શમીના બચાવમાં આવ્યો ભારતનો આ વિકેટકીપર-બેટ્સમેન, કહી નાખ્યું કંઇક આવું... - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • શમીના બચાવમાં આવ્યો ભારતનો આ વિકેટકીપર-બેટ્સમેન, કહી નાખ્યું કંઇક આવું…

શમીના બચાવમાં આવ્યો ભારતનો આ વિકેટકીપર-બેટ્સમેન, કહી નાખ્યું કંઇક આવું…

 | 9:10 pm IST

ક્રિકેટર મોહંમદ શમી અને તેની પત્ની વચ્ચેનો વિવાદ સતત વધી રહ્યો છે. રવિવારે હસીન જહાંએ પ્રેસ કોન્ફરન્સ કરી શમી પર આરોપ લગાવ્યા હતા. જહાંએ કહ્યું કે, જો શમી સંબંધો સુધારવા માગે છે તો હું વિચારીશ પરંતુ જો હું સમાધાન કરવાની વાત કરું તો હું ગુનેગાર સાબિત થઈ જઇશ. લોકોને લાગશે કે, મેં શમી પર જે આક્ષેપ કર્યા છે તે ખોટા હતા.

શમીના આરોપો પર હસીન જહાંએ કહ્યું કે, શમીએ કોઇ પણ વાતનો જવાબ યોગ્ય રીતે આપ્યો નહોતો. તે દરેક બાબત પર ગોળ-ગોળ જવાબ આપી રહ્યો છે. હોળીની તસવીરો અંગે હસીને કહ્યું કે, શમી તે વખતે ડરી ગયો હતો કારણ કે, તેનો મોબાઇલ મને મળી ગયો હતો.

કારમાંથી ફોન ગાયબ થયા બાદ શમી ડરી ગયો હતો જેને કારણે તે મારી સાથે સારું વર્તન કરી રહ્યો હતો. મેં ચાર દિવસ સુધી શમીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેને તેની ભૂલ સ્વીકારવાનું પણ કહ્યું હતું પરંતુ તે માન્યો નહોતો. હસીન જહાંએ કહ્યું કે, જો તે મોબાઇલ મારા હાથમાં ના આવ્યો હોત તો તે આજે યુપીમાં હોત અને મને તલાકની નોટિસ મોકલી ચૂક્યો હોત. શમી મને તલાક આપવાની તૈયારી કરી રહ્યો હતો.

શમી પત્ની અને દેશને દગો આપે તેવો નથી : ધોની
પત્ની હસીન જહાં દ્વારા લગાવાયેલા આરોપ દ્વારા વિવાદમાં ફસાયેલા મોહંમદ શમી અંગે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન ધોનીએ કહ્યું કે, શમી એક સારો માણસ છે અને તે પોતાની પત્ની અને દેશની સાથે દગો કરે તેવું ન બની શકે. ધોનીએ વધુમાં કહ્યું કે, આ તેમનો અંગત મામલો છે. આ મામલે અમારે કોઈ પણ પ્રતિક્રિયા આપવી અયોગ્ય ગણાશે. ધોનીએ કહ્યું કે, શમી એક સારો ક્રિકેટર છે અને તેણે અંગત સમસ્યાઓનો ઉકેલ લાવી ક્રિકેટ પર વધુ ધ્યાન આપવાની જરૂરત છે.

હું વાત કરવા તૈયાર છું : શમી
પત્ની હસીન જહાં દ્વારા લગાવાયેલા આરોપ અંગે શમીએ કંઈ કહ્યું નહોતું પરંતુ તેણે કહ્યું કે, હું આ મામલે વાત કરવા તૈયાર છું. શમીએ કહ્યું કે, જો વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ આવે તો તેનાથી સારું બીજું શું હોઈ શકે. આ મુદ્દાનો ઉકેલ લાવવો અમારા બંને અને અમારી દીકરી માટે યોગ્ય રહેશે. હસીન જહાં મને જ્યાં બોલાવશે ત્યાં વાચચીત કરવા પહોંચી જઇશ. બીજી તરફ હસીન જહાંએ કહ્યું કે, શમીએ ભૂલ કરી પરંતુ મેં ઘર બચાવવાનો પ્રયાસ કર્યો હતો. હવે ઝઘડો ઘણો મોટો થઈ ગયો છે અને શમીએ જે પણ કહેવું હશે તે તેના વકીલ દ્વારા વાત કરે. હવે હું મારી પુત્રીના ભવિષ્ય અંગે વિચાર કરીશ.