The United States has Pressed India to Stop Buying Venezuelan Crude Oil
  • Home
  • Business
  • અમેરિકાની ચેતવણીઃ ભારત વેનેઝુએલા પાસેથી ખનીજ તેલ ખરીદવાનું બંધ કરે

અમેરિકાની ચેતવણીઃ ભારત વેનેઝુએલા પાસેથી ખનીજ તેલ ખરીદવાનું બંધ કરે

 | 11:17 pm IST

વેનેઝુએલાની આર્થિક સ્થિતિ હાલમાં ખૂબજ ખરાબ ચાલી રહી છે. અમેરિકા નિકોલસ માદુરો સરકારને સત્તામાંથી દૂર કરવા માટેના પ્રયાસો કરી રહ્યું છે. જેથી અમેરિકા સંપૂર્ણપણે આર્થિક અને કુટનૈતિક ચાલ રમી રહ્યું છે. આ સંદર્ભમાં જ અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ ભારતીય વિદેશ સચિવ વિજય ગોખલે સાથેની મુલાકાતમાં આ મુદ્દે ચર્ચા કરી હતી. તેમણે ભારતને અપીલ કરી કે વેનેઝુએલા પાસેથી ખનીજ તેલની ખરીદી બંધ કરી દે. જણાવી દઇએ કે વેનેઝુએલા ભારતને ખનિજ તેલની નિકાસ કરનારો ત્રીજો સૌથી મોટો દેશ છે.

ભારત અને અમેરિકાના વિદેશ સચિવોની મુલાકાત બાદ પોમ્પિયોએ સોમવારે એક પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે મને વિશ્વાસ છે કે તેઓ પણ વેનેઝુએલાના લોકોના વાસ્તવિક જોખમ વિશે જાણે છે. અમે ભારતને પણ કહ્યું છે કે તેઓ માદુરો શાસનની આર્થિક જીવનરેખા બને નહીં. આ મામલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર અને તેના સહયોગીઓએ વેનેઝુએલાના વિરોધ પક્ષના નેતા અને નેશનલ એસેમ્બલીના અધ્યક્ષ ગુઆઈદોને દેશના રાષ્ટ્રપતિ તરીકે માન્યતા આપી દીધી છે અને માદુરોને પદ છોડવા માટે કહી દેવામાં આવ્યું છે.

વેનેજુએલામાં પરિસ્થિતિ વિકટ બનતી જાય છે. અહીં સૂરજ આથમતાની સાથે જ બધે જ અંધારપટ છવાઈ જાય છે. અંધારું થતા જ દુકાનોમાં લૂંટફાટ શરૂ થઈ જાય છે. જ્યારે બીજી તરફ હોસ્પિટલોમાં દર્દીઓ ડોક્ટરો સમક્ષ જિંદગી માટે ભીખ માંગતા જોવા મળે છે. સાંજ પડતાં સુધીમાં તો વેનેજુએલામાં જનજીવન અંધકારમય બની જાય છે. વીજળી વગરનો આજે છઠ્ઠો દિવસ છે. વેનેજુએલાની રાજધાની કારાકસ સહિત મોટાભાગના વિસ્તારોમાં અંધારપટ છવાઈ જાય છે અને ફરીથી લોકોની વીજળી આવવાની આશા પર પાણી ફરી જાય છે.

તમને જણાવી દઇએ કે ભારત વેનેઝુએલા પાસેથી ખનિજ તેલ ખરીદનારો મહત્વનો આયાતકાર દેશ છે અને ભારત દેશ તેના બદલામાં રોકડામાં ચૂકવણી કરે છે. 2017-18માં ભારતે વેનેઝુએલા પાસેથી 1.15 કરોડ ટન ખનિજ તેલની આયાત કરી હતી. વેનેઝુએલામાં અત્યારે મોટું આર્થિક સંકટ ચાલી રહ્યું છે. અહીં એક બ્રેડની કિંમત હજારો રૂપિયા છે. એક કિલો મીટની કિંમત રૂ.3 લાખ તો એક લીટર દૂધ માટે રૂ.80 હજાર ચૂકવવા પડે છે. અહીં મોંઘવારી 10 લાખ ટકાના આંકડાને પાર કરી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન