The senior citizen caught the girl in the Honey Trap
  • Home
  • Featured
  • સિનિયર સિટીઝન સામે યુવતી બની ગઇ કોલગર્લ, પછી ખેલાયો હનીટ્રેપનો ખેલ

સિનિયર સિટીઝન સામે યુવતી બની ગઇ કોલગર્લ, પછી ખેલાયો હનીટ્રેપનો ખેલ

 | 6:30 pm IST

લોકોને હનિટ્રેપમાં ફસાવતી એક સ્વરુપવાન યુવતી સહીતનાં પાંચ સાગરીતોની ગેંગને આજે પ્રીવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ અને ગોત્રી પોલીસે સંયુકત ઓપરેશન હાથ ધરીને ઝડપી પાડી હતી. આ ટોળકીએ મંગળવારે બપોરે ઈલોરાપાર્ક વિસ્તારમાંથી એક સિનિયર સિટીઝનને ફસાવ્યો હતો અને પી.આઈ. ચુડાસમાનો દમ ભીડીને કારમાં અપહરણ કરીને બળજબરી પૂર્વક રૂ. 20 હજાર પડાવી લીધા હતા. ઓલ્ડ પાદરા રોડ, હેવમોર સર્કલ પાસે સિનિયર સિટીઝનનો છુટકારો થયો હતો. ગેંગમાં સુદર્શન ન્યુઝ ચેનલના કહેવાતા 3 પત્રકારો, એક રુપજીવીની અને એક રિક્ષાવાળાનો સમાવેશ થાય છે. સ્વરુપવાન યુવતી આ ગેંગની લીડર હોવાનું જાણવા મળે છે. ટોળકીએ બીજા કેટલા લોકોને શિકાર બનાવ્યાં છે તે દિશામાં ગોત્રી પોલીસે તપાસ શરુ કરી છે.

સમગ્ર ઘટનાની શરુઆત બપોરે ઈલોરાપાર્ક, બાટાના શોરુમ પાસેથી શરુ થઈ હતી. વાસણા ભાયલી રોડ બ્રાઈટ ડે સ્કુલ પાછળ અક્ષર ઉપવન એપાર્ટમેન્ટમાં રહેતાં કિરણભાઈ (ઉ.વ.63.) ટુ વ્હિલર લઈને ઈલોરાપાર્ક, બાટાના શોરુમ પાસે કામ માટે ગયા હતા. ત્યારે એક ઓટો રિક્ષામાં બેસેલી યુવતીએ હાથથી ઈશારો કરીને તેમને નજીક બોલાવ્યાં હતાં.

એક કૉલગર્લ તરીકે પોતાની ઓળખ આપી હતી આજે મને કોઈ કસ્ટમર મળ્યાં નથી.પૈસાની ખુબ જરુર છે તમે જે કહેશો તે કરીશ તેવી વાત કહી હતી. કિરણભાઈ યુવતીની વાતોમાં આવી ગયા હતા. ચાલો મારી પાસે એક જગ્યા છે ત્યાં જઈએ તેમ જણાવીને યુવતીએ ટુ વ્હિલર ચલાવી લીધુ હતુ અને કિરણભાઈ પાછળની સિટ પર બેઠા હતા. રિક્ષાવાળો પાછળ આવતો હતો. ત્યાંથી આ બંન્ને જણાં ભાયલી રોડ પર નિલામ્બર સર્કલ પાસે ઉભાં રહયાં હતા. ત્યાં જાહેરમાં યુવતી બિભત્સ ચેનચાળા કરતી હતી.

આ વખતે એક સ્વિફટ ડિઝાયર કાર તેમની પાસે આવીને ઉભી રહી હતી. કારમાંથી એક વ્યકિત બહાર નીકળ્યો હતો અને હું એસ.ઓ.જી. પી.આઈ. ચુડાસમા છું મિસ્ટર તમે અહિં આ યુવતી સાથે શું કરી રહયાં છો ? ચાલો કારમાં બેસી જાવ, તેમ જણાવીને બંન્ને જણાંને કારમાં બેસાડયા હતા. તમારા સામે બળાત્કારની ફરીયાદ દાખલ થશે જો બચવું હોય તો હમણાંને હમણાં રૂ. ૧.૨૦ લાખ આપવા પડશે તેમ જણાવ્યું હતુ. કારમાં સવાર બીજા સાગરીતોએ કિરણભાઈને માર માર્યો હતો અને ખિસ્સામાંથી રોકડા રૂ. 20 હજાર કાઢી લીધા હતા. બીજા 1 લાખની વ્યવસ્થા કરવા માટે કિરણભાઈએ તેમના પુત્ર રોહનને ફોન કરીને એ.ટી.એમ.કાર્ડ લઈને ઓપી રોડ હેવમોર ચાર રસ્તે બોલાવ્યો હતો.

કિરણભાઈ કાર્ડ લેવા કારમાંથી ઉતર્યાં તેની સાથે આખી ટોળકી ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. પરંતુ કિરણભાઈએ કારનો નંબર નોંધી લીધો હતો. કિરણભાઈએ તેમના પુત્ર સામે ઘટના જાહેર કરતાં પોલીસ એકશનમાં આવી હતી. પ્રીવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ અને ગોત્રી પોલીસે જુદી જુદી ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં આ કારને નવલખી કંપાઉન્ડમાં શોધી કાઢી હતી અને છટકું ગોઠવીને કાર માલીક અમુલ રમેશ શિર્કે (રહે, ફતેપુરા પોસ્ટ ઓફીસ પાસેનવભારત વિદ્યાલય નજીક), એરિક વિરાફખાન સાહેબ (પારસી) (રહે, બીજો માળ, ખાનસાહેબ એપાર્ટમેન્ટ, દૂધેશ્વર સોસાયટીની બાજુમાં, આજવા રોડ), સલીમ સિદ્દિક શેખ (રહે, એકતાનગર ઝુપડપટ્ટી, આજવા રોડ), વૃત્તી સંજય રાજપૂત (રહે, અપ્સરા ટોકિઝ સામે, પ્રતાપનગર રોડ)ને ઝડપી પાડયાં હતા. ઝડપાયેલાં ચાર યુવકોમાંથી ૩ જણાં સુદર્શન ન્યુઝ ચેનલના તંત્રી અને રીપોર્ટર હોવાનું જણાવ્યું હતુ. જયારે સલીમ રિક્ષા ડ્રાઈવર હતો.

ઈલોરાપાર્કથી ઓલ્ડ પાદરા રોડ સુધીના ઝ્રઝ્ર્ફ ચેક કર્યાં
પોલીસે કેવી રીતે ઓપરેશન પાર પાડયું ? તે અંગે પી.સી.બી.ના ઈન્ચાર્જ પી.આઈ. આર.સી. કાનમીયા તથા ગોત્રીના ઈન્ચાર્જ પી.આઈ. વી.આર. ખેરે જણાવ્યું હતુ કે, ઘટના જાહેર થઈ તેની સાથે જે રુટ ઉપરથી કાર પસાર થઈ હતી તે રુટના સીસીટીવી ચેક કરવામાં આવ્યાં હતાં. બીજી તરફ કારના નંબરના આધારે માલીકનું નામ શોધી કાઢવામાં આવ્યું હતુ આ કાર અમુલ શિર્કેના માતાના નામની હતી. જે કારનું લોકેશન નવલખી મેદાનનું મળ્યું હતું. જયાં વૉચ ગોઠવીને ગેંગ ઝડપી પાડવામાં આવી હતી.

વૃત્તી કેવી રીતે ગેંગના સંપર્કમાં આવી ? તપાસ શરુ
મહિલા આરોપી વૃત્તી સંજય રાજપૂત આ ટોળકીના કોન્ટેકટમાં કેવી રીતે આવી તે અંગે હાલ પોલીસની છાનબીન ચાલી રહી છે. પરંતુ પોલીસને એવી હકિકત મળી છે કે, વૃત્તી પરિણીત હતી પરંતુ ઘણાં સમયથી બંન્ને જુદા રહે છે. આ જો કિરણભાઈ પાસેથી પુરા પૈસા મળ્યાં હોત તો કોને કેટલો ભાગ મળવાનો હતો. તે અંગે પૂછપરછ ચાલી રહી છે.

રિક્ષાવાળો લાઈવ લોકેશન આપતો હતો
ટોળકીમાં સામેલ સલીમ શેખ રિક્ષાવાળો છે. ઈલોરાપાર્કથી યુવતી ટુ વ્હિલર ઉપર બેઠી હતી ત્યારથી લઈને હેવમોર ચાર રસ્તા પાસે કિરણભાઈને કારમાંથી ઉતારીને કાર અકોટા તરફ ગઈ હતી તેની પાછળ રિક્ષાવાળો પણ ગયો હતો. યુવતી તેના શિકારને ટુ વ્હિલર ઉપર બેસાડીને કયાંથી પસાર થઈ રહી છે તેનું લાઈવ લોકેશન અમુલ શિર્કે અને સાગરીતોને આપતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન