ગુજરાતમાં આ તારીખથી વિધિવત ચોમાસું બેસવાની સંભાવના - Sandesh
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં આ તારીખથી વિધિવત ચોમાસું બેસવાની સંભાવના

ગુજરાતમાં આ તારીખથી વિધિવત ચોમાસું બેસવાની સંભાવના

 | 9:16 pm IST

નૈઋત્યનું ચોમાસુ રાજ્યમાં તેના પ્રથમ ચરણમાં આ વર્ષે નબળું પુરવાર થવાની ભીતિ સર્જાવા પામી છે. ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયા મુજબ ચોમાસુ આગામી તા. ૨૧મીથી રિવાઈવ થવાની શકયતા છે અને મધ્ય મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં તે ફરી આગળ વધશે, પરંતુ તા. ૨૨થી ૨૮ દરમિયાનના ગાળામાં પણ ગુજરાતમાં સામાન્યથી ઓછા વરસાદની સ્થિતિમાં કોઈ મોટો સુધારો થવાની શકયતા નહીં હોવાનું જણાવાયું છે. આ સાથે જ અમેરિકાના વોશિંગ્ટન સ્થિત ખાનગી વેધર ફોરકાસ્ટ એજન્સી અર્થસેટ દ્વારા પણ હજુ બેથી ત્રણ સપ્તાહ સુધી ચોમાસુ નબળું રહેવાની આગાહી થઈ છે. આ સમયમાં હળવા વરસાદી ઝાંપટા સિવાય ભારે વરસાદની કોઈ શકયતા નથી.

હવામાન વિભાગે જાહેર કરેલા આગામી તા. ૨૮મી સુધીના વર્તારામાં જણાવાયું છે કે, તા. ૨૦મીથી ચોમાસુ રિવાઈવ થશે પરંતુ આ સમયમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં સામાન્યથી ઓછો વરસાદ રહેશે. જ્યારે ત્યાર બાદના સપ્તાહમાં વરસાદ શરૃ થાય તો પણ સારા વરસાદની અપેક્ષા ખૂબ ઓછી છે. હવામાન વિભાગના મતે બંગાળના અખાતમાં ચોમાસાને ખેંચી લાવે એવું એક લો પ્રેશર ગત તા. ૧૦મીએ સર્જાયું હતું અને આ સિસ્ટમ એક જ દિવસમાં બાંગ્લાદેશ પહોંચીને વિખેરાઈ ગઈ હતી. જ્યારે હવે આગામી બે સપ્તાહ સુધી લો પ્રેશર કે ડિપ્રેશન સર્જાવાની શકયતા ખૂબ ઓછી હોવાનું જણાવાયું છે.

આ સંજોગોમાં ગુજરાતમાં ચાલુ મહિનાના અંત સુધી રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન સામાન્યથી ચારથી પાંચ ડિગ્રી વધુ રહેવાની શકયતા છે. જ્યારે વરસાદ ખેંચાવાની સ્થિતિમાં સુરતમાં આજે અસહ્ય બફારાએ ઉપાડો લીધો હતો. શહેરનું તાપમાન આજે મહત્તમ ૩૪.૦ અને ન્યૂનતમ ૩૦.૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે હવામા ભેજનું પ્રમાણ ૬૯ ટકા અને હવાનું દબાણ ૧૦૦૩.૯ મિલિબાર જેટલું ઊંચું રહ્યું હતું. આ સાથે જ આજે પવન દક્ષિણ પિૃમ દિશાનો દરિયાપારનો પ્રતિ કલાક ૧૭ કિલો મીટરની ઝડપનો રહ્યો હતો. જેને કારણે આજે ફરી સવારથી ડસ્ટ સ્ટોર્મ છવાયેલું રહ્યું હતું.

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં એક માત્ર આજે વલસાડ ખાતે થોડો સમય હળવા વરસાદી ઝાપટા પડયા હતા પરંતુ વલસાડમાં પણ પારો ૩૫.૦ અને ૨૩.૧ ડિગ્રી જેટલો ઊંચો રહ્યો હતો.