પુત્રએ પત્ની સાથે મળી માતા-પિતાને માર્યો માર, કારણ જાણી તમને પણ લાગશે ઝાટકો - Sandesh
  • Home
  • Gujarat
  • પુત્રએ પત્ની સાથે મળી માતા-પિતાને માર્યો માર, કારણ જાણી તમને પણ લાગશે ઝાટકો

પુત્રએ પત્ની સાથે મળી માતા-પિતાને માર્યો માર, કારણ જાણી તમને પણ લાગશે ઝાટકો

 | 7:10 pm IST

આસોદર પાસે લક્ષ્મીપુરા સીમમાં રહેતાં વૃદ્ધ અને તેની પત્ની પાસે સગા પુત્રએ વાપરવા માટેના પૈસા માંગ્યા બાદ નહીં મળતાં પુત્ર અને પુત્ર વધુએ ભેગા થઈને વૃદ્ધ દંપતિને પાવડા અને ગડદાપાટુનો મારમારી ગંભીર ઈજા પહોંચાડી ભાગી જતાં ચકચાર મચી જવા પામી છેે. ઘટના અંગે પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર ઘાયલ વૃદ્ધની ફરીયાદના આધારે આંકલાવ પોલીસે પુત્ર અને પુત્રવધુ સામે ગુનો નોંધી તપાસના ચક્રોગતિમાન કર્યાં છે.

ઘટના અંગે અંગે પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર આંકલાવ તાલુકામાં આસોદર ગામમાં લક્ષ્મીપુરા સીમમાં કાભઈભાઈ હરમાનભાઈ ચૌહાણ અને તેમના પત્ની સુમીત્રાબેન કાભઈભાઈ ચૌહાણ, પુત્ર ચંદ્રસિંહ ચૌહાણ અને પુત્ર વધુ ગગીબેન ચંદ્રસિંહ ચૌહાણ સાથે રહે છે. ચંદ્રસિંહ પોતે કોઈ ખાસ કામ ધંધો નહીં કરતો હોવાથી અવાર નવાર પોતાના અને પત્નીના મોજશોખ માટે પિતા પાસેથી પૈસા માંગીને લઈ જતો હતો. કાભઈએ આબાબતે ચંદ્રસિંહને વારંવાર ઠપકો પણ આપ્યો હતો.

દરમિયાન ગત ૮મી જુલાઈના રોજ રાત્રીના નવ વાગ્યાના સુમારે ચંદ્રસિંહ પિતા કાભઈ પાસે આવ્યો હતો અને પોતાના કામ હોવાથી ખર્ચા માટે ૧પ૦૦ રૃા.ની માંગણી કરી હતી. પૈસાની માંગણીને અવાર નવાર પૈસા લઈ ગયાં બાદ પરત નહીં આપવાની પુત્રની ટેવથી ત્રાસી ગયેલા કાભઈએ પૈસાનો આપવાનો ઈન્કાર કરી દેતાં ચંદ્રસિંહએ ઘરમાં પડેલા પાવડાના દસ્તા વડે કાભઈ પર હુમલો કરી દીધો હતો. અને તેમને પગ ઉપર અને શરીરનાં બીજા ભાગો પર સખત મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તેમને બચાવવા પડેલાં તેમના પત્ની સુમીત્રાબેનને ચંદ્રસિંહની પત્ની ગગીબેને માથાના વાળ ખેંચી નીચે પાડી દઈ મારમારીને ગંભીર ઈજા પહોંચાડી હતી. ઘટનાના પગલે આસપાસના લોકો ભેગા થઈ જતાં બંને જણાં ઘાયલ માતા-પિતાને સ્થળ પર છોડીને ભાગી ગયાં હતાં. તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. ઘટનાની જાણ થતાં આંકલાવ પોલીસે પહોંચી ગઈ હતી અને કાભઈની ફરીયાદના આધારે તેમના પુત્ર ચંદ્રસિંહ ચૌહાણ તથા પુત્રવધુ ગગીબેન ચૌહાણ સામે ગુનો નોંધી તપાસના ચક્રોગતિમાન કર્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન