પરિણામ જાહેર કરવા ફોર્ટિસ હેલ્થ કેરે પખવાડિયાની મહેતલ માગી   - Sandesh
  • Home
  • Business
  • પરિણામ જાહેર કરવા ફોર્ટિસ હેલ્થ કેરે પખવાડિયાની મહેતલ માગી  

પરિણામ જાહેર કરવા ફોર્ટિસ હેલ્થ કેરે પખવાડિયાની મહેતલ માગી  

 | 5:09 am IST

નવી દિલ્હી  તા.૧૩

બીજા અને ત્રીજા ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કરવા ફોર્ટિસ હેલ્થ કેરે બીએસઇ પાસે એક પખવાડિયાની મહેતલ માગી છે. નિર્ધારિત બોર્ડ મિટીંગ પૂર્વે ઓડિટનું કામ પૂરું કરવામાં ઓડિટર્સની અશક્તિનું કારણ કંપની દ્વારા આગળ ધરવામાં આવ્યું હતું. કંપનીનું બોર્ડ ૨૦૧૭ના વર્ષના જુલાઇ – સપ્ટેમ્બર અને ઓકટોબર – ડિસેમ્બરના નાણાકીય પરિણામો ઉપર ૧૩મી ફેબ્રુઆરીની બેઠકમાં ચર્ચાવિચારણા કરવાનું હતું.

સિંઘ બંધુઓએ બોર્ડની મંજૂરી વિના ઉપાડેલી રૂ.૫૦૦ કરોડની રકમનો હિસાબ આપવામાં આવે અથવા તો રકમ પરત આપવામાં આવે નહીં ત્યાં સુધી પરિણામો ઉપર સહી કરવાનો ઓડિટર ડિલોઇટ હાસકિન્સ એન્ડ સેલ્સ દ્વારા ઇન્કાર કરવામાં આવ્યો હોવાથી નિર્ધારિત ૪૫ દિવસના સમયગાળામાં કંપની બીજા માસિક ગાળાના પરિણામ જાહેર કરી શકી ન હતી.

કંપનીએ બીએસઇને જણાવ્યું હતું કે રૂ.૪૭૩ કરોડની લોન પૂરતી સુરક્ષિત છે અને આ રકમ પરત આપવાની શરૂઆત થઇ ચૂકી છે.

૨૦૧૭ના ૩૦ સપ્ટેમ્બરે પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે અન ઓડિટેડ પરિણામ સુપરત નહીં કરવા બદલ ફોર્ટિસ હેલ્થ કેરે સ્ટોક એક્સચેન્જોને રૂ.૬૫.૯૮ લાખનો દંડ ભર્યો છે, એમ કંપનીએ વધુમાં જણાવ્યું હતું. સિંઘ બંધુઓના રાજીનામાને પગલે બોર્ડના સભ્યોની સંખ્યા સાત ઉપરથી ઘટીને પાંચ થઇ જશે.

બંને ત્રિમાસિક ગાળાના પરિણામ સુપરત કરવા માટે ફોર્ટિસ હેલ્થ કેરે ૨૮ ફેબ્રુઆરી સુધીનો સમય માગ્યો છે.

ન્યૂયોર્કની ખાનગી ઇકવીટી કંપની સિગ્યૂલેર ગ્યુફ એન્ડ કંપનીએ માંડેલા કેસનો સામનો પણ સિંઘ બંધુઓ કરી રહ્યા છે. આ કંપનીએ એવો આક્ષેપ કર્યો છે કે પોતાનું અંગત કરજ ચૂકવવામાં સહાયરૂપ થાય એ માટે સિંઘ બંધુઓએ તેમના અંકુશ હેઠળની એક કંપનીમાંથી નાણા સેરવી લીધા હતા.

દરમિયાન ફોર્ટિસ હેલ્થ કેરે જણાવ્યું હતું કે સિંગાપુરમાં લિસ્ટેડ આરએચટી હેલ્થ ટ્રસ્ટનો સમગ્ર પોર્ટફોલિયો હસ્તગત કરવા કંપનીએ એક સમજૂતી કરી છે. સૂચિત કામકાજમાં આરએચટીની રૂ.૪૬૫૦ કરોડની તમામ સિક્યૂરીટી ઉપરાંત રૂ.૧૧૫૨ કરોડના કરજનો સમાવેશ થાય છે. આ સોદામાંથી થનારી ચોખ્ખી આવકને ફોર્ટિસ સહિત યુનિટધારકોને વહેંચી દેવામાં આવશે.

;