થિયોરિટીકલ ફિઝિસિસ્ટ પોલ ડીરેક - Sandesh
  • Home
  • Kids Corner
  • થિયોરિટીકલ ફિઝિસિસ્ટ પોલ ડીરેક

થિયોરિટીકલ ફિઝિસિસ્ટ પોલ ડીરેક

 | 12:08 am IST

મહાનુભાવ :- રિદ્ધિ મહેશ્વરી

પુરુષ હોય એ અલગ ભાષા બોલે ને સ્ત્રીની ભાષા અલગ હોય, એવું પોલ ડીરેકના મગજમાં ઠસી ગયું હતું. અને એવું થવું સ્વાભાવિક પણ હતું. સ્વીત્ઝર્લેન્ડથી આવીને બ્રિટનમાં વસેલા પોલના પિતા ફક્ત ફ્રેંચ જ બોલતા, જ્યારે પોલની બ્રિટિશ મા ઈંગ્લીશ જ બોલતી. પોલ જેમ જેમ મોટો થતો ગયો એમ એવી સમજણ આવતી ગઈ હતી કે સ્ત્રી અને પુરુષની ભાષા અલગ જ હોય.

ઉદ્યમી સ્કૂલ ટીચર પિતા પોતે ફ્રેંચભાષી હોવા ઉપરાંત એટલી હદે જક્કી વલણ લઈને બેઠા હતા કે પોલે ફ્રેંચ જ બોલવાનું, અને એ પોતે કે એના સંતાનો કોઈપણ ક્યારેય બ્રિટિશ નાગરિક ન બનવા જોઈએ. અર્થહીન અહંકારને પોષતા પિતાને એ વાતનો અણસાર જ ન હતો કે આ અહમ્ પોતાના સંતાનના માનસ પર કેવી વિપરીત અસર કરશે.

અહંકારી માતા-પિતા વચ્ચે ભાષા અને પ્રાંતના ઝઘડાઓથી એકબીજા પ્રત્યે તીવ્ર અભાવની ખાઈ પેદા થઈ રહી હતી. જે ખાઈ તેમના બાળકોના માનસિક વિકાસને ભરખી રહી હતી. ભાષાના કારણે ઊભા થયેલા દ્વેષને લીધે માતા-પિતા તો એકબીજા સાથે તદ્ન અજાણ્યા જેવા અબોલા લઈને બેઠાં જ હતાં. ઉપરથી ઘરના આવાં વાતાવરણને કારણે ન તો કોઈ મહેમાન ઘેર આવે ન કોઈ સાથે બોલચાલનો કોઈ જાતનો સંબંધ વિક્સી શક્યો હતો. બાળક તરીકે પોલની સમજણશક્તિ હજી ઊગી હતી ત્યારથી જ પોલ બોલતાં આવડતું હોવા છતાં અવાચક થઈ ચૂક્યો હતો. પોલની માનસિકતા જાણે માઈગ્રેટેડ રેફ્યુજી જેવી બની ગઈ હતી.

રોજિંદુ જીવન પણ જાણે અજાણ્યા લોકો વચ્ચે રેફ્યુજી કેમ્પમાં બેઠો બેઠો જીવતો હોય એવું જ હતું. ન તો કોઈ સાથે વાતચીત કે સંવાદ થાય. જમવાના સમયે પણ પિતા પોલ સાથે જમવા બેસે અને મા બીજા સંતાન સાથે. પણ જે કંઈ થાય એ બધું ચૂપચાપ જ થાય.

સંવાદના શૂન્યવકાશના પરિણામે પોલનું બાળમાનસ પણ સંવેદનશૂન્ય બનવા લાગ્યું હતું. તદ્ન અબોલ, અવાચ થઈ ગયેલ પોલ સાથે કદાચ કોઈ વાત કરવા ઈચ્છે તો જો માથું હલાવ્યે કામ ચાલતું હોય તો પોલ એક શબ્દ પણ બોલતો નહીં.

બહારના શૂન્યાવકાશથી પોલ કદાચ આંતરિક રીતે સશક્ત બનતો જતો હતો. સ્કૂલમાં દાખલો મેળવ્યા પછી પોતાની આંતરિક શક્તિઓના પરિણામરૂપે પોતાની તેજસ્વીતાના ચમકારા દેખાડવા શરૂ કર્યા. ઉદ્યમી પિતાના જીનેટિક્સ તો પોલમાં ઉતર્યા જ હતા. મહેનત કરવામાં એકવાર પણ પાછું ન જોતા અબોલા જેવા પોલે ભણતરમાં ડંકાની ચોટ પર પરિણામો બતાવવાં શરૂ કરી દીધાં હતાં.

દરેક કલાસમાં અવ્વલ પરિણામો સાથે પોલ બ્રિસ્ટલ યુનિવર્સિટીના ઈલેકટ્રીકલ એન્જિનિયરિંગ ડિગ્રી કોર્સમાં દાખલ થયો. અમર્યાદિત મેથેમેટિકલ કૌશલ્ય ધરાવતા પોલે ફર્સ્ટકલાસ સાથે ગ્રેજ્યુએશન પૂરું કર્યું. બાળપણથી તકલીફ ભોગવતા પોલ માટે હજી પણ એક અડચણ તો ઊભી જ હતી. વધુ ભણતર માટે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જવા ઈચ્છતા પોલને અપૂરતી સ્કોલરશિપે રોકી લીધો.

એટલે મૂકી કેમ્બ્રિજને પડતી અને પોલે બ્રિસ્ટલ યુનિવર્સિટીમાં જ ફ્રી ઓફ ચાર્જ ભણવા મળતા મેથેમેટિકલ ડિગ્રી કોર્સમાં આગળ વધવાનું નક્કી કર્યું. પરિણામ તો નક્કી જ હતું…ફરી પાછો ફર્સ્ટક્લાસ.

પોલ ડીરેકે પોતાના જીવનના શૂન્યાવકાશમાંથી સફળતાનું સર્જન કર્યું હતું. ઈતિહાસ કહે છે કે પોલ ડીરેક મહાન થિયરોટીકલ ફિઝિસીસ્ટ તરીકે વિશ્વભરમાં જાણીતો થયો. માતા-પિતાના ભાષાકીય મતભેદોના કારણે ખુદથી અલિપ્ત થઈ જવાના આરે બેઠેલો પોલ, બાહરી શૂન્યાવકાશને આંતરિક શક્તિઓમાં પરિર્વિતત કરતો રહ્યો હતો. જે તેના સફળ કમબેકનું મુખ્ય પરિબળ સાબિત થયું.

પોલ ડીરેકે ક્વોન્ટમ મિકેનીઝમને સંપૂર્ણતઃ સુવ્યવસ્થિત આકારમાં નવસર્જન કર્યું, જે વિશ્વ આખાને હેરત પમાડતું ડીરેક ઈક્વેશન કહેવાયું છે.