનો વિકાસ ઝડપથી નજરે પડે પણ આ બધા દેશોની વસતિ કેટલી ? ભારતના કોઈ જિલ્લા કે રાજ્ય જેટલી તેમની વસતિ છે. આપણા મોટાભાગના સંશોધનો વર્ષો સુધી આપણે આયાતો પાછળ ખર્ચવા પડયા છે ત્યારે આપણે વિકાસને અર્ધા ભરેલા ને અર્ધા ખાલી ગ્લાસની રીતે મૂલવવો જોઈએ. અર્ધો ભરેલો ગ્લાસ એ આપણો વિકાસ છે તેની આપણે ત્યાં ઓછી નોંધ લેવાય છે પણ અર્ધો ખાલી છે તેની વ્યાપક ચર્ચાઓ સમયાંતરે થતી રહે છે.

બાર ગાઉએ બદલાતી બોલીઓ અને જિલ્લે-જિલ્લે જુદા જુદા પ્રકારની જમીનો, ખેતીની પદ્ધતિ, સિંચાઈની સુવિધાની ભિન્નતા અને હવામાન તથા વરસાદની જુદી સ્થિતિ વચ્ચે પણ ભારતનો કૃષિ વિકાસ નોંધપાત્ર છે મંદી કે કોરોનામાં પણ કૃષિ વિકાસ દર જળવાઈ રહ્યો છે તેના ખરા અભિનંદનના અધિકારી આપણા કરોડો ભૂમિપુત્રો છે. અનેક અગવડોની વચ્ચે પણ આપણી ખેતીએ નોંધપાત્ર પ્રગતિ કરી છે. આપણે અમેરિકાના લાલ ઘઉં પણ રેશનિંગની દુકાનમાંથી રેશનકાર્ડ પર મેળવીને ખાતા હતા. આજે ભારતના અન્ન ભંડારો એટલા ભરેલા છે કે આયાત પણ થાય છે ને ગોદામોમાં સડી પણ જાય છે. હળ, બળદ ને ગાડાએ મોટાભાગે ખેતીમાંથી વિદાય લીધી છે ને તેનું સ્થાન ટ્રેક્ટરોએ લીધું છે. શ્રમ બચાવતાં અનેક સાધનો ખેડૂતો પાસે છે. ખેડૂતો આવક વધારવા નુકસાન થાય તો પણ બાગાયતી, ઔષધીય ને ફળ ને શાકભાજીની ખેતી કરતા થયા છે. પુનઃ પ્રાકૃતિક એટલે કે ઓછી ખર્ચાળ સજીવ ખેતી તરફ ખેડૂત વળી રહ્યો છે, છતાં ખર્ચાળ ખેતી વચ્ચે કિસાનોની આત્મહત્યાનો મુદ્દો ઉકેલ માગતો કોયડો છે.

ગામડામાંથી શહેરોમાં સ્થળાંતર જરૃર વધ્યું છે, પણ હવે નાના નાના ગામો સુધી પણ સ્કૂટર, બાઇક ને ગાડીઓ પહોંચી છે. ખેડૂતો બાઇક કે સ્કૂટર પર ખેતરે જતા જોવા મળે છે. જ્યાં લેન્ડલાઇન ફોન પણ નહતો ત્યાં લોકોના હાથમાં મોબાઇલ, કમ્પ્યૂટર ને નેટની સુવિધાઓ ઝડપથી પહોંચી ગઈ છે. તાર ને મનીઓર્ડરનો યુગ પૂરો થયો છે. ગામડાઓમાં બેન્કોની શાખાઓ ઝડપભેર ખૂલી રહી છે. તાલુકા મથક સુધી જવાના પણ પાકા રસ્તા ન હતા ત્યાં રસ્તાની સુવિધાઓ ઊભી થઈ છે. વિદેશથી આવતા ભારતીયોને બદલાયેલું ભારત લાગે છે. જ્યાં ભાખરા નંગલ જેવો એક ડેમ હતો ત્યાં આજે હજારો ડેમ પીવાનાં ને સિંચાઈનાં પાણીની સમસ્યાને હલ કરે છે. ગાંધીજીએ વીજળી વિહોણાં લાખો ગામો માટે સ્થાનિક રોજીના સાધન માટે રેંટિયો, ચરખો ને ખાદીનો ઘેરબેઠાં વીજળી વિના કમાવાનો રાહ ચીંધ્યો હતો. આજે ગામેગામ વીજળી છે. ઔદ્યોગિક વસાહતો પણ ઊભી થઈ છે.

ભારતની મહિલાઓને બ્રિટનની મહિલાઓ પહેલાં મતાધિકાર મળ્યો હતો. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ૫૦ ટકા મહિલા અનામત અનેક રાજ્યોમાં છે. દેશની મહિલાઓ આજે વડા પ્રધાન, રાષ્ટ્રપતિ, મુખ્યપ્રધાન, રાજ્યપાલે, ન્યાયાધીશ, પાઇલટ, બસ ડ્રાઇવર કે કંડક્ટર, ઉચ્ચ સનદી ને પોલીસ અધિકારીઓ બની રહી છે તો લાખો બહેનો ખેતી ને પશુપાલન થકી દેશના વિકાસમાં મૂંગા મોંએ નોંધપાત્ર ભૂમિકા ભજવી રહી છે. અનેક મહિલાઓ ઉદ્યોગોનું સંચાલન કરે છે તો રમતગમત ક્ષેત્રે પણ હવે મહિલાઓ આગળ આવી રહી છે. દૂધની મંડળીઓ અને ગ્રામપંચાયતોનો વહીવટ માત્ર મહિલાઓ કરતી હોય તેવા સેંકડો ગામો છે. હવે તો નેશનલ ડિફેન્સ એકેડેમીમાં પણ મહિલાઓના પ્રવેશનો માર્ગ મોકળો થયો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને લશ્કરમાં પણ મહિલાઓનું પ્રમાણ વધ્યું છે. ગુજરાતમાં તો પોલીસ ભરતીમાં ૩૩ ટકા મહિલાઓને સ્થાન આપવાનું પ્રગતિશીલ કાર્ય થયું છે. જોકે સંસદમાં ૨૫ વર્ષથી મહિલા અનામતનો મુદ્દો હજુ ઝોલાં ખાય છે.

વાહનવ્યવહાર ને સંદેશાવ્યવહારની પદ્ધતિઓમાં પણ વ્યાપક પરિવર્તનો આવ્યા છે. ટપાલ ખાતાનું કામ ઘટયું છે. પોસ્ટકાર્ડ ભાગ્યે જ જોવા મળે છે. વોટ્સએપ ને ઇ-મેલને સંદેશાવ્યવહારનું સ્થાન લઈ લીધું છે. અખબારો જરૃર વધ્યાં છે પણ તેની સામે ચેનલો પણ વધતી જાય છે. લોકો ઓફિસને બદલે ઘેર કામ કરવાનું પસંદ કરે છે. કોરોનામાં તો શિક્ષણ ને કામકાજ બંને ઓનલાઇન જોવા મળ્યાં.

જે દેશમાં નાની ટાંકણી પણ બનતી ન હતી, ત્યાં મોટાં મોટાં કારખાનાં ઊભાં થયાં. ઉદારીકરણને મુક્ત વેપારની નીતિએ વિશ્વનું અંતર ઘટાડીને નાનું બનાવી દીધું. આજે ઠેરઠેર જીઆઇડીસી જોવા મળે છે. રમતના ક્ષેત્રે પણ ક્રિકેટમાં ભારતનો ડંકો વાગ્યો છે તો હોકી, કબડ્ડી ને ફૂટબોલ ને વોલીબોલમાં પણ પ્રગતિ કરી છે. દિવ્યાંગ રમતવીરોએ દેશનું ગૌરવ વધાર્યું છે.

દેશમાં અનેક સામાજિક પરિવર્તનો પણ આવ્યા છે. સતી થવાનો રિવાજ કે બાળકીઓને દૂધ પીતી કરવાનો રિવાજ હવે ભૂતકાળની ઘટનાઓ બની ગઈ છે વિધવા- વિવાહ છૂટથી થાય છે. બાળલગ્નોનું પ્રમાણ ઘટયું છે. તીન તલાક જેવી પ્રથા સામે કાનૂની વ્યવસ્થા થઈ છેે તો હજુયે દહેજનું દૂષણ નાબૂદ થઈ શક્યું નથી. છૂટાછેડાનું પ્રમાણ પણ શિક્ષણ વધ્યું તેમ વધતું જાય છે લગ્નના ખર્ચા પણ વધી રહ્યા છે. જેમાં સુધારાની જરૃર છે.

સંરક્ષણ ક્ષેત્રે ભારતે બે અણુપરીક્ષણો કર્યા છે. આપણી સેના બોફોર્સ ને રાફેલથી સજ્જ છે.  સંરક્ષણ ક્ષેત્ર આત્મનિર્ભરતા તરફ જઈ રહ્યું છે, છતાં આતંકવાદ આજેય આપણા માટે એક મોટો પડકાર છે. શિક્ષણના ખાનગીકરણ સાથે શિક્ષણની સુવિધાઓ વધી છે. એક જમાનામાં કોલેજ કરવા મોટા શહેરમાં જવું પડતું. આજે તાલુકા કક્ષા સુધી કોલેજોની સુવિધાઓ ઊભી થઈ છેે. નાગરિકને શિક્ષણને માહિતીનો અધિકાર મળ્યો છે. આરોગ્ય ને સ્વચ્છતા પ્રત્યેની લોકોમાં જાગૃતિ વધી છે. આમ ભારતે ૭૫ વર્ષમાં મહેનતના મંથનથી ઘણંુ અમૃત મેળવ્યું છે પણ હજુ ઘણું બધંુ કરવાનું બાકી છે. કોરોનામાં આરોગ્ય સુવિધાઓનો પનો ટૂંકો પડયો તે દિશામાં ઘણું કરવાનું બાકી છે.

દિનપ્રતિદિન ભ્રષ્ટાચાર ઘટવાને બદલે વધતો જાય છે. બેકારીની સમસ્યા વિકરાળ બનતી જાય છે. મોંઘવારી સામાન્ય ને મધ્યમવર્ગનું બજેટ ખોરવી રહી છે. પેટ્રોલ, ડીઝલ, વીજળી મોંઘાં થતાં જાય છે. રસ્તા-પુલની સંખ્યા વધી રહી છે પણ તેની ગુણવત્તા એક સમસ્યા છે. બળાત્કારની સમસ્યા વધતી જાય છે. ખેડૂતોની આત્મહત્યાને પોષણક્ષમ ભાવોનો પ્રશ્ન પણ ઉકેલ માગે છે. સંસદ ને ધારાગૃહોમાં ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતા સભ્યોની સંખ્યા વધતી જાય છે. બંને જગાએ ગેરશિસ્ત વધતી જાય છે ને ચર્ચાનું ધોરણ કથળતું જાય છે. ન્યાય ને ખાનગી શિક્ષણ બંને મોંઘાં બન્યા છે. વિલંબિત ન્યાય એ પણ સમસ્યા છે, દેશમાં પરિવારલક્ષી ને પ્રાદેશિક સંકુચિતતા ધરાવતા રાજકીય પક્ષોની સંખ્યા વધી રહી છે. આતંકવાદ, નક્સલવાદ ને ર્ધાિમક કટ્ટરતા વધતા જાય છે. આ બધા પડકારો પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન