The US military is planning a serious showdown with China
  • Home
  • World
  • અમેરિકી યુદ્ધજહાજો, ફાઈટર જેટ્સ અને સૈન્ય આપશે ચીનને ખુલ્લો પડકાર

અમેરિકી યુદ્ધજહાજો, ફાઈટર જેટ્સ અને સૈન્ય આપશે ચીનને ખુલ્લો પડકાર

 | 12:02 pm IST

અમેરિકી નૌકાદળના પ્રશાંત સાગરમાં તહેનાત બેડાએ ચીનને ચેતવણી આપવા વૈશ્વિક કક્ષાની કવાયત હાથ ધરવા દરખાસ્ત મૂકી છે. નૌકાદળ દ્વારા મૂકવામાં આવેલી દરખાસ્તમાં નવેમ્બરના એક સપ્તાહ દરમિયાન પ્રશાંત સાગરમાં શ્રેણીબદ્ધ કવાયત કરવા સૂચવવામાં આવ્યું છે. અમેરિકી યુદ્ધજહાજો, લડાયક વિમાનો અને સૈન્ય સાથેની જંગી કવાયત કરીને નૌકાદળ ચીનને તે સંકેત આપવા માગે છે કે અમેરિકી નૌકાદળ એક સાથે અનેક મોરચે લડવા સક્ષમ છે.

આંતરરાષ્ટ્રીય જળમાં વહાણવટાની મુક્ત અવરજવરના અધિકારની વાત ચીનનાં ગળે ઉતારવા માટે દક્ષિણ ચીન સમુદ્રી વિસ્તાર અને તાઇવાન સમુદ્રીધૂનિમાં ચીનની આંખ સામે જ કવાયત હાથ ધરવાની દરખાસ્ત છે.

સંરક્ષણ અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે ચીન સાથે અથડામણનો ઇરાદો નથી જ. અમેરિકા સમગ્ર વર્ષ દરમિયાન પ્રશાંત સાગરમાં આવી કવાયતો કરતો જ રહે છે પરંતુ માત્ર એક જ સપ્તાહના સમયમાં જંગી કવાયત હાથ ધરીને ચીનને તાકાતનો પરચો બતાવવાની નેમ સાથે દરખાસ્ત મૂકવામાં આવી છે. કેટલાક અધિકારીઓ માની રહ્યા છે કે આ તો એક માત્ર વિચાર વહેતો થયો છે. અમેરિકી અધિકારીઓ એ પણ જાણે છે કે ચીન આવી અમેરિકી કવાયતને ઉશ્કેરણીજનક માને છે, તેથી અમેરિકી નૌકાદળની આવી પહેલ વિષે ચીન તરફથી કેવી પ્રતિક્રિયા આવે છે તેના પર પણ બારીક નજર રખાઈ રહી છે.

દક્ષિણ ચીન સાગરમાં તંગદિલી વધી

ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલાં વેપારયુદ્ધ વચ્ચે દક્ષિણ ચીન સાગરમાં પણ તંગદિલી વધી રહી છે. રવિવારે એક ચીની યુદ્ધજહાજ અમેરિકી ડિસ્ટ્રોયરથી 41 મીટરનાં અંતરેથી જ પસાર થયું હતું. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે ચીન દક્ષિણ ચીન સાગરમાં અમેરિકાની તાકાકતને માપી લેવાનો ઇરાદો ધરાવે છે. ચીને રોષપૂર્વક જણાવ્યું હતું કે અમેરિકા દ્વારા જેની કાગારોળ થઈ રહી છે તે વહાણવટાની સ્વતંત્રતા ચીની સાર્વભૌમત્વ સામે જોખમ સર્જી રહી છે.