બીજાનાં ગળાથી ખાઈ-પી શકાય? - Sandesh

બીજાનાં ગળાથી ખાઈ-પી શકાય?

 | 1:05 am IST

જીવન ધ્યાન :- ઓશો

ચેતન મનથી ઉપરના સ્તરે ત્રણ શ્રેણીઓ છે- આધિચૈતન્ય, સામૂહિક આધિચૈતન્ય અને વૈશ્વિક આધિચૈતન્ય. આના ઉપર હજુ કોઈ સંશોધન શરૂ થયું નથી. પાગલપણાની બીજા નંબરની કક્ષાની જે વાત મેં કરી હતી તે આ ત્રણ શ્રેણીઓની અંદર- આધિચૈતન્યની અંદર ચોક્કસ આવી જાય છે પણ તે કક્ષાનું પાગલપણું જરા ગહન ઊતરે તો કદાચ તે સામૂહિક આધિચૈતન્ય બની જાય. રામકૃષ્ણ જેવી વ્યક્તિ વૈશ્વિક આધિચૈતન્યના સ્તરે છે.

રામકૃષ્ણને ગળાનું કેન્સર થયું હતું. ખોરાક કે પ્રવાહી કાંઈ પણ ગળે ઉતારવું તેમના માટે અશક્ય થઈ ગયું હતું. જીવનનો અંત નજીક હોય તેમ લાગતું હતું. તેમના શિષ્યો તેમને કહી રહ્યા હતા, ‘આપ માત્ર આટલું કરો; આપની આંખો બંધ કરી દો અને આ દુઃખ દૂર કરવાનું અસ્તિત્વને કહી દો. અસ્તિત્વ આપની વાત સાંભળે જ છે.’ રામકૃષ્ણ આંખો બંધ કરી દેતા પણ પછી શું કહેવાનું છે તે બધું ભૂલી જતા. તેમના શિષ્યો રાહ જોતા બેસે. થોડીવાર પછી રામકૃષ્ણ જ્યારે આંખો ઉઘાડે ત્યારે તેમના શિષ્યો તેમને પૂછે, ‘શું થયું?’  તેઓ કહેતા, ‘કાંઇ પણ નહિ. હું જ્યારે મારી આંખો બંધ કરી દઉં છું ત્યારે બધું જ શાંત પડી જાય છે. તમે શેની અપેક્ષા રાખો છો?’

તેઓ કહેતા, ‘આપનું દુઃખ હટાવી દેવા માટે અસ્તિત્વને કહેવા માટે અમે આપને કહ્યું હતું.’ રામકૃષ્ણે તેમની કોઈ વાત સાંભળી નહિ. એટલે અંતે તેમણે તેમની પત્ની શારદાને આગ્રહ કર્યો, ‘કદાચ તમે તેમને મનાવી શકશો.’

અનિચ્છા અને નારાજગી સાથે તથા સજળ નયનોએ શારદાએ રામકૃષ્ણને કહ્યું, ‘કાંઈ પણ કરવા માટે હું આપને કહેવા માગતી નથી, કારણકે તેનો અર્થ તમારી કાર્યપ્રવૃત્તિમાં દખલ કરવી તેવો થાય. આવી દખલગીરી ન થાય તે માટે મેં આપને એક શબ્દ પણ કદી કહ્યો નથી. મારા હાથ પહોંચી શકે તેનાથી ઘણા ઊંચા સ્તરે આપ છો પણ આપના આ શિષ્યો એટલા બધા રોષે ભરાયેલા છે કે આપને કહેવા માટે મારે સંમતિ આપવી પડી છે. તે પણ માત્ર એક જ વાર-કે આંખો બંધ કરો અને અસ્તિત્વને કહો, આ મને શું કરી રહ્યા છો? મારા ગળાના આ કેન્સને દૂર કરી દો.’

તેમણે કહ્યું, ‘દરેક પત્ની તેના પતિ પાસેથી રોજે રોજ માગ્યા જ કરતી હોય છે પણ જીવનપર્યંત તમે કદી કાંઈ જ માગ્યું નથી તેથી હું તમારી ઇચ્છા પૂરી કરીશ. આ કદાચ મારા છેલ્લા દિવસો-કદાચ આજે મારો છેલ્લો દિવસ હોઇ શકે છે.’

તેમણે આંખો બંધ કરી. પછી આંખો ઉઘાડી અને કહ્યું, ‘શારદા, મેં માગ્યું. પ્રત્યુત્તરમાં મને એક અવાજ સંભળાયો, રામકૃષ્ણ, શું તમે બીજાના ગળાથી જળ કે પ્રવાહી પી શક્તા નથી? શું તમે બીજાના ગળાથી ભોજન કરી શક્તા નથી? એવું છે કે તમને તમારું જ ગળું જોઈએ? શું હજુ પણ તમને તમારા શરીર પ્રત્યેનો રાગ છૂટી ગયો નથી?’

મેં કહ્યું, ‘ના. મારે સાચું જ કહેવું પડયું.’ તેથી પેલો અવાજ બોલ્યો, ‘આજથી તમે બીજાનાં ગળાથી પીવાનું અને બીજાનાં ગળાથી ખાવાનું શરૂ કરો.’  રામકૃષ્ણ વૈશ્વિક ચૈતન્યના તબક્કે પહોંચી ગયેલા છે. આ વ્યક્તિ ભલે આપણને પાગલ લાગે, ભલે તેનું આચરણ આપણા મગજ સાથે બંધબેસતું ન હોય પણ આપણી વ્યક્તિ માટે મનોવિજ્ઞાને, પાગલપણાના આપણા ખ્યાલથી ભિન્ન એવી કોઈ કક્ષા શોધી કાઢવી જોઈએ.

આ રીતે મગજના નીચલા સ્તરે પાગલ થવાની શક્યતા છે અને તેમાં પણ વ્યક્તિ ત્રણ સ્તરે હોઈ શકે છે- એક, બિલકુલ બેહોશ અવસ્થાના પાગલ. બે, સામૂહિક બેહોશ અવસ્થાના પાગલ અને ત્રણ, વૈશ્વિક બેહોશીના સ્તરે પાગલ. જેમ જેમ નીચેના સ્તરે જતા જશો તેમ તેમ પાગલપણાની માત્રા વધતી ને વધતી જશે. વૈશ્વિક બેહોશીના સ્તરનું પાગલપણું માનવજાત માટે અતિ હીન છે. આવા પાગલપણામાં વ્યક્તિનું જીવન પથ્થર જેવુ બની જાય છે. જીવંતતા સાથેનો તેનો બધો સંપર્ક તૂટી જાય છે. ચૈતન્યથી તે માઈલોના માઈલો દૂર હડસેલાઈ જાય છે.

મનોવિજ્ઞાને આવા પાગલ લોકોને મગજના ડહાપણના સ્તરે લાવવાના પ્રયત્નો કર્યા છે પણ તેમાં તેને ધારી સફળતા મળી નથી છતાં પણ જો કોઈ વ્યક્તિ ફકત એક જ પગથિયું નીચે ઊતરી હોય તો મનોવિજ્ઞાન તેને ઉપરના સ્તરે લાવવા સક્ષમ છે. બે પગથિયાં ઊતરી ગયેલી વ્યક્તિને પરત ખેંચવાનું કામ તેને માટે મુશ્કેલ બની રહે છે અને ત્રીજા પગથિયે પહોંચી ગયેલ વ્યક્તિને પરત ખેંચવાની તરકીબ મનોવિજ્ઞાને શોધી કાઢી હોય તેવું મારી જાણમાં નથી.

આધિચૈતન્યના સ્તરેથી પરત ખેંચવાનું કામ ખૂબ જ કઠણ છે. મનોવિજ્ઞાન-ઓછામાં ઓછું પશ્ચિમનું મનોવિજ્ઞાન તો, આવા થોડાક લોકો કે જેઓ સામાન્ય સમજણ પ્રમાણે પાગલ નથી તેના ઉપર કામ કરી રહ્યું છે.

દા.ત. વિન્સેન્ટ વાન ગોઘને એક આખું વર્ષ પાગલખાનામાં ધકેલી દેવામાં આવ્યો હતો. જો કે તે પાગલ થઈ ગયો હોય તેવું મને લાગતું નથી. લોકો સામાન્ય રીતે જે જાતનાં ચિત્રો દોરતા હોય છે તેનાથી અલગ તરાહનાં ચિત્રો તે દોરતો હતો. પાગલપણાના એક વર્ષના તેના રોકાણ દરમિયાન તેણે ઉત્તમ ચિત્રો કેન્વાસ પર ઉતારી દીધાં હતાં. આ એક એની સાબિતી છ કે કદાચ તે મગજના સામાન્ય સ્તર કરતાં ઊંચા સ્તરે હતો. કદાચ તે આધિચૈતન્યના સ્તરે પહોંચી ગયો હતો. એ વર્ષ દરમિયાન તેણે એક ચિત્રમાં તારાને વલયાકાર (Spiral)ના રૂપમાં દોર્યા હતા. તે જોઈને બધાં હસતાં હતાં અને ટીકા કરતાં હતાં કે આ તો સરાસર પાગલપણું છે. તારાને વલયાકાર રૂપમાં કોણે જોયા છે? ખૂબીની વાત છે કે હજુ થોડા દિવસો પહેલાં જ ભૌતિકશાસ્ત્રીઓ એવા નિષ્કર્મ ઉપર આવ્યા છે કે તારા વલયાકાર રૂપમાં છે! તારા અને આપણા વચ્ચે રહેલા જંગી અંતરને કારણે આપણને તારાનો વલયાકાર દેખાતો નથી. મૃત્યુ પછીનાં સો વર્ષ પછી વાન ગોઘનું ચિત્ર સાચું ઠર્યું.

જે વ્યક્તિને લોકો પાગલ ગણતાં હતાં તે કદાચ, ચૈતન્યના ઊંચા સ્તરે હતી અને કોઇ પણ જાતની સાધન-સામગ્રી વિના અને ફક્ત પોતાની પરિશુદ્ધ ચેતનાની સહાયથી વિજ્ઞાન કરતાં સો વર્ષ આગળ જોવાની ક્ષમતા ધરાવતી હતી અને તેની આંતરદૃષ્ટિ કહેતી હતી કે તારા વલયાકારના છે.

આ સિવાય પણ ઢંગ વગરના લાગે તેવાં ઘણાં ચિત્રો તેમણે દોરેલાં છે. જો કે સમય જતાં કદાચ એવુું માલૂમ પડે છે કે ચિત્રો કઢંગાં નહોતા પણ વસ્તુનો ઢંગ તેમણે દોરેલાં ચિત્રો પ્રમાણેનો હતો. પાગલખાનાના તેના એક વર્ષના રોકાણ પછી તે લાંબું જીવ્યો નહોતો પણ તે અરસામાં તેણે એક ચિત્ર દોર્યું હતું અને તેમાં તેણે વૃક્ષોને તારાની ઊંચાઈથી પણ વધુ ઊંચાઈ સુધી વધેલા દેખાડેલા છે! વચ્ચે વચ્ચે તારા વસેલા છે અને વૃક્ષો તેને પાર કરીને ઉપર વધી રહેલા છે તેવું તેમણે દર્શાવેલ છે. આ ચિત્ર જોઈને વાન ગોઘના મિત્રોએ પણ તેની મજાક ઉડાવતાં કહ્યું હતું કે, ‘આ તો તમે તમારી જાતને મૂર્ખ સાબિત કરી રહ્યા છો. ઝાડ ક્યાંય તારાઓથી પણ ઊંચા વધતા જોયા છે?’

વાન ગોઘે કહ્યું, ‘મેં પણ જોયા નથી છતાં જ્યારે પણ હું વૃક્ષની બાજુમાં બેસું છું ત્યારે મને વૃક્ષની આકાંક્ષાની અનુભૂતિ થાય છે. એમાં ધરતીની આકાંક્ષા પણ તારાથી વધુ ઊંચાઈએ જવાની દેખાય છે. આ વૃક્ષો મારી પાસે જૂઠું આચરણ કરી રહ્યા છે કે હું છેતરાઇ રહ્યો છું તેની મને ખબર પડતી નથી પણ જયારે જ્યારે હું વૃક્ષની સમીપ બેસું છું ત્યારે અચાનક વૃક્ષો મને એવું કહેતા અનુભવાય છે કે તારાઓથી પણ પેલે પાર જવા માટે ધરતીની જે આકાંક્ષા છે તે હું છું.’

લોકો ચંદ્ર ઉપર, મંગળ ઉપર અને તારા ઉપર જાય છે તે કદાચ, તલાશ અને સંશોધન માટે જેટલું દૂર જવાય તેટલું દૂર જવાની ધરતીની જ આકાંક્ષા હોઈ શકે છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન