સત્યનો અર્થ શો છે? - Sandesh

સત્યનો અર્થ શો છે?

 | 1:44 am IST

કવર સ્ટોરી: પૂ. મોરારિ બાપુ

 

કૃષ્ણશંકરદાદા કહેતા કે વાણી સત્યામક, સ્નેહાતિક, શાસ્ત્રાતિક, સૂત્રાત્મક હોવી જોઈએ. જે સત્ય જ બોલે, પાછું પ્રિય જ બોલે, વળી વિચારીને બોલે કે મારું સત્ય ક્યાંક કોકને ઠેસ તો નહિ પહોંચાડે ને? તેને સાધુ કહેવાય. હું કહું છું તે જ સત્ય તેમ નહિ. મમસત્ય યુદ્ધનું કારણ બને છે. ‘અમે જ સાચા’ તેમાંથી જ સંઘર્ષો પેદા થાય છે. સત્ય વિશેની મારી એવી સમજ છે કે એક મારું સત્ય હોય, એક તમારું સત્ય હોય અને એક આપણું સત્ય હોય છે. મારી પાસે મારી અવસ્થા પ્રમાણે મીણબત્તીનો દીવો હોય તે મારું સત્ય છે. તમારી પાસે ઘીનો દીવો હોય તે તમારું સત્ય છે. પણ સૂર્ય એ આપણું બધાનું સત્ય છે.

 

એક જ સત્યને ઘણા એન્ગલથી જોવામાં આવે છે. સત્યને ત્યારે જ સત્ય માનવામાં આવે છે જ્યારે છ વાતનું પાલન થાય. ધર્મરાજે સાચું જ કહ્યું હતું કે અશ્વત્થામા હણાયો છે. સાચું જ હતું. પરંતુ કયો અશ્વત્થામા, દ્રોણચાર્યનો દીકરો કે હાથી, એની સ્પષ્ટતા નથી. બોલવામાં તો એ વાત સાચી જ હતી, પરંતુ આ સત્યને પૂર્ણ સત્ય માનવામાં ન આવ્યું. સત્યનો અર્થ સાચું બોલવા પૂરતો જ મર્યાદિત નથી. સાચું બોલવું સારી વાત છે, પરંતુ માત્ર વાણીથી સાચું બોલવાવાળાનું સત્ય અહંકારી થઈ જાય છે. તે અસત્ય બોલવાવાળા ઉપર ક્રોધ કરશે, લડવા માટે તૈયાર થઈ જશે. સત્ય છ નીતિના પાલન દ્વારા પૂર્ણ થાય છે. આ છ વસ્તુઓનો મળે ત્યારે વાણી આકાશવાણી બની જાય છે. સત્ય માટે આ છ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ.

આહાર

મારો અને તમારો આહાર શાસ્ત્ર-સંમત, શુદ્ધ અને સાત્ત્વિક હોવો જોઈએ. હવે તમે તમારા મનને જ પૂછી જુઓ કે શું તમારો આહાર સાચો છે. ધન્ય છે પક્ષી કે જે પોતાની વાણી નથી બદલતું અને પોતાનો આહાર પણ ક્યારેય નથી બદલતું. આપણે ભણેલા-ગણેલા થઈને આપણો આહાર બદલતા રહીએ છીએ. ઘણીવાર મેં જોયું છે કે લોકો પણ ખાવા જેવી વસ્તુઓ બનાવીને નાના-મોટા પ્રસંગો ઉપર પીરસવામાં પોતાનું ગૌરવ સમજે છે. મોટા મોટા રિસેપ્શનમાં, બાળકોના જન્મ દિવસે દારૂ પીવડાવવો, અખાદ્ય ભોજન આપવું એવું ધનવાન અને શ્રીમંત લોકો કરે છે અને પોતાને સદ્ગૃહસ્થ સમજે છે.

કેટલાય લોકો એવું વિચારે છે કે આવું ખાઈએ તો થોડી શક્તિ આવે. શક્તિ વિશ્વાસની હોય છે. શક્તિ નિષ્ઠાની હોય છે, શક્તિ પરમાત્માના પ્રેમની હોય છે. ધનવાન લોકોને મારી અરજ છે કે તમારો આહાર યોગ્ય રાખો. કેટલાય લોકો કહે છે કે ‘મિટિંગ’માં જઈએ ત્યારે શું કરીએ, કોઈ ઓફર કેમ નથી કરતું? આપણી ‘મિટિંગ’માં તો જમાવટ હોય છે. તમારી ‘મિટિંગ’ તો દસ-પંદર સભ્યોની હોય છે, અમારી તો મહા-મિટિંગ હોય છે અને તે નવ-નવ દિવસ સુધી ચાલતી રહે છે. અહીં તમને કંઈ પીવડાવી શકશું નહીં. અમે તમને ઘૂંટડે ઘૂંટડે પીવડાવીએ છીએ અને તમારે પીવો પડે છે.

આચાર

આહાર આચાર ઉપર ઘણી અસર કરે છે. તામસી ખોરાક ખાનાર અને સાત્ત્વિક ખોરાક ખાનારાનો આચાર જુઓ. પ્રકૃતિનો નિયમ તો એવો છે કે જે પ્રાણી હોઠેથી પાણી પીએ તો ક્યારેય માંસાહારી ન હોય, જે પ્રાણી જીભથી પાણી પીએ તે જ માંસાહારી હોય છે. બિલાડી જીભ વડે પાણી પીએ છે. સિંહ, વાઘ વગેરે જીભથી પાણી પીએ છે. તેઓ માંસાહારી છે. માણસો હોઠ વડે પાણી પીએ છે તેથી તે માંસાહારી ન હોઈ શકે. ગાય હોઠ વડે પાણી પીએ છે, તે માંસાહારી નથી અને આપણે સ્વધર્મ બદલાવી નાખ્યો. પાણી હોઠ વડે પીતા હોવા છતાં આહાર અયોગ્ય કરીએ છીએ. જો તમારો આહાર સાચો ન હોય તો તમારો આચાર કેવી રીતે આદર્શ બને? ચાલો, આજ સુધી જે થયું તે ભલે થઈ ગયું. આજથી જ સંકલ્પ કરો. કથામાં બેછા છો. કોઇપણ સત્કાર્ય શુભ કાર્ય કરીએ ત્યારે પુરોહિત સંકલ્પ કરાવે છે તે જ રીતે કથામાં બેઠા છો તો એવો સંકલ્પ કરો કે આજથી અમારો આહાર સાચો રહેશે. હું તમારા ઉપર કોઈ જાતનું દબાણ નથી કરતો, પરંતુ જે સાચું છે તે કહી રહ્યો છું. તમારો આચાર સત્ય રહે.

વિચાર

ક્યારેક આપણે બોલતા હોઈએ સાચું, પરંતુ આપણે સાચું વિચારતા નથી હોતા. જે રીતે ધર્મરાજ, કે જેને હું સત્યની બાબતમાં વારંવાર યાદ કરું છું, કારણ કે તેનું બોલવું તો સત્ય હતું, પરંતુ વિચાર અયોગ્ય હતો કે આ બનાવ બને તો આપણે સહુ બચી જઈએ. તેમણે વિચાર્યું કે મારા ‘અશ્વત્થામા હતો’ કહેવાથી દ્રોણાચાર્ય પોતાના અસ્ત્ર-શસ્ત્ર છોડી દેશે અને પરિણામ આપણી તરફેણમાં આવી જશે. એટલા માટે ધર્મરાજના સત્યને પણ પૂર્ણ સત્ય માનવામાં નથી આવ્યું. સાચો વિચાર, આપણા મનમાં શું ચાલે છે, આપણો વિચાર શું છે; તે બીજંપ કોઈ નથી જાણતું તેથી તે આપણી અંદરની વાત છે, આપણી અંદરનો વિચાર સાચો હોય તે જરૂરી છે.

વ્યવહાર

સત્ય વ્યવહાર. બીજાની સાથે આપણો વ્યવહાર સાચો હોવો જોઈએ. તેમાં છળ, કપટ, ભેદભાવ ન હોવા જોઈએ. આપણો વ્યવહાર સત્ય હોવો જોઈએ. આહાર, આચાર, વિચાર સાચાં હોય તો વ્યવહાર પણ સત્ય થઈ જાય છે.

ઉચ્ચાર

વ્યવહાર સત્ય થાય ત્યારબાદ તેનું ઉચ્ચારણ સત્ય માની શકાય. પછી તે જે બોલશે એને જ સત્ય માનવામાં આવશે. આપણી વાણી દ્વારા સત્યનું જ ઉચ્ચારણ થવું જોઈએ. સાચું જ બોલવું જોઈએ. એટલા માટે કહેવામાં આવ્યું છેઃ ‘સત્યં વદ’, સાચું બોલો.

આધાર

જેનો આધાર સત્ય ઉપર હોય તેનાં સત્યને પૂર્ણ (સત્ય) માનવામાં આવે છે, કવિવર રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે જ્યાં શબ્દ સત્યના ઊંડાણમાંથી આવતો હોય…આપણે જ્યારે ભણતા હતા ત્યારે તેમની એક કવિતા ભણવામાં આવતી હતી, તેમાં એવું આવતું હતું. મને અંગ્રેજી નથી આવડતું, પરંતુ તે સમયે મેં એ કવિતા મોઢે કરી હતી. તેમાં આ વાક્ય હતું: “Where the words come out from the depth of truth.” જ્યાં શબ્દ સત્યના ઊંડાણમાંથી આવતો હોય એવા સ્વર્ગમાં, હે પ્રભુ! મારા રાષ્ટ્રને તું લઈ જા. આવી પ્રાર્થના ટાગોરે પ્રભુને કરી છે.

આમ આહાર, આચાર, વિચાર, વ્યવહાર, ઉચ્ચાર, આધાર આ જેના જીવનમાં સત્ય બની જાય તેણે એ સત્ય પરમાત્માની પ્રાપ્તિ કરાવી દે છે. આ છ એ નીતિ દ્વારા વ્યક્તિના જીવનમાં સત્યનારાયણની સ્થાપના થાય છે.

[email protected]