ભુજની માતૃછાયા વિદ્યાલયનો શિક્ષક ટયૂશન ક્લાસ ચલાવતાં ઝડપાઈ ગયો - Sandesh
  • Home
  • Bhuj
  • ભુજની માતૃછાયા વિદ્યાલયનો શિક્ષક ટયૂશન ક્લાસ ચલાવતાં ઝડપાઈ ગયો

ભુજની માતૃછાયા વિદ્યાલયનો શિક્ષક ટયૂશન ક્લાસ ચલાવતાં ઝડપાઈ ગયો

 | 2:00 am IST

ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયનો શિક્ષક પાંચ દિવસ પૂર્વે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનાં કર્મચારીઓનાં સ્ટિંગ ઓપરેશનમાં રંગે હાથ ખાનગી ટયૂશન ક્લાસ ચલાવતો ઝડપીને પર્દાફાશ કર્યો હતો. તેની સામે તપાસની કામગીરી ચાલુમાં હતી ને ફરી આજે આજ શિક્ષક હિમાંશુ બારોટ ઘનશ્યામનગર સ્થિત પારેખ પેલેસ નામના બિલ્ડિંગમાં બાળકોને ટયૂશન આપી રહ્યો હોવાની બાતમી મળતાં જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસ સહિત શિક્ષણ નિરીક્ષક, મદદનીશ શિક્ષણ નિરીક્ષકની સમગ્ર ટીમ ટયૂશન ક્લાસ ઉપર તપાસાર્થે પહોંચી ત્યારે માતૃછાયાના શિક્ષક હિમાંશુ બારોટે ટયૂશન ક્લાસ તથા ટયૂશન ક્લાસનાં સંચાલક ઋષિકેશ બારોટે શિક્ષણાધિકારીને અંદર આવતા રોકીને ટયૂશન ક્લાસને બહારથી બંને બાજુ તાળું લગાવી દીધું હતું અને અંદર ટયૂશન મેળવી રહેલા બાવન (પર) જેટલા છાત્રોને બે કલાક સુધી ગોંધી રાખ્યા હતા. ગેરકાયદે બાળકોને એક નાનકડા રૃમમાં ગોંધી રાખવામાં આવતાં શિક્ષણાધિકારી રાકેશ વ્યાસને પોલીસની મદદ લેવાની ફરજ પડી હતી. ઘટના સ્થળે પહોંચી આવેલા એ ડિવિઝન પોલીસ મથકનાં પી.એસ.આઈ. પી.કે.ગઢવીનાં પ્રયાસો બાદ ટયૂશન ક્લાસમાં લગાવેલંુ તાળંુ ખોલવામાં આવ્યું હતું અને ત્યારબાદ બે કલાક સુધી ગોંધી રાખવામાં આવેલા બાળકોને બહાર કાઢયા હતા. દરમિયાન જ્યાં ટયૂશન ક્લાસ ચાલી રહ્યો છે ત્યાં માતૃછાયા કન્યા વિદ્યાલયનાં આચાર્યા નીલાબેન વર્માને પણ શિક્ષણાધિકારી વ્યાસે બોલાવીને સમગ્ર ઘટનાક્રમથી વાકેફ કર્યા હતા અને આચાર્યાની હાજરીમાં જ ગાંધી રાખવામાં આવેલા છાત્રો બહાર આવ્યા હતા.