દુનિયાનો સૌથી મોટો ઠગ ફ્રેંક એબેગ્નેલ જેને ૨૬ દેશોની બેન્કોને લૂંટી લીધી હતી - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • દુનિયાનો સૌથી મોટો ઠગ ફ્રેંક એબેગ્નેલ જેને ૨૬ દેશોની બેન્કોને લૂંટી લીધી હતી

દુનિયાનો સૌથી મોટો ઠગ ફ્રેંક એબેગ્નેલ જેને ૨૬ દેશોની બેન્કોને લૂંટી લીધી હતી

 | 7:47 am IST

લાઈવ વાયરઃ મયુર પાઠક

દેશમાં આજકાલ બેન્ક કૌભાંડની ચર્ચા જોરમાં છે. બેન્ક સાથે ફ્રોડ કરનારાઓ નિરવ મોદીથી માંડીને મેહુલ ચોકસી, વિજય માલિયા, હર્ષદ મહેતા જેવાં નામો લોકોની જીભ પર છે. પરંતુ આજે આપણે એવાં વ્યક્તિની વાત કરવાની છે કે જે દુનિયાના તમામ કૌભાંડીઓનો બાપ છે. હર્ષદ મહેતા અને નિરવ મોદી જેવા કૌભાંડીઓ તો તેની પાસે બચ્ચાં જેવા છે. અમેરિકાના ૫૦ રાજ્યો અને દુનિયાના ૨૬ દેશોની બેન્કો સાથે જેને ફ્રોડ કર્યા છે તે મહાઠગનું નામ ફ્રેંક જુનિયર એબેગ્નેલ. ૧૯૪૮ માં જન્મેલો આ શખ્સ ક્રાઈમની દુનિયામાં એટલો મશહુર થઈ ગયો કે તેની લાઈફ સ્ટોરી પરથી ૨૦૦૨માં હોલિવૂડે “કેચ મી ઈફ યુ કેન” નામની ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં એબેગ્નેલનો રોલ ટાઈટેનિક ફેમ લીયોનાર્ડો ડી. કેપ્રિયોએ ભજવ્યો હતો. જ્યારે એફબીઆઈના એજન્ટનો રોલ ટોમ હેન્ક્સે કર્યો હતો. આ ફિલ્મ એબેગ્નેલની ઓટોબાયોગ્રાફી “કેચ મી ઈફ યુ કેન”(૧૯૮૦) પરથી બની હતી. આ ઠગ સમ્રાટ પર અત્યાર સુધી ચાર બુક લખાઈ છે. જેમાં “ધ આર્ટ ઓફ ધ સ્ટીલ(૨૦૦૧)”, રીયલ યુ ગાઈડ ટુ આઈડેન્ટિટી થેપ્ટ (૨૦૦૪), સ્ટીલિંગ યોર લાઈફ (૨૦૦૭), નો સમાવેશ થાય છે.

આટલી વાત પરથી ખબર પડી જશે કે આપણે જે ઠગની વાત કરવાની છે તે કોઈ ચલતો પૂરજો માણસ નથી પરંતુ દુનિયાનો સૌથી મોટો ધૂર્ત, ચાલાક અને હરામખોર માણસની વાત કરનાર છીએ. ફ્રેંચ માતા અને જ્યુઈસ પિતાનું સંતાન એબેગ્નેલ જ્યારે બાર વર્ષનો થયો ત્યારે તેના માતા-પિતા છૂટા પડયાં હતાં અને ૧૪ વર્ષનો થયો ત્યારે બંનેએ ડિવોર્સ લીધાં હતાં. એબેગ્નેલે જિંદગીનું પહેલું કૌભાંડ તેના ઘરમાં જ કર્યું હતું અને આ કૌભાંડનો શિકાર તેના પિતાને બનાવ્યા હતાં. ૧૫ વર્ષની ઉંમરે એબેગ્નેલના પિતાએ તેને પેટ્રોનું ક્રેડિટ કાર્ડ આપ્યું હતું. એબેગ્નેલે આ ક્રેડિટ કાર્ડના ઉપયોગથી ટાયર, બેટરી અને બીજી કાર રિલેટેડ વસ્તુઓ ખરીદી અને પછી આ જ વસ્તુઓ ઓછા પૈસે એ જ સ્ટોરને વેચી દીધી હતી. એબેગ્નેલના પિતાને જ્યારે ૩૪૦૦ ડોલરનું બિલ ક્રેડિટ કાર્ડની કંપનીએ ફટકાર્યું ત્યારે જ તેના પિતાને ખબર પડી કે તેમની સાથે ચીટિંગ થઈ રહી છે.

૧૫ વર્ષની ઉંમરે જ ચીટિંગના ધંધામાં પાવરધો થઈ ગયેલા એબેગ્નલે ત્યાર પછી પાછું વળીને જોયું નથી. બેન્કોને તો તે રમત વાતમાં છેતરી નાખે. શરૂઆતમાં તે બેન્કના પોતાના પર્સનલ એકાઉન્ટમાં ઓવરડ્રાફટ લેતો અને ઓવરડ્રાફટ માટે બેન્ક પૈસા માગવાનું શરૂ કરે ત્યારે તે બેન્ક બદલી નાખે અને બીજી બેન્કમાં આજ ધંધો ફરી ચાલુ કરે. સમય જતાં બેન્ક સાથે ચીટિંગ કરવા માટે તેને જુદી જુદી ટેકનિક અપનાવી જેમ કે બેન્ક જેવા જ ચેક તે છાપવા લાગ્યો અને બોગસ પેરો ચેક બનાવી તે બેન્કના ખાતામાં ભરવા લાગ્યો અને આ ચેક જોઈને તેને એડવાન્સ રૂપિયા આપવા લાગી. આવી જ રીતે તે પોતાના નામે બોગસ એફડીઓ પણ બનાવવા લાગ્યો અને બેન્કમાંથી આવી એફડીઓ વટાવી પૈસા મેળવવા લાગ્યો. બેન્કને જયારે ખબર પડે કે આ બોગસ એફડી છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. એબેગ્નેલે કયાં તો શહેર બદલી નાખ્યું હોય અથવા તો પોતાની ઓળખ જ બદલી નાખી હોય. ખોટા સરનામા, ખોટા આઈડેન્ટિટી કાર્ડ અને ખોટી ઓળખ તે રમતાં રમતાં બનાવી લેતો.

હદ તો ત્યારે થઈ છે એબેગ્નેલ પાન અમેરિકન વર્લ્ડ એરવેજનો પાયલોટ બની ગયો હતો. જિંદગીમાં એબેગ્નલે પ્લેન ઉડાડયું ન હતંુ, પરંતુ પાયલોટનું ખોટું આઈકાર્ડ અને પાયલટનો ડ્રેસ પહેરીને એબેગ્નેલે ૧૬ લાખ કિ.મી.ની વિમાની મુસાફરી મફત કરી હતી. ૨૫૦ કરતા વધારે ફલાઈટમાં તે ૨૬ દેશોમાં પાયલોટના વેશે ફર્યો હતો અને પાયલોટોને મળતી મફત હોટલોમાં રહેવાની સેવા અને ખાણીપીણીનો પણ બિનધાસ્ત રીતે ઉપયોગ કર્યો હતો. આ દરમિયાન તે સંખ્યાબંધ સુંદર છોકરીઓના પણ સંપર્કમાં આવ્યો હતો અને આ છોકરીઓને પણ તેને ફસાવીને ભરપૂર મોજ માણી હતી. પોતાની ઓટોબાયોગ્રાફીમાં એક કિસ્સાને ટાંકતા એબેગ્નલે જણાવ્યું હતંુ કે એક સમયે એક ફલાઈટની મુસાફરી દરમિયાન પ્લેન ઉડાડતાં એક પાયલોટે મને પ્લેન ચલાવવાની ઓફર કરી હતી. ત્યારે પ્લેન ૩૦ હજાર ફૂટની ઊંચાઈ પર હતંુ અને પ્લેનમાં ૧૪૦ મુસાફરો હતા. આ તબક્કે એબેગ્નેલ ગભરાઈ ગયો હતો કારણ કે તે જાણતો હતો કે તેને તો પતંગ ઉડાડતા પણ આવડતંુુ નથી. એબેગ્નલે ત્યારબાદ બોગસ ટીચર બની ગયો હતો. ફ્રેંક એડમ્સના નામે તેને બ્રિન્ગહામ યોટઅન્ગ યુનિવર્સિટીમાં ટીચરની જોબ લઈ લીધી હતી. આવી જ રીતે એબેગ્નેલ બોગસ ડોકટર પણ બનીને ૧૧ મહિના જેટલો સમય જ્યોર્જિયાની હોસ્પિટલમાં ફ્રેંક વિલિયમ્સના નામે જોબ કરી હતી. એક દિવસ જ્યારે નર્સે તેને કહ્યું બાળક બ્લ્યૂ બેબી થઈ ગયું છે. એબેગ્નેલને બ્લ્યૂ બેબી એટલે શું તે જ ખબર ન હતી. પોતે નાના બાળકોના જીવન સાથે નહિ શકે તે રિયલાઈઝ થતાં તેને ૧૧ મહિના પછી આ ડોકટરની જોબ છોડી દીધી. એબેગ્નેલ અમેરિકાની પ્રખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીની બોગસ લો ડિગ્રી બનાવીને લુસિયાના સ્ટેટ એટર્ની જનરલની ઓફિસમાં વકીલ તરીકે પણ જામી પડયો હતો. ત્યારે એબેગ્નેલની ઉંમર માત્ર ૧૯ વર્ષની હતી. ૧૫ થી ૨૧ વર્ષ દરમિયાન એબેગ્નેલ ઠગાઈ અને છેતરપિંડીના ધંધામાં ભલભલાને ઉલ્લું બનાવ્યા હતા અને પોતે કરોડો ડોલરનો હાથફેરો કરી નાખ્યો હતો. ૧૯૬૯ માં પહેલીવાર એબેગ્નેલ ફ્રાન્સ પોલીસના હાથે ઝડપાયો હતો. એરફ્રાન્સની એરહોસ્ટેસે એબેગ્નલને ઓળખી લીધો હતો અને તેને પોલીસને જાણ કરી પકડાવી દીધો હતો.

 

એબેગ્નેલની ધરપકડ થતાં જ બાર દેશોની પોલીસે એબેગ્નેલને પોતાને સોંપવા ફ્રાન્સની પોલીસ પાસે માગણી કરી હતી. આ તમામ દેશોમાં એબેગ્નેલે નાના-મોટા કૌભાંડો કર્યા હતા. ફ્રાન્સની કોર્ટે તેને એક વર્ષની સજા ફટકારી હતી જે પાછળથી ઘટાડીને છ મહિનાની કરી દીધી હતી. ફ્રાન્સ પાસેથી સ્વિડનની પોલીસ એબેગ્નેલને લઈ ગઈ હતી અને છ મહિના સ્વિડનની જેલમાં તેને રખાયો હતો. ત્યારબાદ એબેગ્નેલનો કબજો અમેરિકા પોલીસને સોંપાયો હતો. જયાં એબેગ્નેલને બાર વર્ષની કેદની સજા ફટકારીને જેલમાં પૂરી દેવાયો હતો.

એબેગ્નેલે જેલમાંથી પણ ભાગી છૂટવાના બે વખત પ્રયત્ન કર્યા હતાં. અમેરિકાની જેલમાં પાંચ વર્ષ કરતાં પણ ઓછો સમય રહ્યાં બાદ સરકારે તેને એક શરત સાથે છોડી મૂકયો હતો. આ શરત એ હતી કે એબેગ્નેલે એફબીઆઈને બેન્ક કૌભાંડના કેસોમાં મદદ કરવાની. બેન્કો સાથે ચીટિંગ કરવામાં નંબર વન એવાં એબેગ્નેલ જો અમેરિકાની પોલીસને મદદ કરે તો અમેરિકામાં થતાં બેન્ક કૌભાંડો ઘણા ઓછા થઈ જાય એ વાત પર જ એફબીઆઈએ ઠગ એબેગ્નેલના ભેજા ઉપયોગ કરવાનું નક્કી કયુંર્ અને બધાની નવાઈ વચ્ચે એબેગ્નેલ અમેરિકન પોલીસનો એક હિસ્સો બની ગયો હતો. ત્યારપછી તો એબેગ્નેલે બેન્કોમાં પોતાના પ્રવચનો યોજવાનું શરૂ કર્યું. બેન્કોને તે કહેતો કે મારા લેકચરથી તમારી બેન્કમાં થતાં કૌભાંડો ઓછા થાય તો મને ૫૦૦ ડોલર આપજો. આ રીતે એક જમાનાનો બેન્કોને લૂંટનાર એબેગ્નેલે હવે બેન્કોને લૂંટાતી બચાવવાની સલાહ આપવા માંડયો. આ ધંધો પણ એબેગ્નેલનો પૂર બહારમાં ચાલ્યો. એબેગ્નેલે પોતાની એક કંપની પણ સ્થાપી અને એફબીઆઈના એડવાઈઝર તરીકે ચાલીસ વર્ષ સુધી તેને સેવાઓ આપી. એબેગ્નેલના કૌભાંડોથી બચવાના પ્રોગ્રામનો ૧૪૦૦૦ જેટલી સંસ્થાઓેએ લાભ લીધો અને એબેગ્નેલ પોતાના નવા ધંધાથી હવે સાચી રીતે મીલિયોનર બની ગયો. અમેરિકાના ટીવી શોથી માંડીને બીબીસીના ટીવી પ્રોગ્રામોમાં પણ એબેગ્નેલ ચમક્યો અને છેલ્લે તેના પર હોલિવૂડે મૂવી પણ બનાવી. એબેગ્નેલ આજે પોતાની પત્ની અને ત્રણ બાળકો સાથે અમેરિકામાં શાંતિથી એક માલેતુજારનંુ જીવન જીવી રહ્યો છે અને દુનિયાને કહેતો ફરે છે કે હું સફળ થયો કારણ કે મને પરિણામ શું આવશે તેનો ડર ન હતો.

————-શોર્ટ સરકીટ

The Police can‘t protect consumers. People need to be more aware and educated about identity theft. you need to be a little bit wiser, little bit smarter and there‘s nothing wrong with being skeptical. We live in time when if you make it easy for someone to steal from you, someone will.

– Frank Abagnale

[email protected]