કાશ્મીરમાં હવે આતંકવાદીઓને ખેર નથી, રાજનાથ સિંહે સેનાને આપ્યા આવા આદેશ - Sandesh
  • Home
  • Featured
  • કાશ્મીરમાં હવે આતંકવાદીઓને ખેર નથી, રાજનાથ સિંહે સેનાને આપ્યા આવા આદેશ

કાશ્મીરમાં હવે આતંકવાદીઓને ખેર નથી, રાજનાથ સિંહે સેનાને આપ્યા આવા આદેશ

 | 11:51 am IST

હવે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ, ભાંગફોડીયા તત્વો અને પથ્થરબાજોની ખેર નથી. કેન્દ્ર સરકારે રમઝાન મહિના દરમિયાન કાશ્મીર ખીણમાં લાગુ કર્યું હતું, જેને હવે આગળ નહીં વધારવા નિર્ણય લેવામાં આવ્યો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાહેરાત કરી છે કે, જમ્મુ-કાશ્મીરમાંથી સીઝફાયરને આગળ વધારવામાં નહીં આવે. રાજ્યમાં આતંકવાદીઓ વિરૂદ્ધ ચાલી રહેલુ સૈન્ય ઓપરેશન અગાઉની માફક યથાવત રીતે ચાલુ કરવાના આદેશ આપવામાં આવ્યાં છે.

ભારત સરકારે પવિત્ર રમઝાન મહિનાને ધ્યાનમાં રાખી લોકોની સુવિધા ખાતર કાશ્મીરમાં સીઝફાયર એટલે કે સંઘર્ષ વિરામની જાહેરાત કરી હતી. સાથે જ સરકારે રાજ્યમાં આતંકીઓ વિરૂદ્ધ ચલાવવામાં આવી રહેલા સૈન્ય ઓપરેશનને પણ અટકાવી દીધું હતું. ત્યાર બાદ કાશ્મીરમાં આતંકી હુમલાની સંખ્યામાં મોટા પાયે વધારો થયો હતો.

સીઝફાયર દરમિયાન આતંકીઓ સેનાના જવાનોને તો નિશાન બનાવ્યા જ પણ રાઈઝિંગ કાશ્મીરના એડિટર સુજાત બુખારી અને ઈદની રજાઓ માટે ઘરે પરત ફરી રહેલા સેનાના જવાન ઔરંગઝેબનું અપહરણ કરીને હત્યા નિપજાવવામાં આવી. ત્યાર બાદ સરકાર પર ચારેકોરથી સીઝફાયર પરત ખેંચવાનું ભારે દબાણ સર્જાયું હતું. સેના અને સુરક્ષાબળોના ટોચના અધિકારીઓ પણ સીઝફાયર આગળ ના વધારી ઓપરેશન ઓલ આઉટ યથાવત રાખવાના પક્ષમાં હતાં.

ઈદ બાદ આજે દિલ્હીમાં મળેલી બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે આ સીઝફાયર આગળ ના વધારવાનો નિર્ણય કર્યો છે.

રાજનાથ સિંહે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, રમઝાન દરમિયાન સીઝફાયરના નિર્ણયની ચારેકોર પ્રસંશા થઈ હતી. પરંતુ હવે સુરક્ષા બળોને નિર્દેશ દેવામાં આવી રહ્યો છે કે, આતંકવાદીઓને તેમના નાપાક ઈરાદાઓમાં સફળ થતા અટકવા માટે તમામ પ્રકારની સક્ષમ કાર્યવાહી કરવામાં આવે.

ગૃહમંત્રી રાજનાથ સિંહના આ આદેશ બાદ સેના અગાઉની માફક રાજ્યમાં આતંકવાદીઓના ખાતમા માટે ઓપરેશન ઓલ આઉટ ફરી એકવાર લોંચ કરી શકે છે. સેનાએ ઓપરેશન ઓલ આઉટ હાથ ધરીને છેલ્લા એક વર્ષ દરમિયાન જ 300 જેટલા આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે.