આખા દેશને દર્દ છે કે પંજાબના એક સપૂતને આપણે સાચવી ના શક્યા - Sandesh
  • Home
  • India
  • આખા દેશને દર્દ છે કે પંજાબના એક સપૂતને આપણે સાચવી ના શક્યા

આખા દેશને દર્દ છે કે પંજાબના એક સપૂતને આપણે સાચવી ના શક્યા

 | 12:13 am IST

સ્નેપ શોટ : મયૂર પાઠક

સરકારો પર આક્રોશ ત્યારે જ ફાટી નીકળે છે કે જ્યારે દેશની સેવા કરનારા બહાદૂરોનું રક્ષણ આપણી સરકારો કરી શકતી નથી. દેશના જે બહાદૂર નાગરિકોનું જવાનો બુરાઈની સામે જાનની બાજી લગાવીને ગયા છે. એ લોકોને જ્યારે લાચાર, બેબસ, થવાનો વારો આવે પોતાની સુરક્ષા માટે સતત પોલીસ અને સરકાર સામે આ લોકોને કરગરવું પડે અને છતાં આ બહાદૂર લોકોને સહાય ના મળે અને આતંકીઓના હાથે મરવું પડે. આ આખી વાત જ ખૂબ જ દર્દનાક છે અને પોલીસ અને તંત્રની લાપરવાહી સામે મસ્તક ઝૂકી જાય છે.

વાત છે પંજાબના તરણતારણ ડિસ્ટ્રીક્ટના ભીખીવિન્દ નામના ગામમાં રહેતાં બલવિન્દર સિંહના ઘરમાં ઘૂસીને ૧૭મી ઓક્ટોબરે અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. આ આખી ઘટનાને દેશની ટીવી ચેનલ અને મીડિયામાં કોઈ ખાસ કવરેજ મળ્યું નથી. ટીવી ચેનલોને પોતાની ્ઇઁમાં જ રસ છે. દેશનો કોઈ બહાદુર નાગરિકની આતંકીઓ હત્યા કરી દે તે વાતમાં ટીઆરપી વધે તેવી ટીવી ચેનલોને લાગતું નહી હોય કે પરિણામે આ આખી ઘટનાને અંડરલાઈન કરવામાં આવી છે. ટીવી ચેનલો અને મીડિયાનું જે ગણિત હોય તે પરંતુ, ભારત-પાકિસ્તાનની સરહદથી થોડેક દૂર આવેલા એક ગામના નાગરિક બલવિન્દર સિંહની હત્યા દેશના ૧૩૦ કરોડ નાગરિકો માટે ચિંતા અને શરમનો વિષય બની ગઈ છે.

બલવિન્દર સિંહ સંધુ પંજાબમાં ફાલેલા આતંકવાદ સામે લડનાર એક શૂરવીર નાગરિક હતાં. તેમની શૂરવીરતા આતંકીઓ સામે એટલી જબરજસ્ત હતી કે ભારત સરકારે ૧૯૯૩માં બલવિન્દરસિંહ સંધુ અને તેમના પરિવારનું શૌર્યચક્ર અર્પણ કરીને રાષ્ટ્રપતિ શંકરદયાળ શર્માના હસ્તે સન્માન કરાયું હતું. બલવિન્દર સિંહ સંધુ સાથે તેમના ભાઈ રણજીતસિંહ સંધુ અને બંને ભાઈઓની   પત્નીઓ જગદીશકૌર સંધુ અને બલરાજકૌર સંધુનું પણ શૌર્યચક્ર હેઠળ સન્માન કરવામાં આવ્યું હતું.

સંધુ પરિવારનું કેન્દ્ર સરકારે દિલ્હી બોલાવીને રાષ્ટ્રપતિ ભવનમાં સન્માન એટલા માટે કર્યુ હતું કે જ્યારે પંજાબમાં આતંકવાદ તેના ૫ૂરજોશમાં હતો ત્યારે આ પરિવારે આતંકવાદીઓનો જાનની પરવાહ કર્યા વગર સામનો કર્યો હતો. સરકારી રેકર્ડ પર છે કે ૩૧ જાન્યુઆરી ૧૯૯૦થી શરૂ કરીને ૨૮ ડિસેમ્બર-૧૯૯૧ સુધીના ૧૧ મહિનાના સમયગાળામાં સંધુ પરિવાર પર ૧૬ વખત આતંકી હુમલા થયાં. આતંકીઓએ આ હુમલા દરમિયાન ૧૦ના ગ્રૂપથી લઈને ૨૦૦ સુધીના ટોળાઓએ ભેગા થઈને સંધુ પરિવાર પર હુમલો કર્યો. પરંતુ દરેક વખતે સંધુ પરિવારના ભાઈઓ અને તેમની પત્નીઓએ સરકારે તેમને ખાસ સંજોગોમાં આપેલા હથિયારો જેવા કે બંદૂક અને સ્ટેન્ડગનથી આતંકીઓનો જોરદાર સામનો કર્યો અને આતંકીઓને પાછા ફરવાની ફરજ પાડી હતી. સંધુ પરિવાર પર સૌથી ખતરનાક હુમલો ૩૦ ડિસેમ્બર-૧૯૯૦  ના દિવસે થયો હતો. આ દિવસે અંદાજે ૨૦૦ જેટલા આતંકીઓએ બલવિન્દરસિંહ સંધુના ઘરને ચારેબાજુથી ઘેરી લીધુ હતું. મશીનગનો અને રોકેટ લોન્ચર સુધીના હથિયારોથી સંધુ પરિવારના કિલ્લા જેવા મકાન પર સતત પાંચ કલાક સુધી હુમલો કર્યો હતો. આ હુમલો ખૂબ જ પ્લાનિંગ કરીને કરાયો હતો. સંધુના ઘર તરફ જવાના રસ્તા પર આતંકીઓએ ખાડા ખોદીને સુરંગો પણ બિછાવી દીધી હતી. જેથી પોલીસની મદદ આવે તો તેને રોકી શકાય. જોકે, આ હુમલો પણ બલવિન્દર સંધુ અને તેના ભાઈ અને પત્નીએ મળીને નાકામયાબ બનાવ્યો હતો.

બલવિન્દરસંધુ આતંકીઓના હિટલિસ્ટ પર એટલા માટે હતા કે તેઓ શરૂઆતથી પંજાબમાં આતંકવાદનો જાહેરમાં વિરોધ કરતા હતાં. સંધુ તેમના ગામ ભીખીવિન્દમાં  કોમરેડ બલવિન્દરસિંહના નામે ઓળખાતા હતા. બલવિન્દરસિંહ સંધુ અને તેમના પત્ની જગદીશ કૌર સીપીઆઈ(એમ)ના સક્રિય કાર્યકર હતા અને પોતાના વિસ્તારમાં આતંકવાદી વિરોધ મુહિમ ચલાવતા હતા. તેઓ ગામમાં એક સ્કૂલ પણ ચલાવતા હતા અને સ્કૂલમાં આવતા બાળકોને આતંકવાદ કેટલો ખરાબ છે અને તેની દેશને કેવી અસર થાય તેની પાકી સમજ અપાતી હતી. બલવિન્દર સંધુની આ હરકતથી ખાલિસ્તાનની માગણી કરતાં પાકિસ્તાન પ્રેરિત પંજાબમાં આતંકવાદ ચલાવનાર લોકો ખુબ જ ગુસ્સે ભરાયા હતા અને કોઈપણ હિસાબે બલવિન્દરસંધુનો ખાતમો બોલાવવા નિર્ધાર કર્યો હતો. પરંતુ બલવિન્દરસંધુ પણ સરદારનો બચ્ચો હતો. તેને પણ નક્કી કરી લીધુ હતું કે જીવન જશે તો જશે. પરંતુ આતંકવાદીઓના શરણે નહી થાઉ. આમ ૮૦-૯૦ ના દાયકામાં બલવિન્દરસંધુ પર ૧૬-૧૬ વખત જાનલેવા હુમલાઓ થયા. પરંતુ સંધુ અને તેમના પરિવારે આતંકીઓનો સામનો કર્યો અને તેમને પીછેહટ કરવા મજબૂર કર્યા.

બલવિન્દર સંધુ અને તેમના પરિવારની આ અભૂતપૂર્વ બહાદુરી અને હિમ્મતને કારણે કેન્દ્ર સરકારે તેમનું શૌર્યચક્ર આપીને સન્માન તો કર્યુ. આ ઉપરાંત તે વખતના પંજાબના ગવર્નર જે.એફ.રીબેરો પણ બલવિન્દર સંધુના પ્રશંસક બની ગયા હતાં. પંજાબમાં આતંકવાદ સામે લડવા ખાસ નિમાયેલા રીબેરોએ બલવિન્દર સંધુને ખાસ પોલીસ સુરક્ષા પણ આપી હતી.

કરૂણતા એ છે કે પંજાબની રાજ્ય સરકારે બલવિન્દર સંધુ અને તેમના પરિવારને આપેલી ખાસ પોલીસ સુરક્ષા છેલ્લા છ મહિનાથી પાછી ખેંચી લીધી હતી. બલવિન્દર સંધુએ પોતાના પરિવારને પોલીસ સુરક્ષા આપવા સતત માગ કરી. પરંતુ સંધુની ફરિયાદ જડ તંત્રએ સાંભળી નહી. બલવિન્દર સંધુને ખબર હતી કે ખાલિસ્તાનના આતંકવાદીઓના હિટલિસ્ટ પર હજુપણ તેમનું નામ છે. બલવિન્દર સંધુને ધમકીઓ પણ મળતી હતી. એટલે તેમને વારંવાર પંજાબના પોલીસ મહાનિર્દેશક દિનકર ગુપ્તાને પોતાની સુરક્ષા પાછી આપવા માગણી કરી. જ્યારે સંધુની માગણીનો સ્વીકાર ના થયો ત્યારે એક તબક્કે સંધુએ કેન્દ્ર સરકારે તેમને આપેલો શૌર્ય પુરસ્કાર પરત આપવાની પણ જાહેરાત કરી આમ છતાં, સંધુને પોલીસ સૃુરક્ષા ના જ મળી.

પરિણામ એ આવ્યું કે બે દિવસ પહેલાં બલવિન્દર સંધુના ઘરની બહાર સવારે ૭ કલાકે મોટર સાઈકલ પર આવેલા બે હુમલાખોરોમાંથી એક વ્યક્તિએ સંધુના ઘરમાં ઘૂસીને ગોળી ચલાવી સંધુની હત્યા કરી નાખી. દેશનો એક જવામર્દ નાગરિકનું ૬૭ વર્ષની ઉંમરે મોત થયું. તે આખી ઘટના આખા દેશ માટે શરમજનક છે. હવે પંજાબ સરકાર આ ઘટના અંગે જીITની રચના કરી તપાસની જાહેરાત કરી છે પરંતુ, હવે આખી વાત ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી છે. વીરોની ધરતી પંજાબે તેના એક સપૂતને ગુમાવ્યો છે જેનું આખા દેશને દર્દ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન