The wife has not yet been a periods . Will she be pregnant?
  • Home
  • Featured
  • પત્નીને હજી સુધી માસિક નથી આવ્યું. શું તે ગર્ભવતી હશે?

પત્નીને હજી સુધી માસિક નથી આવ્યું. શું તે ગર્ભવતી હશે?

 | 11:50 am IST

મૂંઝવણ : ડો. અક્ષરકુમાર શર્મા

કેટલીક વખત મહિલાઓ તેમના પીરિયડ્સને લઇને પરેશાન રહે છે. મહિલાઓ તેમના પાર્ટનર સાથે સંબંધ બાંધી દીધા બાદ પીરિયડ્સ આવતા નથી અને પ્રેગનેન્સી રહી જવાની ચિંતા રહે છે. તો આવો જાણીએ શુ માસિક નથી આવતું તો મહિલા ગર્ભવતી હોય શકે.

પ્રશ્ન : મારી ઉંમર ૨૦ વર્ષ છે. અમારા લગ્નને હજી ૨ મહિના જ થયા છે. લગ્ન પછી અમે એક અઠવાડિયું સાથે રહ્યા હતા. ત્યારબાદ હું નોકરી માટે બીજા ગામ આવ્યો છું, અને પત્ની તેના પિયર ગઇ છે. અમે એક અઠવાડિયું સાથે રહ્યાં તે દરમિયાન ખૂબ સેક્સ કર્યું હતું. પત્નીએ તે સમયે ગર્ભ નિરોધક ગોળી પણ લીધી હતી. લગ્ન પછી અને એક અઠવાડિયું સેક્સ કર્યા બાદ અચાનક એક દિવસ પત્નીને માસિક આવ્યું હતું. પછી નથી આવ્યું, હાલ તેની માસિકની તારીખ આવી ગઇ છે. તે તારીખ ગયાને પણ પાંચ છ દિવસ થઇ ગયા છે, પણ પત્નીને હજી સુધી માસિક નથી આવ્યું. તો શું તે ગર્ભવતી હશે? અમારે હાલ બાળક નથી જોઈતું. અમને જણાવશો કે આ અંગે શું કરવું જોઇએ?

જવાબ : ગર્ભ નિરોધક ગોળી લેવાથી મોટેભાગે આ તકલીફ રહેતી હોય છે. તેનાથી માસિક ઉપર નીચે થઇ જતું હોય છે. વળી પહેલીવાર સેક્સ કર્યું હોય તે પછી પણ શરીરમાં થોડા હોર્મોનલ ફેરફાર થતા હોય છે. ઘણી સ્ત્રીને સેક્સ કર્યા બાદ માસિકની જે તારીખ હોય તેના કરતાં પંદર દિવસ મોડું માસિક આવ્યું હોય. માટે ગભરાવાની જરૂર નથી. તેમ છતાં એવું લાગે તો હજી એક કે બે દિવસ રાહ જોઇને પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ ઘરે લાવીને ટેસ્ટ કરી લો. અને જો રિપોર્ટ પોઝિટિવ હોય તો તરત ગાયનેકને બતાવજો. રહી વાત ગર્ભ ન રહે તે માટેની ગોળીની તો મારી સલાહ એ રહેશે કે આ ગોળી લાંબેગાળે ખૂબ હાનિકારક સાબિત થાય છે. માટે આ ગોળીનું સેવન કરવાને બદલે ગર્ભ નિરોધ (કોન્ડોમ) વાપરવાનું રાખો. જેથી કરીને આગળ જતાં ગર્ભ નિરોધક ગોળીઓની આડઅસરથી તમારી પત્ની બચી જાય.

પ્રશ્ન : મારા લગ્ન થઇ ચૂક્યા છે. મારી સમસ્યા એ છે કે મારા શિશ્ન પર કાયમ માટે ત્વચા રહે છે. જ્યારે હું સંભોગ કરું છું ત્યારે પણ તે આડી આવી જાય છે, પરિણામે મને સંભોગ સમયે તકલીફ પડે છે. અને બળતરા પણ થાય છે. આ કારણે વીર્ય જલદીથી સ્ખલિત થઇ જાય છે. આ તકલીફમાંથી છુટકારો મેળવવા હું ઓપરેશન કરાવી ચામડીને કાઢી નાખવાનું વિચારું છું. તો હું જાણવા માંગુ છું કે આ ઓપરેશન કરાવાય? તેનાથી કોઇ તકલીફ તો નહીં થાય ને?

જવાબ : તમારા જેવી તકલીફ ઘણા પુરુષને હોય છે. શિશ્નની આડે ચામડી આવી જવાથી સેક્સમાં તકલીફ રહેતી જ હોય છે. અને તેના કારણે બળતરા થવાની પણ સમસ્યા દરેકને થતી હોય છે. ઘણી વાર છોકરો નાનો હોય ત્યારે જ તેના માતા-પિતાને ખ્યાલ આવી જાય છે કે તેમના દીકરાને શિશ્ન આડે ચામડી આવી જાય છે, પરિણામે બાળક પેશાબ કરતી વખતે બળતરા થવાની ફરિયાદ કરાવતા હોય છે. અને માતા-પિતા જ્યારે ડોક્ટરને બતાવે ત્યારે ડોક્ટર પણ ઓપરેશનની જ સલાહ આપે છે. તમારા કેસમાં પણ આવું જ છે. ઓપરેશન એ આ તકલીફનો શ્રેષ્ઠ ઇલાજ છે. તેનાથી આગળ કે વર્તમાન સમયમાં કોઇ જ સમસ્યા નહીં નડે. ઘણા આ ઓપરેશન કરાવતા જ હોય છે, અને તેમ છતાં પણ સારામાં સારી સેક્સ લાઇફ માણી શકતા હોય છે. માટે ચિંતા કરવાની કોઇ જ જરૂર નથી. તેમ છતાં તમને મનમાં શંકા હોય તો તમે ઓપરેશન પહેલાં બે-ત્રણ ડોક્ટરની સલાહ લઇ શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન