The young man jumped to his death because he did not like Covid hospital
  • Home
  • Gujarat
  • કોવિડ હોસ્પિટલમાં ગમતું ન હોવાથી યુવકે મોતની છલાંગ લગાવી જીવનલીલા સંકેલી

કોવિડ હોસ્પિટલમાં ગમતું ન હોવાથી યુવકે મોતની છલાંગ લગાવી જીવનલીલા સંકેલી

 | 7:40 pm IST

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સ્થિત સમરસ હોસ્ટલમાં કાર્યરત કોવિડ કેર સેન્ટરના નવમા માળેથી બુધવારે સવારે એક દર્દીએ મોતની છલાંગ લગાવી જીવનલીલા સંકેલી લીધી હતી. બનાવને પગલે સ્થાનિક તબીબી અધિકારીઓ અને બંદોબસ્તમાં તહેનાત પોલીસના માણસો દોડતા થઈ ગયા હતા. કોરોના પોઝિટિવ મૃતક યુવકને કોવિડ સેન્ટરમાં રહેવાનું ગમતું નહીં હોવાથી તેણે અંતિમ પગલું ભરી લીધું હોવાની શક્યતા સેવાઈ રહી છે.

બનાવ અંગે મળતી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશના બાલઘાટ જિલ્લાનો વતની શિવદયાલ પુરલાલ લીલાઈ (ઉં.વ.38) સરદાર માર્કેટ નજીક આવેલી શ્રીનાથ ટ્રાવેલ્સની ઓફિસમાં રહેતો હતો, અને બસમાં સામાન ચઢાવવાનું કામ કરી ગુજરાન ચલાવતો હતો. દરમિયાન ગત તા. ૨૮મીએ તેનો કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. રેપિટ ટેસ્ટમાં કોરોના પોઝિટિવ આવતા તેને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સ્થિત સમરસ હોસ્ટલમાં કાર્યરત કોવિડ કેર સેન્ટરમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો હતો. દરમિયાન બુધવારે સવારે તેણે નવમા માળે આવેલા બાથરૂમની સ્લાઈડરની બારીમાંથી ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના દેખરેખમાં આ સેન્ટર ચાલી રહ્યું હોવાથી અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. અહીના ઇન્ચાર્જ ડો. મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આગામી તા. ૮મીએ આ દર્દીને રજા આપનાર હતા. રાત્રીના દવા અપાઈ તે સમયે શિવદયાલ નોર્મલ અવસ્થામાં હતો. તેણે કોઈ ફરિયાદ પણ કરી નહોતી.

બીજી બાજુ બનાવની જાણ થતાં ઉમરા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી જરૂરી કાર્યવાહી કરી હતી. બુધવારે મળસકે શિવદયાલે તેના મિત્ર રામ પ્રસાદને ફોન કરી અહીં રહેવાનું સારું લાગતું નહીં હોવાની વાત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારબાદ તેણે આપઘાત કરી લીધો હતો. આ મામલે તપાસકર્તા પીએસઆઈ જે. એલ. પટેલનો ટેલિફોનિક સંપર્ક સાધવા પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ જવાબ આપ્યો નહોતો.

પીપીઈ કિટ પહેરી પોલીસે પંચનામું કર્યું

નવમા માળેથી ઝંપલાવી જીવનનો અંત આણનારો શિવદયાલ કોરોના પોઝિટિવ હોવાથી પોલીસે પીપીઈ કિટ પહેરી પંચનામું કર્યું હતું. પો. કો. સંજય વીરજી તથા અન્ય એક પોલીસકર્મી તેમજ સેન્ટરના સિક્યોરિટી મેનેજર સહિત ચાર જણાએ પીપીઈ કિટ પહેરી જરૂરી પોલીસ કાર્યવાહી આટોપી હતી. પીપીઈ કિટ પહેર્યા બાદ ફક્ત અડધા કલાકમાં પરસેવે રેબઝેફ થનારા પોલીસકકર્મી સહિતના ચારેય જણાને અંદાજો આવી ગયો હતો કે, તબીબો પીપીઈ કિટ પહેરી કઈ રીતે દર્દીની સારવાર કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન