There is a distinction between illusion and reality spiritual
  • Home
  • Astrology
  • ભ્રમ અને વાસ્તવિકતા વચ્ચે ભેદ છે

ભ્રમ અને વાસ્તવિકતા વચ્ચે ભેદ છે

 | 7:20 am IST

જીવન ધ્યાન : ઓશો

ઓશો, આપે એક પ્રવચનમાં એક વાર્તા કહી હતી જે હું સમજી શક્યો નથી. એક સાધક જંગલમાં ભૂલો પડી ગયો. તે એકદમ થાકી ગયો હતો અને તેને તરસ લાગી હતી. રાત પડી ગઈ હતી. તેની નજરે એક રૂપેરી કટોરો પડયો. કટોરો સ્ફટિક સમા પાણીથી ભરેલો હતો. સાધક કટોરાનું પાણી ગટગટાવી ગયો અને પછી નિરાંતે સૂઈ ગયો. પ્રભાત તથા ઉષાના પ્રકાશમાં તેણે જોયું કે તે કટોરો કટોરો નહોતો પણ વાસ્તવમાં એક ગંદી જૂની-પુરાણી ખોપરી હતી. આ જોઈને તે ખડખડાટ હસ્યો અને તેને બુદ્ધત્વ લાધી ગયું!

ઓશો, સાધકે ખરેખર શું જોયું?

આ વાર્તા સાવ સાદી છે પણ અત્યંત અર્થપૂર્ણ છે. સાધકે ખોપરીમાં પૂરી વાસ્તવિકતા જોઈ અને સાથેસાથે આપણે જે ભ્રમમાં જીવીએ છીએ તે જોયું. આપણે જે માની લઈએ છીએ તે જોયું અને વાસ્તવિક શું છે તે જોયું. ભ્રમ અને વાસ્તવિકતા વચ્ચે અતિ ભારે ભેદ છે.

તેણે જે પાણી પીધું હતું તે એક ગંદી, જૂનીપુરાણી ખોપરીની અંદર છે તેવું જો તેણે જાણ્યું હોત તો તેણે તે પાણી પીધું ન હોત. તેને તો એવો ભ્રમ થયો હતો કે તે એક ખૂબસૂરત કટોરો છે. અંદર સ્ફટિક જેવું નિર્મળ પાણી છે.

આપણે સ્ફટિકસમાન નિર્મળ પાણી જેવા ભ્રમમાં જીવીએ છીએ પણ વાસ્તવિકતા તદ્દન જુદી છે. જેવો તેણે આ ભેદ જાણ્યો કે તરત તે પોતાની જાત પ્રત્યે હસી પડયો. જાત પ્રત્યે હસવાથી ભ્રમમાંથી મુક્ત (break through) થઈ શકાય છે અને આત્મ-સાક્ષાત્કાર પામી શકાય છે.

લોકો બીજાની ઠઠ્ઠા-મશ્કરી કરે છે પણ જો કોઈ પોતાની મજાક કરે તો તેને માઠું લાગી જાય છે પણ પોતાની આખી જિંદગી મૂઢતાથી ભરેલી છે તેવી સમજણ મેળવવી કઠણ છે. આપણે સ્વપ્નોમાં, ભ્રમણામાં અને દીવાસ્વપ્નોમાં જીવીએ છીએ. વાસ્તવિક્તા સાથે કોઈ તારતમ્ય નથી. વાસ્તવિકતા ગંદી, જૂની-પુરાણી ખોપરી છે. તે પોતાના પ્રત્યે હસ્યો અને તે ખિલખિલાટમાં તેના વ્યક્તિત્વમાં પરિવર્તન આવી ગયું. હવે તે, જેવી હશે તેવી; વાસ્તવિકતામાં જીવશે. હવે તેના ઉપર ઢાંકપિછોડો કરવા કે તેને છુપાવવા તેને કોઈ ભ્રમની કે દીવાસ્વપ્નની જરૂર નહીં પડે. જીવનનો વાસ્તવિક મુદ્દો તેને સમજાઈ ગયો.

વાર્તા જરૂર સાદી છે પણ તમસમાંથી પ્રકાશ તરફ અને ભ્રમમાંથી વાસ્તવિકતા તરફની યાત્રાને તે ખૂબીભરી રીતે સમજાવે છે.

તમારા મનનું નિરીક્ષણ કરો તે કેવી રીતે દરેક બાબતમાં ભ્રમ પેદા કરે છે અને પછી ભ્રમનું વિસર્જન થતાં મન કેટલું અકળાઈ જાય છે. તમે એક પુરુષને કે એક સ્ત્રીને ચાહો છો-એટલે કે તમે આ પુરુષ કે આ સ્ત્રી વિશે એક જાતનો ભ્રમ પેદા કરો છો. આ ભ્રમ અને સત્ય નથી. ઊંડે ઊંડે તમને તેની ખબર છે. તમે તમારા મનમાં એક મૂર્તિનું નિર્માણ કરો છો. થોડા વખતમાં જ તમારી મૂર્તિના ચૂરેચૂરા થઈ જવાના છે, કારણ કે વાસ્તવિક્તા સામે કોઈ ભ્રમ લાંબું ટકી શકતો નથી તેવામાં જ તમને એક ગંદી, જૂની-પુરાણી ખોપરી મળી જશે. ખોપરી મળતા સામાન્ય રીતે તમે નિરાશ થશો અને દુઃખી થશો અને તમે મુદ્દો ચૂકી જશો. જો તમે ખિલખિલાટ હસ્યા હોત તો તમે મુદ્દો ચૂકી જાત નહીં.

તમે ધાર્યું હતું તે પ્રમાણે થઈ રહ્યું નથી તેવું તમને સમજતું હોવા છતાં તમે તેમની બધી જવાબદારી બીજા ઉપર ઓઢાડી દો છો. એક સ્ત્રી તમને સુંદર લાગતી હતી તે હવે તમને કૂતરી લાગે છે. એક પુરુષ કે જેને તમે મરદ ગણતા હતા તે હવે તમને એક કહ્યાગરા કંથ જેવો લાગે છે, છતાં તમે તમારી ઉપર હસવાના નથી. તમે બધી જવાબદારી બીજા ઉપર નાખો છો અને કહેવા માંડો છો કે ‘તેણે તમને છેતર્યો છે’, ‘જે તે નહોતો તે છે તેવો તેણે ડોળ કર્યો હતો’, ‘તે જેટલો દાવો કરતી હતી તેટલી તે સુંદર નહોતી’, ‘મેકઅપ કરીને તેણે બધાને છેતર્યા હતા’ જોકે મેકઅપની કોઇ જરૂર નહોતી, કારણ કે તમારો ભ્રમ, તમારાં દીવાસ્વપ્નો, તમારો મોહ એ દુનિયાનો મોટામાં મોટો મેકઅપ છે અને તે પૂરતો છે.

આમ, તમારે જે પણ કાંઇ મેળવવું હોય તેનું તમે પ્રક્ષેપણ કરો છો અને જ્યારે તે પ્રક્ષેપણ ખોટું પડે છે ત્યારે બે શક્યતાઓ બચે છે. એક, બધી જવાબદારી બીજા ઉપર થોપી દેવી. જે વ્યક્તિ ઉપર તમે જવાબદારી થોપી દો છો તે વ્યક્તિ તો સાવ નિર્દોષ છે-તે વ્યક્તિ કહેતી નહોતી પણ તમે તેનામાં સૌંદર્ય જોતા હતા. ખરેખર તો જ્યારે તમે કોઇ સ્ત્રીને કહો છો કે, તું ખૂબ સુંદર છે અને આ છો અને તે છો ત્યારે તેણી પણ આૃર્ય પામે છે, કારણ કે તે પણ અરીસામાં જોતી હોય છે જેમાં તેને, તમે કહો છો તેવું કાંઇ દેખાતું હોતું નથી.

પણ સાવ અમસ્તી પોતાની જાતને શા માટે (તે સ્ત્રીએ) અળખામણી કરવી? તેને બદલે મજા શા માટે ન કરવી? તેનાથી તો તેનો અહં સંતોષાય છે. કુરૂપમાં કુરૂપ સ્ત્રી પણ એવો વાંધો નહીં લે, તે નહીં કહે કે તમે ખોટું કહો છો. ઊલટાનું તે સ્મિત કરશે અને તે રીતે તમારી બધી તારીફ સ્વીકારી લેશે. અરીસા સમક્ષ ઊભા રહેતી વખતે પણ તે વિચારશે કે કદાચ તે ખોટી છે. પેલો માણસ કેવી રીતે ખોટો હોઇ શકે? અને શા માટે.

દરેક પ્રેમકથામાં, તેમને લાગેવળગે છે ત્યાં સુધી બંને પાત્રો નિર્દોષ હોય છે પણ જે નથી તેનું બીજા પર પ્રક્ષેપણ કરવા માટે તેઓ બંને જવાબદાર છે.

(ક્રમશઃ)

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન