શિક્ષકે વર્ગખંડમાં સંભળાવવા કરતાં સાંભળવાને વધુ મહત્ત્વ આપવું જોઈએ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • શિક્ષકે વર્ગખંડમાં સંભળાવવા કરતાં સાંભળવાને વધુ મહત્ત્વ આપવું જોઈએ

શિક્ષકે વર્ગખંડમાં સંભળાવવા કરતાં સાંભળવાને વધુ મહત્ત્વ આપવું જોઈએ

 | 2:00 am IST
  • Share

વર્ગખંડમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે આંતરવ્યવહાર થાય છે. આ વ્યવહારમાં બંને પક્ષની સક્રિયતા જરૃરી જ નહિ પણ અનિવાર્ય છે. બંને પક્ષમાંથી એક પણ પક્ષની નિષ્ક્રિયતા હેતુ સિદ્ધિ માટે બમ્પનું કામ કરે છે. માટે જ વર્ગનું વાતાવરણ એવું સર્જવું જોઈએ કે જ્યાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે, વિદ્યાર્થી-વિદ્યાર્થી વચ્ચે આંતરવ્યવહાર સતત ચાલે. આ માટે પ્રેરણાનો સ્રોત અને વાતાવરણનો સર્જનહાર છે – શિક્ષક. વર્ગમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે બે પ્રકારના સંબંધો હોય છે. એક જ્ઞાાનાત્મક અને બીજો સંવેગાત્મક. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે સંવેગાત્મક સંબંધ હશે તો જ જ્ઞાાનાત્મક સંબંધ સ્થાપશે અને ટકશે.

આજના વર્ગખંડની પરિસ્થિતિનો વિચાર કરીએ તો બાળક પોતે એક મૂંઝવણભરી પરિસ્થિતિમાં દબાયેલા અવાજે અને ગૂંગળાયેલા શ્વાસે વર્ગખંડમાં જીવે છે. શિક્ષકને વર્ગખંડનો રાજા કહ્યો છે, પણ તેનો અર્થ એ નથી કે શિક્ષક રાજા અને વિદ્યાર્થીઓ સિપાહી. રાજાનો હુકમ સિપાહીઓએ માનવો પડે. રાજાને તાબે થઈને જ કોઈપણ જાતના શબ્દ કે ઊંહકારો બોલાવ્યા સિવાય રાજા કહે તેમ કરવું જ પડે, તેમ આજે વર્ગનો રાજા એવો શિક્ષક પણ જેમ કહે તેમ, મૂંગા મોઢે, ઊંહકારો બોલાવ્યા સિવાય વિદ્યાર્થીઓને કરવું પડે છે. આવા આપખુદીભર્યા વર્ગને સ્વર્ગ કેવી રીતે કહી શકાય? આજનો વર્ગ સ્વર્ગ નહિ પણ નર્ક જેવો લાગે છે. જેમાંથી જેટલાં ઝડપથી આપણે બહાર આવીશું તેટલી ઝડપથી બાળક, સમાજ અને રાષ્ટ્રનો વિકાસ થશે. બંધિયાર પાણી પણ જેમ લાંબા સમયે દુર્ગંધ મારે છે તેમ શાળાના બંધિયાર વાતાવરણમાં રહેલાં બાળકો પાસેથી લાંબા સમયે સુગંધની અપેક્ષા ક્યાંથી રાખી શકાય? છતાં પણ આપણે તે અપેક્ષા રાખીએ છીએ. જે ન સંતોષાતા એકબીજા પર દોષનો ટોપલો ઢોળીએ છીએ. હા, આજે કેટલાક અંશે સુધારો થયો છે કે, બાળકોને શારીરિક શિક્ષા કરવામાં આવતી નથી, પણ માનસિક દબાણમાં તો રાખવામાં આવે જ છે. હા, અહીં રજૂ થયેલ બાબતો બધા શિક્ષકોને લાગુ પડતી નથી, પણ ઘણાંઘણાં શિક્ષકોને લાગુ પડે છે. આવા શિક્ષકો એ પોતાની વિચારસરણી બદલીને વર્તનવ્યવહારમાં બદલાવ લાવવાની જરૃર છે. આવું કરતા શિક્ષકોને અટકાવવા તે અન્ય શિક્ષકોની ફ્રજ પણ છે.

ક્યારેક શિક્ષકો પાસેથી સાંભળવા મળે છે કે, વિદ્યાર્થીઓ અમારું સાંભળતા નથી, અમારા કહ્યામાં નથી, અમારું માનતા નથી, સ્વચ્છંદી બની ગયા છે. ત્યારે પ્રશ્ન કરવાની ઈચ્છા થાય કે, શિક્ષક વિદ્યાર્થીઓનું કેટલું સાંભળે છે? શિક્ષક વિદ્યાર્થીના કહ્યા પર ધ્યાન આપે છે? શિક્ષક વિદ્યાર્થીઓના અરમાનો-અપેક્ષાઓને માન આપે છે? જો શિક્ષક જ વિદ્યાર્થીને સાંભળતા ના હોય તો વિદ્યાર્થીઓ શિક્ષકને ક્યાંથી સાંભળવાના છે? જે બીજાને સાંભળે તેને બીજા સાંભળે. જેવું વાવીએ તેવું લણવાની અપેક્ષા રખાય. માન આપીએ તો માન મળે. આમ વિદ્યાર્થીઓ પાસેથી પોતાની અપેક્ષા પૂર્ણ કરતાં પહેલાં તેમની અપેક્ષા સંતોષવી – પૂર્ણ કરવી એ રાજધર્મને શિક્ષકધર્મ કહી શકાય. આમ શિક્ષક જો શિક્ષકધર્મનું પાલન કરશે તો વિદ્યાર્થીઓ વિદ્યાર્થીધર્મનું પાલન કરશે જ. શિક્ષણની પ્રક્રિયા જ્યાં સુધી દ્વિમાર્ગીય ના બને ત્યાં સુધી સાચા અર્થમાં શૈક્ષણિક કાર્ય થતું નથી, વિદ્યાર્થી યોગ્ય પ્રમાણમાં પામી શકતા નથી. વિદ્યાર્થીને ઉત્તેજિત કરવો, તેની કક્ષા સુધી જઈને તેને સમજ આપવી અને અવારનવાર ખાતરી કરવી કે શિક્ષકે પીરસેલું વિદ્યાર્થીના મનમાં ઊતર્યું છે કે નહિ ? આ બધું કરવા માટે શિક્ષકે વિદ્યાર્થીને તન અને મનથી પોતાની નજીક ખેંચી લાવવો પડશે. વિદ્યાર્થી તો શિક્ષકની નજીક આવવા અને રહેવા માંગે જ છે, પણ ક્યારેક શિક્ષકના વર્તનવ્યવહારથી એ દૂર જાય છે, ત્યારે શિક્ષકે વિદ્યાર્થી પોતાની સાથે જોડાયેલો રહે તે માટેના ઈરાદાપૂર્વકના પ્રયત્નો કરવા પડશે. વિદ્યાર્થીને અપમાનિત કરતો શિક્ષક ક્યારેય વિદ્યાર્થીના દિલ અને મનમાં જગ્યા ઊભી કરી શકતો નથી.

વર્ગખંડ કે વર્ગખંડ બહાર વિદ્યાર્થીઓને પોતાનો અવાજ નહિ પણ સૂર રજૂ કરવાની પૂરતી આઝાદી તો હોવી જ જોઈએ, પણ તે આઝાદીને સારી રીતે માની શકે તે માટેનું વાતાવરણ પણ હોવું જોઈએ. તળાવમાં નાહવા પડવાની આઝાદી હોય પણ તળાવમાં પાણી જ ના હોય તો? વિદ્યાર્થીઓને પોતાની મૂંઝવણ પ્રેમથી રજૂ કરવા દો. તેમની રજૂઆત વખતે તેમની સામે ધ્યાન આપો, તેમની સાથે નજર મિલાવીને હકારાત્મક વલણ અપનાવો. પહેલવાન છાપ કેટલાક શિક્ષકો તો એવા હોય છે કે જેમની સામે તો શું પણ બાજુમાંથી પસાર થતાં પણ વિદ્યાર્થી ડરે છે. જે માટે પહેલવાન છાપ શિક્ષક ગૌરવ પણ અનુભવતા હોય છે ! વિદ્યાર્થીને સાચા કારણથી રજા જોઈતી હોય કે એકાએક ઊભી થયેલ પોતાની સમસ્યા રજૂ કરવા માટે પણ શિક્ષકની પાસે જતાં ડરે છે. આવા શિક્ષકો જેટલાં વહેલા નિવૃત્ત થાય તેટલું શિક્ષણનું અને બાળકોનું હિત વધુ થશે.

શિક્ષકે જીવંત વ્યક્તિ સાથે દિલપૂર્વકનો મન સાથે સબંધ જોડવાનો હોય છે. આ વખતે બંને પક્ષને એકબીજા માટે માન નહિ હોય, આદર અને વિશ્વાસ નહિ હોય તો મન સાથે નાતો બંધાશે જ નહિ. જેની અસર શીખવા અને શીખવવા પર પડશે. વિદ્યાર્થીને દિવસ દરમિયાન અનેક બાબતો માટે શિક્ષકો સાથે ચર્ચા કરવાની કે રજૂઆત કરવાની જરૃર પડતી હોય છે. તે સમયે શિક્ષકોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપીને તેમની સાથે ચર્ચામાં ભાગ લેવો જોઈએ. તેમની રજૂઆતને સાંભળવી જોઈએ. હસતા મોઢે વાત કરતો શિક્ષક સૌ વિદ્યાર્થીને ગમે છે, વિદ્યાર્થીને ગમતું કરો અને તમે ઈચ્છેલું ગમતું પામો.

વર્ગમાં શૈક્ષણિક કાર્ય ચાલુ હોય ત્યારે ઘણીવાર બે વિદ્યાર્થીઓ એકબીજા સાથે વાત કરતા જોવા મળે છે. આ બાબતને શિક્ષકો દ્વારા નકારાત્મક રીતે જ લેવામાં આવે છે કે વર્ગમાં જ્યારે શૈક્ષણિક કાર્ય ચાલુ હોય – શિક્ષક ભણાવતા હોય ત્યારે વિદ્યાર્થીઓએ અંદરોઅંદર વાત કરવી ના જ જોઈએ. હકીકતમાં આવી ઘટનાને શિક્ષકે હકારાત્મક રીતે જોવી જોઈએ. શિક્ષક શીખવતા હોય ત્યારે વાતો કરતા બે વિદ્યાર્થીઓ વચ્ચે શીખવા અંગેની કે અગવડતા અંગેની કે શિક્ષકની ભણાવવાની રીત અંગેની કે શું સમજાતું નથી તે અંગેની પણ ચર્ચા હોઈ શકે. માટે જ વાતો કરતા બે વિદ્યાર્થી પાસે જઈને શિક્ષકે પૂછવું જોઈએ કે તેઓ શું ચર્ચા કરે છે? તેમને કોઈ તકલીફ્ છે? તેમની ઈચ્છા શું છે? આવા સમયે કોઈ ઉત્સાહી કે આખાબોલો વિદ્યાર્થી કશંુક પૂછે તો તેનો નકારાત્મક પડઘો પાડવા ના દો. નહિ તો કેટલાક શિક્ષકો આવા વિધાનો પણ વાપરતા હોય છે કે …… હું ભણાવું છું ત્યારે તમે વાતો કેમ કરો છો ? વચ્ચે કેમ બોલો છો ? જે કહેવું હોય તે હું ભણાવી રહું પછી કહેજો, હું અહીં ઘાસ કાપંુ છું? તારા મા-બાપે આવા સંસ્કાર આપ્યા છે? ચાલ વર્ગ બહાર નીકળી જ, દીવાલ તરફ્ મોઢું રાખીને ઊભો રહે વગેરે વગેરે.

જીવંત વ્યક્તિ વિચાર કરતો જ હોય છે અને પોતાના વિચારોને બહાર લાવવાનો પણ પ્રયત્ન કરતો હોય છે. શિક્ષણ એ તો એક વિચારશીલ પ્રક્રિયા છે. જેનો આપણે સૌએ સ્વીકાર કરીને ચાલવું જોઈએ. વર્ગખંડમાં વિચારવાની પ્રક્રિયા જેટલી અગત્યની છે તેટલી જ અગત્યની પ્રક્રિયા છે તે વિચારોને રજૂ કરવાની. માટે જ જેમ વિચારવાની સ્વતંત્રતા છે તેમ તેને રજૂ કરવાની પણ એટલી જ સ્વતંત્રતા હોવી જોઈએ. વર્ગખંડમાં વિચારવાની અને તેને રજૂ કરવાની સ્વતંત્રતા જેટલાં પ્રમાણમાં હશે તેટલાં પ્રમાણમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે અને વિદ્યાર્થી-વિદ્યાર્થી વચ્ચે વર્ગવ્યવહાર વધુ થશે. વર્ગને સ્વર્ગ બનાવવા માટે વિદ્યાર્થીઓને વધુમાં વધુ બોલવા દો. શિક્ષકે વર્ગખંડમાં સંભળાવવા કરતાં સાંભળવાને વધુ મહત્ત્વ આપવું જોઈએ.

અશોકી ઃ જે શિક્ષક વર્ગમાં ઓછામાં ઓછું બોલે અને વિદ્યાર્થીને વધુમાં વધુ બોલવા દે તે સારો શિક્ષક.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન