જે શરમાયો તે બરાબરનો ફસાયો! - Sandesh
  • Home
  • Kids Corner
  • જે શરમાયો તે બરાબરનો ફસાયો!

જે શરમાયો તે બરાબરનો ફસાયો!

 | 12:10 am IST

જૂના જમાનાની વાત છે. એ સમયે દીકરીના માતા-પિતા જમાઈરાજાને ખરેખર કોઈ રાજાની જેમ સાચવતા. સામે જમાઈરાજએ પોતાનું માન જાળવવું પડતું. જો કોઈક ખામી સાસરિયાઓના હાથમાં આવી જાય તો જીવનભર સાળી-સાળાઓ પાસેથી એના મહેણાં સાંભળવા પડે.

એક જમાઈરાજ પહેલી વખત સાસરે ગયા. મા-બાપે કહેલું બેટા સ્વમાન સાચવજે. સાસરિયા ખૂબ આગ્રહ કરે તો જરાક જમવું. ભૂખાવળા ન બનવું. જમાઈ સાસરે આવ્યા એમની આગતાસ્વાગતા થઈ. સાંજનો સમય થતાં બધા જમવા બેઠા. સાસુમા અને સાળી ખૂબ આગ્રહ કરે, જમાઈરાજ ખાઈ જુઓ, અરે આતો તમે ચાખ્યું જ નથી…!

જમાઈરાજને કકડીને ભૂખ લાગી હોવા છતાં એમણે જરાક જરાક જ ખાધું. રાત્રે બધા સૂઈ ગયા. જમાઈને મોડી રાત્રે બરાબર ભૂખ લાગી. ભૂખથી ઊંઘ ઊડી ગઈ. પેટમાં બળતરા થવા લાગી. જમાઈએ બે-ત્રણ વખત ઊઠીને પાણી પી લીધું.

પણ પાણીથી કંઈ ભૂખ મટે? કંટાળીને જમાઈરાજ અંધારામાં ફાંફાં મારતાં મારતાં રસોડામાં ગયા. વાસણો ફંફોસીને લાડવાનો થાળ શોધી કાઢયો. થાળમાંથી બંને હાથમાં એક એક લાડવો લીધો. એમાં લાડવાના વાસણનું ઢાંકણું નીચે પડયું.

જમાઈરાજ બી ગયા, અવાજથી કોઈ ઊઠી જશે તો? એમણે બંને લાડવા મોંમાં ભરી દીધા અને દોડીને પોતાની પથારીમાં આવી સૂઈ ગયા. એમના સાળાએ જમાઈને પથારીમાં બેઠેલા અને પછી સૂઈ જતા જોયા. એણે બૂમ પાડી બનેવીલાલ કંઈક થાય છે? જમાઈરાજ કશું બોલ્યા નહીં. સાળાએ નજીક આવીને પૂછયું શું થયું છે, બનેવીલાલ? જમાઈ જવાબ શું આપે? મોઢામાં તો લાડવા હતા.

એ માત્ર ઊંહ… ઊંહ…! બોલ્યા. તરત સાળાએ લાઈટ કરી તો જોયું કે જમાઈના બંને ગાલ સૂજી ગયા હતા. અરે! બનેવીલાલને આ શું થઈ ગયું? એવો બરાડો પાડી બધાને ઉઠાડયા. પોતે દોડીને ડોક્ટરને બોલાવી લાવ્યો.

ડોક્ટર આવ્યા, તેમણે જમાઈરાજના ગાલને જોઈને કહ્યું, આમને તો ગાલપચોળિયું થયું લાગે છે. પછી ડોક્ટરે એક મોટું ઈન્જેક્શન કાઢયું. જમાઈરાજ તો ખૂબ ગભરાઈ ગયા, પણ કરે શું? મોંમાં લાડવા ભર્યા હતા! ડોક્ટરે જમાઈરાજને ઈન્જેક્શન ભોકી દીધું. પછી કહે, સારું થયું અર્ધી રાત્રે હું આવ્યો. આ દવા દિવસમાં ત્રણ વખત પીવડાવજો.

હમણાં ચાલુ કરીએ? સાળાએ પૂછયું.

જમાઈરાજને ફાળ પડી! મોંમાં લાડવો છે ને બધાની સામે ચાવીને ખાઈ શકાય એમ નથી. દવા શી રીતે પીશ?!?

બધા જ્યારે દાક્તરની પાછળ પાછળ ગયા ત્યારે જમાઈરાજે ફટાફટ લાડવા ચાવ્યા અને જેમ તમે ચાવીને ગળી ગયા. ડોક્ટરને મૂકીને બધા પાછા આવ્યા અને દવા પીવડાવવા લાગ્યા.

જમાઈ કહે, ડોક્ટર સાહેબ જોરદાર છે. એક ઈન્જેક્શનમાં તો જુઓ મારા ગાલ સરખા થઈ ગયા! હવે દવા સવારે પીશ! બધાએ જોયું તો જમાઈરાજનું ગાલપચોળિયું મટી ગયું હતું.

ચાલો સારું થયું. કહેતાં બધા પોતપોતાની પથારીમાં સૂવા જતા રહ્યા.

જમાઈરાજ મનમાં ને મનમાં બબડયા, અલ્યાઓ ગાલપચોળિયું નહોતું, મોંમાં લાડુ ભર્યા હતા! પછી વિચારવા લાગ્યા, પણ મેં ખોટી શરમ કરવાને બદલે પેટ ભરીને જમી લીધું હોત તો આવું ન થાત! બધા ડોક્ટર પાછળ ગયા તો બચી ગયો. નહિતર રાત્રે પોલ પકડાઈ ગઈ હોત. પછી તો આબરૂના ધજાગરા થઈ જાત! હવે જરાય શરમમાં ન રહેવું!