મુદ્દો એવો નાજુક છે કે જીભ નથી ઉપડતી - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • મુદ્દો એવો નાજુક છે કે જીભ નથી ઉપડતી

મુદ્દો એવો નાજુક છે કે જીભ નથી ઉપડતી

 | 3:22 am IST

નવલકથાઃ મહેશ યાજ્ઞિાક

લક્ષ્મી સાથેના બે દાયકાથી પણ જૂના લગ્નજીવનના અનુભવ પરથી કુંદનને લક્ષ્મીની રગેરગનો પરિચય મળી ચૂક્યો હતો. કોઈના પણ વિશે બીનજરૂરી વિધાન કરવાની એને આદત નહોતી. કોઈના માટે અભિપ્રાય આપવાનો હોય ત્યારે પૂરું સમજી-વિચારીને ગંભીરતાપૂર્વક એ સાચું બોલતી. મનમાં લગીર પણ શંકા હોય અથવા કોઈ બાબતની પૂરી ખાતરી ના હોય ત્યારે એ મૂંગી જ રહેતી. લક્ષ્મીના આવા સ્વભાવનો પરિચય હતો એટલે અત્યારે એ જે બોલી, એ સાંભળીને કુંદનને જોરદાર ઝાટકો લાગ્યો. પ્રશ્નાર્થ નજરે એ લક્ષ્મી સામે તાકી રહ્યો.

“સવારથી માંડીને મોડી રાત સુધી આપણે ત્યાં રહ્યા, એ દરમ્યાન આપણા કુટુંબના છ એ છ બાળકો જે ધિંગા-મસ્તી કરતા હતા એ જોવાની તક મળી. એમાં અમુક વાતમાં વધુ રસ પડયો એટલે ઝીણવટથી નિરીક્ષણ કર્યું…” લક્ષ્મીના અવાજમાં આત્મવિશ્વાસનો રણકાર ઉમેરાયો. “અભિમાન નથી કરતી, પણ ચહેરાના હાવભાવ પારખવાની સૂઝ ઈશ્વરે મને થોડીક વધારે આપી છે. એ નિરીક્ષણના આધારે મને એવું લાગ્યું કે આપણા પરિવાર ઉપર ગમે ત્યારે અણધારી આફત આવશે…”

“માણસને પારખવાની તારી સૂઝ અને સમજ માટે માન છે, પણ અત્યારે તું કહે છે એની ટપ્પી નથી પડતી…” કુંદને એનો હાથ જકડીને પૂછયું. “ગોળ ગોળ વાત સમજવાની મારામાં અક્કલ ઓછી છે. ચોખ્ખું કહે કે કઈ ટાઈપની ઉપાધિ આવવાની છે?”

“મુદે એવો નાજુક છે કે જીભ નથી ઉપડતી…” લક્ષ્મી બબડી. “ઈશ્વરને પ્રાર્થના કરું છું કે મારું નિરીક્ષણ ખોટું પડે!”

“હવે મારી ધીરજ ખૂટી છે…” કુંદને એને હડબડાવીને પૂછયું. “વાતમાં વધારે મોણ નાખ્યા વગર જે હોય એ સ્પષ્ટ કહી દે”

લક્ષ્મીના પાતળા હોઠ ફફડયા. શબ્દોની પસંદગી માટે એના મનમાં મૂંઝવણ હતી. એણે કુંદનનો જમણો હાથ પોતાના બંને હાથ વચ્ચે જકડીને કહ્યું, “પહેલા મને વચન આપો કે હું જે કહું એ સાંભળ્યા પછી પણ તમારે એ અંગે કઈ કરવાનું નથી. સાંભળીને તરત ભૂલી જવાનું. વાત આ ઓરડાની બહાર ના જવી જોઈએ પ્રોમિસ?”

“જેન્ટલમેન પ્રોમિસ…” એવી તે કઈ વાત હશે એ જાણવાની કુંદનની અધીરાઈ પણ ચરમસીમાએ પહોંચી હતી એટલે એણે તરત વચન આપ્યું. “સાંભળીને તરત ભૂલી જઈશ.”

“લિસન…” લક્ષ્મીનો અવાજ વધુ ગંભીર બન્યો. “વર્તન જોઈને એને પારખવામાં મારી કોઈ ભૂલ કે ગેરસમજ હોય તો ઈશ્વર મને માફ કરે…” એણે કુંદન સામે જોયું. “માથે રાત જેવું ધાબું છે એટલે જરાયે ખોટું નહીં બોલું. આપણા કુટુંબના બધાય બાળકો માટે મને તો આપણા આદિત્ય અને કેસર જેટલી જ લાગણી છે; પણ વર્તન શંકાસ્પદ લાગ્યું એટલે તમારી પાસે મોઢું ખોલું છું…”

એ સહેજ અટકી એટલીવાર કુંદન શ્વાસ રોકીને એની સામે તાકી રહ્યો હતો.

“અનિલભાઈનો સમીર અને મુકેશભાઈની દેવાંશી વચ્ચેનો સંબંધ મને વિચિત્ર લાગ્યો…” લક્ષ્મીએ રહસ્ય ખોલ્યું. “એ છ ભાઈ-બહેન સાથે મસ્તી કરતા હતા, એમાં આદિત્ય, કેસર, પિન્ટુ અને ઈશાનનું વર્તન સાવ સાહજિક હતું પણ સમીર અને દેવાંશીની બોડી લેંગ્વેજ મને બહુ વિચિત્ર લાગી. એમનું વર્તન ભાઈ-બહેન જેવું નહોતું, પ્રેમી અને પ્રેમિકા જેવું હતું!”

ધરતીકંપનો આંચકો આવ્યો હોય એમ કુંદન હચમચી ઉઠયો. એ બંનેના વર્તનમાં કંઈક અજુગતું લાગ્યું હશે ત્યારે જ લક્ષ્મી આટલી ગંભીરતાથી વાત કરે એનો એને ખ્યાલ હતો. સગા કાકા-કાકાના ભાઈ-બહેન વચ્ચે જો આવો સંબંધ હોય તો કુટુંબ માટે એ નાલેશીરૂપ ઘટના ગણાય.

“મારી કદાચ ભૂલ પણ થતી હોય….” કુંદનનો હાથ જકડીને લક્ષ્મી કરગરી. “ભૂલેચૂકેય તમે આ વાતનો ક્યાંય ઉલ્લેખ પણ ના કરતા…” એના અવાજમાં આૃર્યની સાથે પીડા ભળી. “મારી ભૂલ થતી હોય તો ઈટ ઈઝ વેલ એન્ડ ગુડ. પણ એક વાતની મને નવાઈ લાગે છે. આજના એક દિવસમાં મને અણસાર આવ્યો અને શંકા પડી; તો પછી મીનાભાભી અને અલકાભાભીને હજુ સુધી કોઈ ગંધ નહીં આવી હોય?….”

એ બોલતી હતી ત્યારે કુંદન ઊંડા વિચારમાં ડૂબી ગયો હતો.

“પોળમાં રહેતા હતા ત્યારે બાજુની પોળના ફલાણા ભાઈની છોકરી કેવી લટકમટક ચાલે છે એના વિશે પણ એ બંને જેઠાણીઓ ચર્ચા કરતી હતી; અને અત્યારે ઘરમાં શું ચાલે છે એનું ધ્યાન નહીં હોય?…” કુંદન સામે આ પ્રશ્નો રમતા મૂકીને એણે જાતે જ ઉત્તર શોધીને ઉમેર્યું. “અલબત્ત, આ ભાઈ-બહેન વચ્ચે આવો સંબંધ છે એની તો કોઈને કલ્પના પણ ના હોય ને? સરખી ઉંમરના ભાઈ-બહેન ધમાલમસ્તી કરે અને એમાં એકબીજાના શરીરનો સ્પર્શ થાય તો એ પણ નિર્દોષતાપૂર્વક જ થયો હે એવી એમની ધારણા હોય એ બહુ સ્વાભાવિક છે…”

“તારું નિરીક્ષણ સાચું હોય તો એમને અટકાવવા જોઈએ…” ગંભીરતાથી વિચારીને કુંદન બોલ્યો. “બાળક બુદ્ધિમાં એ લોકો આગળ વધી જાય એ અગાઉ એમને સખ્તાઈથી રોકી લેવા જોઈએ…”

લક્ષ્મીએ એકદમ કુંદનનો હાથ પકડી લીધો. “તમને મારા અને કેસરના સમ છે. પાક્કી ખાતરી ના થાય ત્યાં સુધી તમારે કંઈ કરવાનું નથી. મુકેશભાઈ અને મીનાભાભીને પણ આંખો છે. એમની દેવાંશી શું કરે છે એનો એમને તો ખ્યાલ હશે ને? અનિલભાઈ અને અલકાભાભી તો આપણાથીયે ચાલાક છે. એમનો સમીર કયાં સંતાકૂકડી રમે છે એ એમના ધ્યાનમાં નહીં હોય?…” લક્ષ્મીએ મક્કમતાથી ઉમેર્યું. “મામલો નાજુક છે. આપણે બોલીને ભૂંડા થવાની જરૂર નથી.”

પતિના ચહેરા પરનો ઉચાટ પારખીને લક્ષ્મીએ સમજાવ્યું. “કુટુંબની આબરૂની ચિંતા બંને મોટાભાઈઓ કરતા તમને વધારે છે એ જાણું છું. એક કામ કરો. કશો ફોડ પાડયા વગર તમે તમારી રીતે નિરીક્ષણ કરો. દસ-પંદર દિવસે એકવાર આંટો મારીને બે-ત્રણ કલાક ત્યાં રોકાઈને એ બંનેનું વર્તન ચકાસો. મારી જેમ તમને પણ એમનો વ્યવહાર શંકાસ્પદ લાગે તો અને માત્ર તો જ આગળનું વિચારજો. બાકી તો સહુ પોતપોતાનું નસીબ લઈને આવ્યા છે. એમનું ભાગ્ય જ ભમરાળું હોય તો આપણી ભક્તિ ના ચાલે.” “યુ આર રાઈટ….” કુંદને એની વાત સ્વીકારી. “સમીર આપણો દીકરો છે અને દેવાંશી પણ આપણી દીકરી છે. પૂરી ખાતરી વગર એ બચ્ચાંઓને બેઈજ્જત ના કરાય…”

“બહુ મોડું થઈ ગયું છે, અત્યારે સૂઈ જાવ…” લક્ષ્મીએ લાઈટ બંધ કરી. “તમારું ધ્યાન દોરવાની મારી ફરજ પૂરી કરી. તમારી રીતે ચૂપચાપ તપાસ કરજો…”

થોડીવારમાં લક્ષ્મી ઊંઘી ગઈ પણ કુંદનની ઊંઘ ઊડી ગઈ હતી. જાતજાતના વિચારો વચ્ચે એ વલોવાતો રહ્યો.

બીજી સવારે મુકેશે ચા-નાસ્તો પતાવ્યો ત્યારે નવ વાગી ગયા હતા અને પિન્ટુ હજુ ઊંઘતો હતો. “બર્થ ડે પાર્ટી ગઈ કાલે પતી ગઈ…” મુકેશે મીના સામે જોયું. તારા રાજકુંવરને જગાડ. કહે કે ઓફિસ જવાનું મોડું થાય છે…”

પિન્ટુના રૂમના બારણે જઈને મીનાએ બૂમ પાડી. આંખો ચોળતો પિન્ટુ આવીને મુકેશની પાસે બેસી ગયો. મીના એના માટે ચા-નાસ્તો લઈને આવી. મુકેશ આૃર્યથી એ બંનેની સામે જોઈ રહ્યો. “હજુ બ્રશ બાકી છે…” એણે મીનાને કહ્યું,

“સાહેબ, તમે પિન્ટુ કે દેવાંશીનું ધ્યાન નથી રાખતા એટલે તમને કંઈ ખબર નથી…” મીનાએ હસીને પતિને સમજાવ્યું. “એ લોકો નહાતી વખતે બ્રશ કરે છે…”

એ બોલતી હતી એ દરમ્યાન પિન્ટુએ ચા-નાસ્તો શરૂ કરી દીધો હતો.

“નાસ્તો પતાવીને ફટાફટ તૈયાર થઈ જા…” મુકેશે પિન્ટુ સામે જોયું. “તારે લીધે મારેય મોડું થાય છે.”

“મારા માટે મોડું કરવાની જરૂર નથી…” મોઢામાં કોળિયો ભરીને પિન્ટુ બબડયો. “તમે કાર લઈને નીકળી જાવ. હું બાઈક લઈને આવી જઈશ…”

છ ફૂટ ઊંચા દીકરા સામે મુકેશ લાચારીથી જોઈ રહ્યો. આ નવી પેઢીમાં જવાબદારીની ભાવના ક્યારે આવશે? જરાયે ઉતાવળ વગર પિન્ટુ નાસ્તો કરી રહ્યો હતો. એને કશું કહ્યા વગર મુકેશે કારની ચાવી હાથમાં લીધી અને ઊભો થયો.

એ કાર પાસે ઊભો હતો ત્યારે બાજુના બંગલામાંથી બહાર નીકળીને સમીર આ તરફ આવ્યો. હાથમાં બાઈકની ચાવી રમાડતો એ પાસેથી પસાર થયો ત્યારે પરફ્યુમની મહેક મુકેશને સ્પર્શી. કાર સ્ટાર્ટ કરીનેએ નીકળી ગયો.

“ચાલ નાસ્તો કરવા…” સમીર અંદર ડાઈનિંગ ટેબલ પાસે પહોંચ્યો એટલે પિન્ટુએ એને આગ્રહ કર્યો. મીનાએ પણ ખુરસી પર બેસવા ઈશારો કર્યો. “નાસ્તો પતાવીને જ આવ્યો છું. અડધી ચા આપી દો, કાકી…” મીનાને આટલું કહીને એ ખુરસી પર બેઠો. એ ચા પીતો હતો એ વખતે દેવાંશી તૈયાર થઈને આવી ગઈ. ચાનો ખાલી કપ ટેબલ પર મૂકીને સમીર ઊભો થયો.

“મમ્મી, પાંચેક વાગ્યે આવી જઈશ…” સમીરની સાથે બહાર નીકળતી વખતે દેવાંશીએ મીનાએ કહ્યું, “શીલાની મમ્મી ઈમિટેશન જવેલરીનો બિઝનેસ કરે છે. કાલથી એમનું સેલ કમ એક્ઝિબિશન શરૂ કરવાનું છે; એટલે આ પાંચ દિવસ ફૂલટાઈમ શીલાની સેવામાં રહેવું પડશે. સેલમાં નજર રાખવા માટે વિશ્વાસુ વ્યક્તિની એમને જરૂર છે.”

“બહારનું આચરકૂચર ખાવા ઉપર કંટ્રોલ રાખજે…” મીના સલાહ આપતી હતી એની સામે હકારમાં માથું હલાવીને દેવાંશી સમીરની સાથે બહાર નીકળી. સમીરે બાઈક ચાલુ કર્યું અને એ પાછળ ગોઠવાઈ ગઈ.

“પિન્ટુ, તારા પપ્પા કંઈ કહેતા નથી, પણ તારું વર્તન એમને ગમતું નથી…” ઘરમાં મા-દીકરો એકલા પડયા ત્યારે મીનાએ પિન્ટુને સમજાવ્યું. “એમની સાથે તું ધંધામાં સેટ થાય એ માટે થઈને એમણે કલબનો કારોબાર છોડી દીધો. થોડોક સિરિયસ થઈને એમની સલાહ માનીશ તો તને જ ફાયદો છે…”

“એમણે મને પૂછેલું?…” પિન્ટુએ સામો સવાલ કર્યો. “મને તો કાગળના કારોબારમાં કસ નથી લાગતો. એમનું માન રાખવા માટે રોજ ટાઈમ બગાડું છું…” સહેજ વિચારીને એણે ઉમેર્યું. “કલબનો ધમધોકાર ધંધો કુંદનકાકાને આપી દેવાની શું જરૂર હતી? મને કહ્યું હોત તો વટથી આખી કલબ સંભાળી લેતો. મારા ભવિષ્યનું વિચાર્યા વગર એમણે આખી કલબ કાકાને આપી દીધી…”

મીના ડઘાઈને સાંભળતી હતી. પિન્ટુના ચહેરા ઉપર જે અણગમો તરવરતો હતો એ જોઈને એને ચિંતા થતી હતી.

“કુંદનકાકાએ કલબ મફતના ભાવમાં પડાવી લીધી. અનિલકાકાએ પણ એવી જ લુચ્ચાઈ કરી. એ બંનેએ ભેગા થઈને પપ્પાને બેવકૂફ બનાવ્યા….” એણે મીના સામે જોયું. “મમ્મી, તારામાં અકક્લ નથી? એ વખતે હું તો નાનો હતો પણ તારાથી એમને રોકાય નહીં? આખેઆખો મલાઈદાર ધંધો મફતમાં આપી દીધો અને હવે મજૂરી કરવી પડે છે. તમે બંને બહુ ભોળા છો, એટલે પેલા લોકો તમને ભરમાવી ગયા…”

“એક વાતનો જવાબ આપ…” મીનાએ ઠાવકાઈથી પૂછયું. “આ કાગળના ધંધામાં મજૂરી ક્યાંથી આવી?”

“એ તને નહીં સમજાય…” પિન્ટુએ ચિડાઈને જવાબ આપ્યો. “સેલ્સટેક્સથી માંડીને ગુમાસ્તધારાના કારકૂનોય લોહી પીવે. જાતજાતના ચોપડાની જફા કરવાની. તોલમાપ ખાતાનો કારકૂન આવે તો એનેય સાહેબ સાહેબ કહીને સાચવવાનો….ઉધાર માલ લઈ ગયા હોય એ વેપારીઓ પાસેથી પૈસા કઢાવવા માટે કરગરવાનું. આવા સત્તર જાતના લફરામાં મજા શું આવે? જેટલા સરકારી અધિકારી આવે એમને પપ્પા સલામ મારે ત્યારે મારું લોહી ઉકળી ઉઠે છે. એવા ત્રણ ટકાના માણસોની તાબેદારી વેઠવાની?…”

એક શ્વાસે આટલો ઉભરો ઠાલવીને એ લગીર અટક્યો. “કલબના ધંધામાં આવો કોઈ કકળાટ નહોતો. એકમાત્ર પોલીસખાતાને સાચવી લો એટલે તમે રાજા! કુંદનકાકો ખુલ્લી જીપમાં નીકળે છે ત્યારે બધા દુકાનવાળા સલામ મારે છે. એનું નામ વટ કહેવાય…” એના અવાજમાં ધિક્કાર ઉમેરાયો.”વટવાળો રોકડિયો ધંધો એ ધુરંધરે ધૂતી લીધો અને પપ્પાને આ પંતૂજી જેવો ધંધો પહેરાવી દીધો!”

મીના સ્તબ્ધ હતી. પિન્ટુએ પહેલીવાર આવો ઉભરો ઠાલવ્યો હતો. આ છોકરો એના મનમાં કેવા કેવા વિચાર ધરબીને બેઠો છે એ જાણીને એને ઊંડો આઘાત લાગ્યો હતો. પોતાનો દીકરો કાયદેસરના ધંધામાં આગળ વધીને સમાજમાં મોભાદાર સ્થાન મેળવે એ માટે મુકેશે કલબનો કારોબાર છોડીને કાગળના ધંધામાં ઝંપલાવ્યું હતું. આજે એ દીકરો બંડ પોકારીને બબડે છે કે આ મજૂરીને બદલે કલબનો ધંધો વધુ કસદાર હતો…

“તું માને છે એવું નથી, દીકરા!…” પિન્ટુ થોડોક શાંત પડયો છે એવું લાગ્યું એટલે એણે સમજાવ્યું. “કુટુંબના મોભી તરીકે તારા પપ્પાએ સમજી-વિચારીને આ પગલું ભર્યું છે. એ ડફોળ નથી. દૂરંદેશી વાપરીને એમણે તને આ ધંધાની લાઈન આપી છે. અનિલકાકા કે કુંદનકાકા તારા પપ્પાને છેતરી શકે એ વાતમાં માલ નથી. સજ્જનતા અને સારપ દેખાડીને તારા પપ્પાએ નાનાભાઈઓને કદાચ થોડો વધારે હિસ્સો આપ્યો હોય તો એ એમની મૂર્ખામી ના કહેવાય, મહાનતા કહેવાય…”

દીકરાના ખભે હાથ મૂકીને એણે આગળ કહ્યું, “કાગળના ધંધામાં મજા ના આવતી હોય તો તારી રીતે બીજો કોઈ બિઝનેસ શોધી કાઢ. કાપડનો કે કન્સ્ટ્રક્શનનો ધંધો કરવો હોય તોય તારા પપ્પા ના નહીં પાડે…” એણે હસીને ઉમેર્યું. “મારી પાસે મનનો ભાર હળવો કર્યો એટલી ઉગ્રતાથી નહીં, પણ શાંત ચિત્તે તારા પપ્પા સાથે ચર્ચા કરીને કંઈક ઉપાય શોધી કાઢ. મારી જોડે માથાકૂટ કરવાને બદલે એમને કન્વીન્સ કર…”

“કહીશ…એમને પણ આવી જ રીતે કહીશ…” પિન્ટુની કમાન ફરીથી છટકી. “જરાયે રસ ના હોય એવા કામમાં મજૂરી કરવાનો શું મતલબ?…”મીના સામે ધારદાર નજરે જોઈને એણે રણક્તા અવાજે કહ્યું, “મને એમની બીક નથી લાગતી. ધડ દઈને પૂછીશ કે કુંદનકાકાને કલબ આપી દેવાની શું જરૂર હતી? હું નહોતો?…” ઉશ્કેરાટથી એના હાથની મુઠ્ઠીઓ ઉઘાડ-બંધ થતી હતી. “હું કોઈનાથી નથી બીતો. કુંદનકાકો કચકચ કરે તો કચકચાવીને એમને કરડવાની તાકાત છે મારામાં…”

“તારું મગજ શાંત રાખ, દીકરા!…” પુત્રની પાસે બેસીને એની પીઠ પર હાથ ફેરવીને મીનાએ એને સમજાવવા પ્રયત્ન કર્યો. “તારા પપ્પાએ જે કર્યું છે એ સમજી વિચારીને કર્યું છે. કોઈ કાકા આપણા દુશ્મન નથી. કયારેક તકલીફ આવે ત્યારે આ કાકાઓ જ આપણી પડખે ઊભા રહેશે. બહારનું કોઈ મદદ કરવા નહીં આવે…” અત્યંત પ્રેમથી પુત્રના ગુસ્સાને શાંત પાડવા એ મથતી હતી. “ધંધાની લાઈન બદલવી હોય તો શાંતિથી તારા પપ્પા જોડે ચર્ચા કરીને તારી ઈચ્છા પૂરી કરજે. હું મારી રીતે એમને સમજાવવામાં કોઈ કસર નહીં છોડું. સટ્ટો-જુગાર કે દારૂ સિવાયના કોઈપણ ધંધામાં ઝૂકાવી દે…”

ઘડિયાળ સામે નજર કરીને એણે પિન્ટુને ઊભો કર્યો. “તારા પપ્પા ચિંતા કરતા હશે. તૈયાર થઈને તું ભાગ. કન્સ્ટ્રકશનના ધંધામાં રસ હોય તો એકાદવાર નાનજીકાકાને મળી આવજે. એ તને સાચી સલાહ આપશે.”

પિન્ટુ ગયો એ પછી ક્યાંય સુધી મીના એમને એમ બેસી રહી. આજે પિન્ટુએ જે વર્તન કર્યું એ જોઈને એને શાસ્ત્રીજીની અમંગળ આગહી યાદ આવી ગઈ…પિન્ટુ અને દેવાંશી બંનેના જન્માક્ષરમાં કલંક યોગ છે. એ બંને એવા કામ કરશે કે એમને જન્મ આપવા બદલ તમને પારવાર પસ્તાવો થશે….કાનમાં એ શબ્દોના ભણકારા વાગતા હતા એ જ વખતે મેળવણ લેવા માટે અલકા આવી. એને લીધે મીનાને વિચારોના આટાપાટામાંથી મુક્તિ મળી.

દસેક દિવસ પછી લક્ષ્મીએ કુંદનને યાદ કરાવ્યું. “તમે પેલી તપાસ કરાવી?” કુંદન કંઈ જવાબ આપે એ અગાઉ ફોન રણકયો. કુંદને ફોન ઉઠાવ્યો. વાત સાંભળતી વખતે એના ચહેરાના હાલભાવ જોઈને લક્ષ્મી ફફડતી હતી.

“અમે ત્યાં આવીએ છીએ…” આટલું કહીને કુંદને ફોન મૂક્યો. પછી લક્ષ્મી સામે જોયું.

“તારું અનુમાન સાચું પડયું…” એના અવાજમાં પારાવાર પીડા છલકાતી હતી. “મુકેશભાઈનો ફોન હતો. એમની દેવાંશી અને અનિલનો સમીર ભાગી ગયા છે…”

(ક્રમશઃ)

[email protected]