ગામડાંની એક દીકરી આખા દેશને ગૌરવ અપાવી શકે છે - Sandesh
  • Home
  • Columnist
  • ગામડાંની એક દીકરી આખા દેશને ગૌરવ અપાવી શકે છે

ગામડાંની એક દીકરી આખા દેશને ગૌરવ અપાવી શકે છે

 | 3:42 am IST
  • Share

નામ : સાક્ષી મલિક.

જન્મ : ૩ સપ્ટેમ્બર, ૧૯૯૨.

જન્મ સ્થલ : રોહતક, હરિયાણા.

ઉંમર : ૨૩ વર્ષ.

ઊંચાઈ : પાંચ ફૂટ ચાર ઇંચ.

વજન : ૫૮ કિલોગ્રામ.

રમત : ફ્રી સ્ટાઈલ રેસલિંગ.

ભારતની ત્રણ દીકરીઓએ ભારતની શાન જાળવી રાખી તેમાં સાક્ષી મલિક એક છે. પીવી સિંધુ બીજી અને દીપા કર્માકર ત્રીજી છે. આર્મ ચેરમાં બેઠાં બેઠાં લખનાર શોભા ડેને દેશની આ ત્રણ દીકરીઓએ બરાબરનો જવાબ આપ્યો છે.

હરિયાણાના એક સામાન્ય પરિવારમાં જન્મેલી સાક્ષીને રિયોમાં કાંસ્ય ચંદ્રક મળ્યો. તેને આ ચંદ્રક સરળતાથી મળ્યો નથી. તે રોહતક પાસેના મોખરા ગામની વતની છે. તે નાની હતી ત્યારે કબડ્ડી અને ક્રિકેટ રમતી હતી. કુસ્તીમાં તો તેણે પાછળથી ઝંપલાવ્યું. ૨૩ વર્ષની સાક્ષી માત્ર કાંસ્ય ચંદ્રક જ જીતી છે એવું નથી. પરંતુ ઓલિમ્પિક મેડલ જીતનારી તે ચોથી ભારતીય ખેલાડી બની ગઈ છે.

સાક્ષી કહે છે : ”હું નાની હતી ત્યારે હું વિમાનમાં ઊડવા માગતી હતી. મને થયું કે હું કોઈ ખેલાડી બની જાઉં તો મને વિમાનમાં ઊડવા મળે. જો હું ભારતનું પ્રતિનિધિત્વ કરું તો મને વિમાનમાં બેસવા મળશે.”

રસપ્રદ વાત એ છે કે એના મોટા ભાઈનું નામ સચિન તેંડુલકરના નામ પરથી સચિન પાડવામાં આવ્યું છે. સચિન તેનાથી બે વર્ષ મોટો છે. તે સાક્ષીને ક્રિકેટ રમવાનું કહેતો હતો, પણ તે ના કહી પ્લેનમાં ઊડવાનાં સપનાં જોતી હતી.

સાક્ષીએ એક વાર ઘરમાં બધાંને કહ્યું : ”મારે કુસ્તીબાજ બનવું છે.”

પરિવારે તેને બધી જ મદદ કરી. પરિણામે આજે તેનું પરિવાર સાક્ષીની વિજયગાથાથી ખુશ છે. સાક્ષી એક એવા પ્રાંતમાંથી આવે છે જે હરિયાણામાં ખાપ પંચાયતો મહિલાઓ વિરુદ્ધ ફતવા બહાર પાડે છે. તેવા પ્રદેશની એક દીકરીએ કુસ્તીના ક્ષેત્રમાં દેશને ગૌરવ અપાવ્યું છે. હરિયાણાના ફોગટ પરિવારની બહેનોને પણ અગાઉ કુસ્તીમાં જ કામિયાબી હાંસલ કરી આ ખેલને પ્રતિષ્ઠા અપાવી હતી અને એમના પહેલવાન પિતાને કાફી સામાજિક કિંમત પણ ચૂકવવી પડી હતી. એક સમયે ગામના લોકોએ ફોગટ પરિવાર સાથેના બધાં જ સંબંધો તોડી નાખ્યા હતા છતાં એ પરિવારની બહેનો કુસ્તીના ખેલમાં આગળ વધતી રહી. હવે સાક્ષી મલિક પણ એ જ ક્રમમાં એક કડી વધુ ઉમેરી રહી છે. સાક્ષીને છોકરાઓ સાથે રમીને કુસ્તીના દાવપેચ શીખવા પડયા હતા. કોઈ છોકરી તેને સાથ આપવા તૈયાર નહોતી. એ વખતે છોકરા-છોકરીઓ એકબીજાની સાથે બેસીને વાત કરી શકતા નહોતા ત્યારે સાક્ષીએ તેના ઘરથી એક કિલોમીટર દૂર છોટુરાવ સ્ટેડિયમમાં છોકરાઓ સાથે અભ્યાસ શરૂ કર્યો અને તેણે છોકરીઓ કોમળ અને નાજુક હોય છે તેવી ધારણાને ઊખેડી ફેંકી દીધી. એણે બધાં જ સુખોનો ત્યાગ કર્યો. કોઈના લગ્નમાં ન ગઈ. ક્યારે પણ સિરિયલ્સ ન જોઈ. એણે હંમેશા અભ્યાસ પર જ ધ્યાન આપ્યું.

આ મુકામ પર તે આસાનીથી પહોંચી નથી. બલકે તેને સખત પરિશ્રમ કરવો પડયો છે. ૨૦૧૪માં તેણે ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો હતો ત્યારે સંઘર્ષ બાદ તે રજત જીતી હતી. એ પરિશ્રમે તેને ઘણું શીખવ્યું. સાક્ષી કહે છે : ”એ વખતે બધાં જ મેડલ્સ મેળવતાં હતાં. એ વખતે મને લાગતું હતું કે, કોઈ પણ મેડલ લીધા વિના ઘરે પાછા જવું મારા માટે મુશ્કેલ હશે. હું ઘણાં તનાવ હેઠળ હતી. હું વિચારતી હતી- હાર ગયે તો ક્યા હો જાયેગા, લેકિન જીત ગયે તો ક્યા હો જાયેગા… મેં મારું મન હળવું કરવા કોશિશ કરી. મેં તનાવ છોડી દીધો અને દિમાગ પરના પ્રેશરને દૂર કરી દીધું. એ વાતે જ મને મદદ કરી.”

કહેવાય છે કે, સાક્ષીને રોહતકથી રિયો સુધીની સફર તય કરવા માટે પૂરા ૧૨ વર્ષ સુધી સંઘર્ષ કરવો પડયો છે. તે સમયગાળા દરમિયાન અનેક મુશ્કેલીઓ પણ વેઠવી પડી છે. તે સંઘર્ષ કરતી હતી ત્યારે બીજી સફળ મહિલા ખેલાડીઓની છાયા હેઠળ તે દબાઈ જતી હતી.

આ સમયગાળા દરમિયાન ૨૦૧૦માં જુનિયર પર્લ ચેમ્પિયનશીપમાં ૫૯ કિલોગ્રામની શ્રેણીમાં તેને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહેલો જ બ્રોન્ઝ મેડલ મળ્યો હતો તે તેની પહેલી સફળતા હતી. ચાર વર્ષ પછી ડેવ શુલ્ત્ઝ ઈન્ટરનેશનલ રેસલિંગ ટૂર્નામેન્ટની ૬૦ કિલોગ્રામ શ્રેણીમાં તેને ગોલ્ડ મેડલ મળ્યો અને તે પછી ૨૦૧૪માં ગ્લાસગોની કોમનવેલ્થ ગેમ્સમાં તે સિલ્વર મેડલ જીતી ગઈ. તે પછી તે સખત મહેનત કરતી રહી. ગયા મે માસમાં તે રિયો-ડી-જાનેરો ખાતે યોજાનારી ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ થઈ. એ પહેલાં તેને તાલીમ માટે બલ્ગેરિયા અને સ્પેન પણ જવું પડયું.

રિયોમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ તે કહે છે : ”મેરી ૧૨ સાલ કી તપસ્યા રંગ લાયી હૈં. મેરી સિનિયર ગીતા દીદીને મુઝે બહુત કુછ શીખાયા હૈં. હું જ્યારે સ્પર્ધામાં હતી ત્યારે છેલ્લી ઘડી સુધી મેં આશા છોડી નહોતી અને જીતવા માટે પરિશ્રમ કરતી રહી. મને ખબર જ હતી કે હું જીતીશ. છેલ્લા રાઉન્ડ સુધી મેં સખત મહેનત કરી. બેથી ત્રણ કલાક સુધીનો ઇન્તજાર મારા માટે કઠિન હતો, પરંતુ મને મારી જાતમાં વિશ્વાસ હતો. હું મારા દેશ માટે ખેલતી હતી. હું મારા દેશને ગૌરવ અપાવવા રમતી હતી.”

સાક્ષી મલિકના કોચનું નામ ઈશ્વર દહીયા છે. ઈશ્વર દહીયા કહે છે : ”સાક્ષી જ્યારે કુસ્તીના ક્ષેત્રમાં પ્રવેશી ત્યારે ઘણાં લોકો મહિલાઓ કુસ્તીની રમત રમે તે સામે વિરોધ કરતા હતા, પરંતુ હું તે બધાની સાથે સંમત નહોતો. સાક્ષીને કુસ્તીબાજ બનવા માટે તાલીમ નહીં આપવી તેમ હું માનતો નહોતો. તેથી જ સાક્ષીને મેં તાલીમ આપવાનો નિર્ણય કર્યો. તમે આજે જોઈ શકો છો કે ગામડાંની એક છોકરી આખા દેશને ગૌરવ અપાવી શકી છે. આ વાતનો મને આનંદ અને સંતોષ છે.”

તેઓ કહે છે : ”સાક્ષીનો ડબલ લેગ એટેક તે સાક્ષીનો સૌથી વધુ સ્ટ્રોંગ પોઈન્ટ છે.”

સાક્ષી કાંસ્ય પદક જીતી તે પછી ક્રિકેટ સચિન તેંડુલકરે કહ્યું : ”ગ્રેટ ન્યૂઝ ટુ વેકઅપ ટુ. સાક્ષી, તેં આખા ભારતને ગૌરવ અપાવ્યું છે. મેની કોંગ્રેચ્યુલેશન્સ.” વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું : ”રક્ષાબંધનના પવિત્ર દિવસે ભારતની દીકરી સાક્ષી મલિકે બ્રોન્ઝ જીતીને ભારતને અને આપણને સૌને ગૌરવ અપાવ્યું છે.” ભારતના મહામહીમ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પણ સાક્ષીને અભિનંદન પાઠવ્યાં.

હવે સાક્ષીને દેશનો સર્વોચ્ચ રમતગમત એવોર્ડ ‘રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ’ પણ મળશે. ઉત્તર પ્રદેશની સરકારે સાક્ષી મલિકને ‘રાણી લક્ષ્મીબાઈ એવોર્ડ’ની જાહેરાત કરી છે. હરિયાણા સરકારે સાક્ષીને રૂ. બે કરોડનો રિવોર્ડ આપવાની જાહેરાત કરી છે. ભારતીય રેલવેએ રૂ. ૫૦ લાખ, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશને રૂ. ૨૦ લાખ, જેએસડબલ્યુ ગ્રૂપે રૂ. ૧૫ લાખ અને એક્ટર સલમાન ખાને સાક્ષી મલિકને રૂ. એક લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.

એ નોંધવું જરૂરી છે કે સાક્ષી મલિકના દાદા પણ કુસ્તીબાજ હતા. સાક્ષીએ તેના દાદામાંથી જ પ્રેરણા લીધી હતી. સાક્ષીના મેડલ પછી તેના પિતા સુબીર મલિક અને માતા સુદેશ મલિક ખુશ છે. માતા સુદેશ મલિક કહે છે : ”મારી દીકરી કુસ્તીની તાલીમ લેવા જતી ત્યારે ઘણાં લોકો મને કહેતા કે તમે છોકરીને કુસ્તીની તાલીમ માટે કેમ મોકલો છો ? પરંતુ અમે તો સાક્ષીને સમર્થન જ આપ્યું. સાક્ષીના મક્કમ નિર્ણયે તેને સારું પરિણામ હાંસલ કરી આપ્યું જ છે.”

સાક્ષી હંમેશા આપણને વારંવાર એ વાતની યાદ  અપાવતી રહેશે કે દીકરીઓને જન્મ પહેલાં નહીં મારો તો તે આપણને કેટલું બધું સન્માન અપાવી શકે છે. સાક્ષી કહે છે : હવે મારી નજર ૨૦૨૦માં ટોકિયોમાં યોજાનારા ભવ્ય ઓલિમ્પિક પર છે.

– દેવેન્દ્ર પટેલ

www.devendrapatel.in

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો