The police caught the victim doctor yashesh dalal at vadodara in Gujarat
  • Home
  • Baroda
  • હવસખોર ડોક્ટર યશેષ દલાલ ઝડપાયો, પોલીસને જોઇ ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો

હવસખોર ડોક્ટર યશેષ દલાલ ઝડપાયો, પોલીસને જોઇ ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો

 | 8:29 am IST

ફિઝિયોથેરાપિસ્ટ યુવતી સાથે દુષ્કર્મ આચરવાના ચકચારી કેસમાં છેલ્લા એક સપ્તાહથી નાસતા ફરતાં અકોટાના લંપટ ન્યુરોસર્જન ડો. યશેષ દલાલને સોમવારે મોડીસાંજે મુંબઈ મલબરા હીલ ખાતે આવેલા સબંધીના ફ્લેટમાંથી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો હતો. પોલીસના સકંજામાં આવતાં જ ડો. દલાલ રડી પડયો હતો.

આરોપી ડોક્ટરને પકડવાનું ઓપરેશન કેવી રીતે પાર પાડયું, તેની માહિતી આપતાં ડીસીપી ક્રાઈમ જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મુંબઈના વાલકેશ્વર ખાતે દિવ્યલોક એપાર્ટમેન્ટના 202 નંબરના મકાનમાં રહેતાં ઉપેન્દ્ર શેઠના ઘરે ડો. યશેષ દલાલ સંતાયો છે, તેવી માહિતી અમને ટેકનીકલ સોર્સ તથા બાતમીદાર દ્વારા મળી હતી.

આરોપીને પકડવા એક ટીમને તાબડતોબ મુંબઈ રવાના કરાઈ હતી. મોડીસાંજે અમારી ટીમ ઉપેન્દ્ર શેઠના ઘરે પહોંચી ગઈ હતી. તે વખતે આરોપી ડો. દલાલ ઘરમાં હાજર ન હતો. જેથી ઘરમાં હાજર સભ્યો તેને જાણ ન કરી દે, તે માટે તમામના મોબાઈલ ફોન લીધા હતા. લગભગ દોઢ કલાક સુધી રાહ જોયા બાદ સાડાસાત વાગ્યાની આસપાસ ડો. દલાલ કોલરવાળી સફેદ ટી-શર્ટ અને રાખોડી કલરનું પેન્ટ પહેરી ઘરમાં દાખલ થયો હતો. અમારી ટીમ સિવીલ ડ્રેસમાં હોવાથી તે ઓળખી શક્યો ન હતો. ત્યારબાદ આરોપીનેે ક્રાઈમ બ્રાંચ વડોદરા તેવું કહેતાં જ તેના ટાંટિયા ઢીલા થઈ ગયા હતા.

આરોપી છેલ્લા ત્રણ દિવસથી અહીંના મકાનમાં સંતાયો હતો. તેને પકડીને વાહનમાં બેસાડી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, ડો. યશેષ દલાલે પોતાની સૃષ્ટિલ હોસ્પિટલમાં ફિઝિયોથેરાપિસ્ટ તરીકે નોકરી કરતી યુવતીને લગ્નની લાલચ આપી ચાર વર્ષ સુધી હવસનો શિકાર બનાવી હતી. તા. 10મીએ ડોક્ટરના વોટ્સઅપ સ્ટેટ્સ પર યુવતીના બિભત્સ ફોટા પણ વાઈરલ થઈ ગયા હતા. જેને લઈ મામલો વધુ ગંભીર બન્યો હતો. આ ઘટનાને પગલે એક્શનમાં આવેલી જેપી રોડ પોલીસે તા. 11 ફેબ્રુઆરીએ યુવતીની ફરિયાદના આધારે ડો. દલાલ વિરુદ્વ દુષ્કર્મનો ગુનો નોંધ્યો હતો.

ડો. યશેષ દલાલની આગોતરા જામીનની આજે સુનાવણી થશે

ફિઝિયોથેરાપિસ્ટ યુવતિ સાથે દુષ્કર્મ ગુજારવાનો આરોપ ધરાવતાં શહેરના ન્યુરો સર્જન ડો. યશેષ દલાલે પોલીસની ધરપકડથી બચવા માટે કોર્ટમાં દાખલ કરેલી આગોતરા જામીન અરજીની સુનાવણી આવતીકાલે હાથ ધરાશે.ડો. યશેષ દલાલ સામે તા. 11મી ફેબ્રુઆરીએ જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાઈ હતી.

તે દિવસથી ડોકટર ફરાર છે. પોલીસની ધરપકડથી બચવા માટે તેમણે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકી હતી. જેની આજે સુનાવણી થવાની હતી. પોલીસની સાથે સરકારી વકીલ અને ફિઝિયોથેરાપિસ્ટ યુવતિ તરફે વિથ પ્રોસિકયુશનમાં સિનિયર એડવોકેટ પણ દલીલો કરવા માટે તૈયારી સાથે આવ્યા હતા. પરંતુ અનીવાર્ય સંજોગોના કારણે સુનાવણી હાથ ધરાઈ શકાઈ નહતી.

સિમકાર્ડ લેવા બહાર નીકળ્યાં અને પોલીસની એન્ટ્રી પડી

ડો. યશેષ દલાલ મોબાઈલ ફોનનું સિમકાર્ડ લેવા માટે ભત્રીજી સાથે ગયા હતા. તે દિશામાં પોલીસે હજુ પૂછપરછ શરુ કરી નથી. ક્રાઈમ બ્રાન્ચ પાસે પ્રાથમિક માહિતી છે કે ડો. દલાલ છેલ્લા ૩ દિવસથી મુંબઈ મલાબાર હિલ એરિયામાં પીતરાઈભાઈ ઉપેન્દ્ર શેઠના ઘરે રોકાયા હતા. સોમવારે તેઓ મોબાઈલ ફોનનું સિમકાર્ડ ખરીદવા ગયા હતા અને પોલીસની બંગલામાં એન્ટ્રી પડી હતી.

ડો. યશેષ દલાલ સાત દિવસમાં ક્યાં ક્યાં રહ્યો તેની તપાસ થશે

બળાત્કાર કેસની તપાસ સંભાળ્યાના 24 કલાકમાં જ ક્રાઈમ બ્રાંચે ડો. યશેષ દલાલને દબોચી લીધો હતો. મધરાતે આરોપીને વડોદરા લવાયો હતો. મંગળવારે આરોપીનો મેડિકલ ટેસ્ટ કરાશે. તેમજ તેણે ફિઝિયોથેરાપિસ્ટ યુવતીને મુંબઈ, વડોદરા થતા વાસદ પાસેના જે ફાર્મમાં હવસનો શિકાર બનાવી છે, ત્યાં તપાસ થશે. ડો. દલાલે અન્ય કોઈને મહિલાઓને જાળમાં ફસાવી છે કે કેમ? તેની પણ ક્રાઈમ બ્રાંચ તપાસ કરનાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન