ઝીણું દળું તો ઊડી ઊડી જાય, જાડું દળું તો કોઈ ના ખાય - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Sanskar
  • ઝીણું દળું તો ઊડી ઊડી જાય, જાડું દળું તો કોઈ ના ખાય

ઝીણું દળું તો ઊડી ઊડી જાય, જાડું દળું તો કોઈ ના ખાય

 | 3:24 am IST

તડકભડકઃ સૌરભ શાહ

તમે પોતે ગમે એટલા નિરુપદ્રવી હશો; સમાજને ઉપયોગી કામ કરતા હશો છતાં તમારા પગમાં આંટી ભેરવીને તમને પછાડી દેવાનો પ્રયત્ન કરનારા લોકો હોવાના જ છે આ સમાજમાં. તમને નડનારા, તમને ના પાડનારા, તમારો વિરોધ કરનારા, તમને પછાડનારા અને તમારી હિંમત પર પાણી રેડનારા લોકોનો તમારે સામનો કરવો જ પડે. તમારું કામ જેટલું મોટું એટલો તમારો વિરોધ વિશાળ. ગિરનારના કોઈ એક ખૂણે બેસીને કુટિયામાં ધરમધ્યાન કરનારા ભભૂતિ ચોળેલા બાવાને કોઈ નથી નડવાનું પણ ભલભલી મલ્ટીનેશનલ કંપનીઓના દાંત ખાટા કરનારા સાહસિકના કામ આડે પાંચસો વિઘ્નો આવવાનાં.

તમારી જિંદગીમાં પણ તમે આવા અનેક વિઘ્નસંતોષીઓ સાથે પનારો પાડયો હશે.

સૌથી પહેલા પ્રકારના નકારાત્મક માણસોમાં તમારી પ્રગતિ જોઈને બળી જનારા લોકો હોય છે. તમે લઈ ગયા અને અમે રહી ગયાની ભાવનાથી પીડાતા આવા લોકોને ખબર હોય છે કે તમારી હેસિયત એમના કરતાં અનેકગણી ઊંચી છે. આમ છતાં તેઓ તમારા માર્ગમાં રોડાં નાખવાના. એમના કોઈનીય પ્રગતિ જોવાતી નથી. પોતાના પ્રદેશમાં કોઈ મોટો અને ખૂબ જાણીતા ઉદ્યોગપતિનો પ્રોજેકટ આવી રહ્યો છે એવી ખબર પડશે તો તેઓ લાલ વાવટો લઈને ત્યાં દોડી જશે. તમે નવું બાઈક લીધું હશે તો ચૂપચાપ આવીને તમારી સીટના રેક્ઝિન પર બ્લેડથી ચીરો મૂકી જશે. તમે કોઈ સત્કાર્ય કરવા માટે, છાશની કે પાણીની પરબ ખોલવા માટે, ઉનાળાનાં ચાર મહિના તમારા મકાનની બહાર નાનકડો મંડપ બાંધીને રાખ્યો હશે તો કોર્પોરેશનમાં જઈને એન્ક્રોચમેન્ટની ફરિયાદ નોંધાવતા આવશે.

એમણે માની જ લીધું હોય છે કે પોતાનો જન્મ વિરોધ કરવા સારું જ થયેલો છે. એમને પોતાના ઘરમાં પણ વાત વાતમાં વાંકુ જ પડતું હોય છે – પત્ની સાથે, બાળકો સાથે, મા-બાપ સાથે, ઈવન તદ્દન અજાણ્યાઓ પર પણ તેઓ કોઈ લેવાદેવા વિના પથરા ફેંકતા રહેતા હોય છે. કોઈનીય પ્રગતિ એમનાથી જોવાતી નથી એટલું નહીં; કોઈનુંય સુખ એમનાથી જોવાતું નથી, કોઈ સંતોષી માણસ શાંતિથી પોતાનું જીવન જીવતો હોય તો એ પણ એમનાથી જોવાતું નથી.

જનમથી જ તેઓ પેટના બળ્યા હોય છે. સ્વભાવના પહેલેથી જ તેઓ આડા હોય છે. આવા તિરછા સ્વભાવના લોકોથી ભગવાન બચાવે કારણ કે તમને કલ્પના જ નથી હોતી કે આવા આવા લોકો તમને નડવાના છે, ઔઆવી આવી જગ્યાએ નડવાના છે- જેમનું ક્યારેય કશું નથી બગાડયું એવા લોકો તમને નડવાના છે.

બીજા એવા પણ લોકો હોય છે જેઓ. તમારી આડે આવીને અન્ય લોકોની આગળ પોતે કેટલા બહાદુર છે એવી ફિશિયારી મારતા રહે છે. મેં તો મોદી વિરુદ્ધ અમારી જ્ઞાાતિના સામયિકમાં સણસણતો ચર્ચાપત્ર લખી નાંખ્યો, આપણે કોઈની સાડાબારી રાખીએ એમ નથી. આવા લોકોનો નેકસ્ટ ટાર્ગેટ ડોનાલ્ડ ટ્રમ્પ હશે પણ પોતે જે સ્કૂલમાં કલાર્કની નોકરી કરે છે તેના પ્રિન્સિપાલ કે ટ્રસ્ટીની ગેરરીતિઓ વિરુદ્ધ અવાજ ઉઠાવવાની હિંમત એમનામાં નથી હોતી. નબળો ધણી બૈરી પર જ શૂરો હોય.

ત્રીજી કેટેગરીમાં એવા લોકો આવે છે જેમનો સ્વભાવ દરેક જગ્યાએ ખોડખાંપણ શોધવાનો હોય. એમની વાત સાચી હોય પણ મહત્ત્વની બિલકુલ ન હોય. સરસ જમવાનું આપતી રેસ્ટોરાંમાં જઈને બધા લોકો રસોઈનાં વખાણ કરતા હશે ત્યારે આ ભાઈ કે આ બહેન વળિયારી હવાઈ ગઈ છે કે નેપ્કીનમાં ડાઘ હતો એવી ફરિયાદ કરશે. કોઈ સુંદર પુસ્તક વાંચ્યા પછી એનું બાઈન્ડિંગ હજુ સારું હોઈ શક્ત એવું સૂચન કરશે.

દરિયા કિનારે કે હિલ સ્ટેશન પર જઈને સૂર્યાસ્ત માણતી વખતે એમને યાદ આવશે કે ગયા વખતે આપણે જે સનસેટ જોયેલો એટલો સારો અત્યારે નથી દેખાતો ને!

અંગ્રેજીમાં જેમને ‘ને સેયર્સ’ કહે છે એવા આ લોકોને દરેક વાતે વાંકું પડતું હોય છે. ગુજરાતી લોકગીતોમાં તો આવા લોકોને દાયકાઓ પહેલાં જ ઓળખી કાઢવામાં આવ્યા છેઃ ઝીણું દળું તો ઊડી ઊડી જાય, જાડું દળું તો કોઈ ના ખાય….મારા તે ઘરમાં સસરાજી એવા!

– પાન બનાર્સવાલા

– જે લોકોએ પોતાની આંખે ડાબલાં પહેરી રાખ્યા છે એમના કહેવાથી ક્યારેય તમારી દિશા બદલવાની નહીં.

– અજ્ઞાાત

www.facebook.com/Saurabh.a.shah