અનેક રોગોમાં ઉપયોગી છે : ચવક - Sandesh

અનેક રોગોમાં ઉપયોગી છે : ચવક

 | 2:47 am IST

આરોગ્યઃ વૈદ્ય પ્રશાંતભાઈ ગૌદાની

આપણે અગાઉ ચિત્રકનાં ઔષધિય ગુણકર્મો અને ઉપયોગો વિશે જોઈ ગયા. આ ચિત્રકની જેમ ‘ચવક’ પણ પાચનતંત્રનાં રોગોને મટાડનાર ઉત્તમ આયુર્વેદિય ઔષધ છે. આ વખતે આ ચવકનાં ઔષધિય ગુણકર્મો અને ઉપયોગો વિશે આયુર્વેદની દ્રષ્ટિએ થોડું જાણીએ.

ગુણકર્મો

ચવકની બહુવર્ષાયુ વેલ, પીપર તથા મરીની વેલ જેવી, પણ થોડી મોટી- વિસ્તૃત થાય છે. તેનાં પર લાલ રંગનાં નાના ફૂલો અને એક સાથે ઝૂમખામાં ફળો આવે છે. આ ફળ અને ફૂલનો ઔષધ તરીકે ઉપયોગ થાય છે. મલાયા દ્વિપ એ ચવકનું મૂળવતન ગણાય છે. હવે તો ચવક ભારતનાં પણ અમુક પ્રદેશોમાં થાય છે.

આયુર્વેદ પ્રમાણે ચવક સ્વાદમાં તીખા, ગરમ, ભૂખ લગાડનાર, પાચનકર્તા, વાયુ, કફ તથા કૃમિનાશક, પિત્તવર્ધક અને યકૃતને ઉત્તેજિત કરનાર છે. તે શરદી, કફની ઊલટી, જળોદર, ઝાડા, મરડો વગેરે રોગોને મટાડનાર છે. હરસ-મસાનું તે ઉત્તમ ઔષધ છે. તેનાં ફૂલ દમ, ઉધરસ અને ક્ષયનાશક છે. ઔષધિય ગુણોની દ્રષ્ટિએ ચવક અને ગંઠોડા લગભગ એક સમાન છે.

ચવકનાં ફળ અને મરીમાં સરખા રાસાયણિક ઘટકો રહેલા છે, પરંતુ ચવકમાં પાઈપરિન અને ઉડનશીલ તેલનું પ્રમાણ ઓછું હોય છે. ચવક ફળમાંથી એક તેલ મેળવવામાં આવે છે. જે મરી અને સૂંઠનાં તેલની સમાન હોય છે.

ઉપયોગ

ચવક જળોદર સહિત બધા જ ઉદરરોગોમાં સારું પરિણામ આપે છે. જળોદર જેવા પેટનાં રોગોમાં ચવક, ચિત્રક, સૂંઠ અને દેવદાર સરખા વજને લાવી, બધાને ભેગા ખાંડીને ભૂક્કો કરી લેવો. બે ચમચી જેટલો આ ભૂક્કો બે ગ્લાસ પાણીમાં નાંખીને ઉકાળવો. ઉકળતા એક કપ પ્રવાહી બાકી રહે ત્યારે ઉતારી, ગાળી, ઠંડું પાડીને તેમાં થોડું નસોતરનું ચૂર્ણ મેળવીને પી જવું. સવાર-સાંજ આ પ્રમાણે ઉકાળો કરીને પીવાથી સર્વ પ્રકારનાં ઉદરરોગો મટે છે. આ ઉકાળાને આયુર્વેદમાં ‘ચવ્યાદિ ક્વાથ’ કહે છે. નસોતર એ તીવ્ર રેચક ઔષધ છે. તેની માત્રાનું ખાસ ધ્યાન રાખવું.

ચવક સંગ્રહણી રોગમાં ઉત્તમ પરિણામ આપે છે. સંગ્રહણીમાં જઠરાગ્નિની મંદતા મુખ્યરૂપમાં હોય છે. ચવક આ મંદ જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર ઔષધ છે. ચવક, ચિત્રક, સૂંઠ અને બિલાંનો ગર્ભ સરખા વજને લઈ, ખાંડીને બારીક ચૂર્ણ કરી લેવું. આ ચૂર્ણ અડધી ચમચી જેટલું સવારે અને સાંજે છાશમાં મેળવીને લેવાથી અતિ દુઃખદાયી સંગ્રહણીનો રોગ પણ મટે છે.

ચવક ચરબી-મેદનો નાશ કરનાર ઔષધ છે. જેમને શરીરમાં મેદની અધિકતા હોય તેમણે ચવક, હિંગ, સંચળ, જીરું, ચિત્રક, સૂંઠ, મરી અને પીપર આ બધાં ઔષધ સરખા વજને લઈ, ખાંડીને ચૂર્ણ કરી લેવું. રોજ અડધી ચમચી જેટલું આ ચૂર્ણ જવનાં સાથવામાં મેળવી, તેમાં થોડું દહીંનું પાણી મેળવીને પીવાથી મેદ-ચરબી ઓગળીને વજન ઘટે છે.

શરદી-સળેખમનું ચવક ઉમદા ઔષધ છે. અડધી ચમચી જેટલા ચવકનાં ચૂર્ણને મધ સાથે ચાટી જવાથી અથવા ચામાં મેળવી પીવાથી આવી શરદીમાં ઝડપથી ફાયદો થાય છે. ચોમાસામાં જઠરાગ્નિની મંદતાને લીધે તાવનું પ્રમાણ વધે છે. ખૂબ જ મંદ થઈ ગયેલા જઠરાગ્નિને પણ ચવક સરળતાથી પ્રદીપ્ત કરવા શક્તિમાન છે. ચવકનાં ફળનું અડધી ચમચી ચૂર્ણ આદુનાં રસ અથવા મધ સાથે મિશ્ર કરીને સવાર-સાંજ જમ્યા પહેલા લેવાથી પાચનશક્તિ વધે અને તાવ આવવાની શક્યતા ઘટે છે.

પંચકોલ ફાંટ, પ્રાણદા ગુટિકા, કાંકાયન મોદક, ચવ્યાદિ ક્વાથ, ચવ્યાદિ ઘૃત વગેરે આયુર્વેદિય ઔષધોની બનાવટમાં ચવક મુખ્યરૂપમાં પ્રયોજાય છે. આ આયુર્વેદિય ઔષધો અનેક રોગોમાં ઉપયોગી છે.