સિદ્ધપુરમાં ST સ્ટેન્ડમાં ઠાકોર વિકાસ નિગમનાં ચેરમેનનો ભત્રીજો લૂંટાયો - Sandesh
  • Home
  • Gujarat
  • સિદ્ધપુરમાં ST સ્ટેન્ડમાં ઠાકોર વિકાસ નિગમનાં ચેરમેનનો ભત્રીજો લૂંટાયો

સિદ્ધપુરમાં ST સ્ટેન્ડમાં ઠાકોર વિકાસ નિગમનાં ચેરમેનનો ભત્રીજો લૂંટાયો

 | 4:57 pm IST

સિદ્ધપુર મામલતદાર કચેરીમાં કામ અર્થે આવેલા તાલુકાના ધનાવાડા ગામના અને રાજ્યના ઠાકોર વિકાસ નિગમના ચેરમેન નંદાજી ઠાકોરના ભત્રીજા ઠગોએ સિદ્ધપુર બસસ્ટેન્ડમાં હિંમતનગર જવાનો રસ્તો પૂછવાના બહાને કોઈ બેશુદ્ધ પદાર્થ સૂંઘાડી સાથે ઉપાડી ગયા બાદ તેને લૂંટી લેવામાં આવતાં ઘટના ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે. સમગ્ર મામલો નંદાજી ઠાકોરને ધ્યાને આવતાં તેઓએ સિદ્ધપુર પોલીસ મથકે રજૂઆત કરી ફરીયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી છે. તો સમગ્ર ઘટના બસસ્ટેન્ડમાં લગાવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજમાં કેદ થઈ જતાં પોલીસે ફૂટેજ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સિદ્ધપુર બસસ્ટેન્ડ દિવસ દરમ્યાન સતત મુસાફરોથી ધમધમતું રહે છે. ગુરૃવારે તાલુકાના ધનાવાડા ગામના રહેવાસી પીળાજી જીવણજી ઠાકોર સિદ્ધપુર મામલતદાર કચેરીમાં કામ અર્થે આવ્યા બાદ પરત ઘરે જવા માટે બસ સ્ટેન્ડમાં જતાં ત્યાં એક શખ્સે તેની પાસે આવી હિંમતનગર જવાનું ભાડું ન હોવાથી ચાલતા ક્યાં થઈ જવાશે તે અંગે પૂછતા સમયે અન્ય બીજો શખ્સ આવી તેને કોઈ પદાર્થ સૂંઘાડી દીધો હતો જેથી બેશુદ્ધ બની ગયેલ પીળાજી ઠાકોર પેલા શખ્સોના કહેવા મુજબ જ તેઓની સાથે ચાલવા લાગી શખ્સો તેને એક રીક્ષામાં બેસાડી દીધા બાદ તેના કાનમાં પહેરેલ સોનાની મરચીઓ તેમજ પાસે રહેલ ર૦૦ રૃપિયા લૂંટી લઈ તેને હાઈવે પર ક્યાંક ઉતારી નાસી છૂટયા હતા. જો કે યુવાનને કલાકો સુધી સંપૂર્ણ ભાન ન આવતાં ચાલતો જ ઘરે પહોંચ્યો હતો અને પરિવારજનોને સમગ્ર બનાવ અંગે જાણ કરી હતી. રાજ્યના ઠાકોર વિકાસ નિગમના ચેરમેન નંદાજી ઠાકોરનો ભત્રીજો જ લૂંટનો ભોગ બનતાં નંદાજી ઠાકોરે સિદ્ધપુર પોલીસ મથકે પહોંચી ફરીયાદ નોંધાવવાની તજવવીજ હાથ ધરી છે.

યુવાનને લઈ રીક્ષામાં ભાગતા ઠગો સીસીટીવીમાં કેદ
અત્રે ઉલ્લેખનીય છે કે યુવાનને ર શખ્સો દ્ધારા વાતોમાં ભેરવી તેને કોઈ પદાર્થ સૂંઘાડી બેશુદ્ધ કરી દઈ રીક્ષામાં લઈ જવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના સિદ્ધપુર બસસ્ટેન્ડમાં બની હોવાથી ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના રેકોર્ડ થઈ ગઈ હતી. પોલીસને તપાસમાં આ ફૂટેજ મહત્વના સાબિત થઈ શકે છે.

યુવકને ભાન જ નહોતું આખી રાત ક્યાં ભટકતો રહ્યો
ગુરૃવારે બપોરે યુવાનને ઠગો રીક્ષામાં બેસાડી ક્યાંક લઈ ગયા હતા. પીળાજી ઠાકોરને બેશુદ્ધ પદાર્થ સૂંઘાડયો હોવાથી તેઓ ઠગોના કહેવા મુજબ જ કરતા ગયા તેઓને પોતાનું કોઈ ભાન નહોતું. પીળાજીને લૂંટી લીધા બાદ તેને ક્યાં આગળ રીક્ષામાંથી ઉતારી દીધા તથા આખી રાત તેઓ ક્યાં રહ્યા તે અંગે તેઓને કશું જ ભાન નહોતું. હોશ વગર જ તેઓ જાતે ચાલતા ગામડે ધનાવાડા ખાતે પહોંચી પરિવારજનોએ પૂછપરછ કરી ત્યારે સમગ્ર બનાવ બસસ્ટેન્ડના સીસીટીવી ફૂટેજથી સ્પષ્ટ રીતે સામે આવ્યો હતો.