નમન-નમનમાં પણ ફેર છે - Sandesh

નમન-નમનમાં પણ ફેર છે

 | 1:24 am IST

‘વૃક્ષ ઉપર ફૂલ આવે છે ત્યારે જાણે આખુંય વૃક્ષ મંદ-મંદ હાસ્ય વેરતું હોય તેવું લાગે છે. એના ઉપર ફળ આવે છે ત્યારે તેની ડાળીઓ કેવી ઝૂકી જાય છે. તમે કેરીઓથી લચી પડેલા આંબા જોયા હશે. એ કેવા ભારથી નમી પડેલા લાગે છે. વૃક્ષ પર ફળ આવે છે તે ફળને વૃક્ષ પોતે તો ખાતું નથી, છતાં એનામાં ઝૂકવાનો ભાવ આવે છે, એ એની નમ્રતા બતાવે છે. એ ફળ કોઈ તોડશે તો પણ એ કંઈ વાંધો લેશે નહીં. આપણે આમાંથી ઘણું શીખવા જેવું છે. મનુષ્ય પાસે ધનસંપત્તિ વધારે ભેગી થાય છે તેમ એ નમ્ર બનતો નથી, ધનના ભારથી એ ઝૂકતો નથી, પરંતુ વધારે કડક અને ટટ્ટાર થવાની કોશિશ કરે છે. મનુષ્યની આ જ એક વિશિષ્ટતા અથવા તો ખામી છે. તમે સારું કમાઓ, તમને નસીબયોગે સારી સંપત્તિ મળી હોય તો એકલા-એકલા વાપરવાના બદલે એમાંથી પાંચ-દસ ટકા બીજાના કલ્યાણ અર્થે વાપરશો તો તમને એમાંથી એક અદ્દભુત આનંદ પ્રાપ્ત થશે.’

શ્રાવણ માસમાં અમારા ગામમાં ભાગવદકથાનું એક મહારાજ દ્વારા વાંચન થઈ રહ્યું હતું. મહારાજની વાણીમાં ખૂબ મીઠાશ હતી. એમનું પ્રવચન ચાલતું હોય ત્યારે એમ લાગે કે બસ સાંભળ્યા જ કરીએ. હું રોજ સાંજે કથા સાંભળવા જતો. કક્ષાનું પાન કરવા જે શ્રોતાઓ આવતા તેમાં લગભગ બધા જ સાઠી વટાવી ચૂકેલા હતા. પુરુષોમાં બધા જ વૃદ્ધ જ આવતા હતા. હા, બહેનોમાં કેટલીક યુવાન બહેન-દીકરીઓ પણ દેખાતી હતી. યુવાન પુરુષોમાં તો હું અને બીજો એક છોકરો જે મંડપ-ડેકોરેશનવાળાનો માણસ હતો-તે બે જ જણ હતા. મને કથા સાંભળવા આવેલો જોઈ કેટલાક વૃદ્ધો કશીક જિજ્ઞાાસાથી મારા સામે તાકી રહેતા હતા. એમના મનમાં કદાચ શંકા પડતી હશે કે ‘છોકરો ખરેખર કથા સાંભળવા જ આવતો હશે.’

ખેર, હું એમની કંઈ પરવા કરતો નહીં. મને કથા સાંભળવાનું ગમતું એટલે હું જતો. એમાંય મહારાજ કથામાં કોઈ દ્રષ્ટાંત સંભળાવે એ મને ખૂબ ગમતું. એક નાનકડી વાત હોય પણ એમાંથી ઘણું સમજવાનું મળતું. મહારાજ પિસ્તાળીસની આસપાસના હતા.

આમ તો કોઈ એમને ઓળખતા ન હતા, પણ સૌરાષ્ટ્રના કોઈ નાના ગામડામાંથી એ આવ્યા હતા એવું કથાના આયોજકોના મુખેથી સાંભળ્યું હતું. મહારાજની સાથે એક બહેન પણ હતાં. લોકો કહેતા એ મહારાજનાં ભાભી છે. આ ભાભી કથા દરમિયાન સુંદર અવાજે ભજન ગવડાવતાં. કથા સાંભળવા આવતી બધી બહેનો તો એમને ‘ભાભીમા’ કહેતી ને એમની આસપાસ જ ઘેરાઈ વળતી. કથાના ત્રીજા દિવસે એક આયોજકને શું વિચાર આવ્યો કે તેણે મહારાજની પોતાના ઘરે પધરામણી કરવાની ઈચ્છા વ્યક્ત કરી. મહારાજે પહેલાં તો અનિચ્છા બતાવી પણ આયોજકોના આગ્રહ આગળ તે ઝૂકી ગયા. બસ, પછી તો થઈ રહ્યું. એક જણના ઘેરથી બીજાના ઘેર, ને બીજાના ઘેરથી ત્રીજાના ઘેર એમ મહારાજ અને ભાભીમાની પધરામણીઓ થવા લાગી. મહારાજનાં પગલાં પડાવી સૌ પોતાના ઘરને પવિત્ર બનાવવા માગતા હતા. દરેક જણ ઓછામાં ઓછા એકાવન રૂપિયા તો મહારાજને ભેટ સ્વરૂપે ધરતા હતા. ભાભીમાને બહેનો સાડી માટેના સો-બસો રૂપિયા આફે એ વળી જુદું! દિવસ દરમિયાન મહારાજની કથા ચાલે ને રાત્રે દસ વાગ્યા સુધી પધરામણીનો કાર્યક્રમ ચાલે. મને આ બધું થોડું વિચિત્ર લાગતું, ખટકતું પણ ખરું, પરંતુ લોકોની ભાવના જોઈને કશું કહી શક્તો નહીં.

‘અલ્યા આ મહારાજ ત્યાગી છે કે સંસારી?’

‘કહે છે કે વીસ વર્ષની ઉંમરે ગિરનારની કોઈ ગુફામાં ઊતરી ગયા હતા તે છેલ્લા પાંચ વર્ષથી જ સમાજમાં પાછા આવ્યા છે ને એમને શંકર ભગવાને સ્વપ્નમાં આવી કહ્યું છે કે મારાં એકસોને એક મંદિર તારે બનાવવાના છે. એટલે મહારાજ ભગવાન ભોળાનાથની ઈચ્છા પૂરી કરવા સારું ગામ શોધીને ત્યાં કથાનું આયોજન કરે છે ને જે રકમ-દાન-દક્ષિણા તરીકે મળે છે તે બધી જ પેલા મંદિરના બાંધકામ માટે તેમના તરફથી દાનમાં આપીને ચાલ્યા જાય છે.

મંદિર બાંધવાની ને નિભાવવાની જવાબદારી ગામલોકોને સોંપી દે છે.’ લોકોમાં આવી ચર્ચા થતી.

મહારાજનું કથા સંભળાવાનું પ્રયોજન આમ તો ઘણું સરસ લાગ્યું. તેમની આ પ્રવૃત્તિ નિઃસ્વાર્થ જણાઈ. મને મહારાજનું પ્રવચન તો અદ્દભુત લાગતું જ હતું, તેમાં વળી કથાના આયોજનનું કારણ અને મળેલ દાનની રકમને શિવમંદિર પાછળ વાપરવાની મહારાજની ભાવના જાણ્યા પછી એમના માટે મારા મનમાં ઊંચી ભાવના જાગ્રત થઈ. લોકો પણ એમની પધરામણી કરાવીને જે ભેટ ધરે છે તે ભેટ પણ ગામના જ મંદિર બાંધવા માટે ઉપયોગમાં આવશે તે જાણીને મને આનંદ થયો.

મને થયું કે મારા દાદાજી જે ખાસ દાન આપવામાં માનતા નથી તેમને કંઈક સમજાવીને હજારેક રૂપિયાનું દાન કરાવું તો જ ખરું. મેેં મારા દાદાજીને મહારાજની કથાની અને મંદિર બાંધવાના આયોજનની વાત કરી. દાદાજી બે-ત્રણ દિવસ કથા સાંભળવા આવેલા એટલે મહારાજની વાણીથી થોડા તો પ્રભાવિત થયેલા હતા જ, પણ હજાર રૂપિયા દાન આપવાની વાત સાથે સંમત થયા નહીં. એમણે કહ્યું:

‘જો ભાઈ, મેં અગિયાર રૂપિયા તો બાવાજીની પોથી ઉપર મૂક્યા જ છે. તું કહે છે એટલે તારું માન રાખવા લે બીજા એકાવન રૂપિયા લઈ જા. કોઈ મોટી રકમની વાત મને કરીશ નહીં.’

મેં દાદાજીના એકાવન રૂપિયા ન લીધા. હું ત્યાંથી નારાજ થઈને સીધો કથા સ્થળ તરફ આવવા નીકળ્યો. રસ્તામાં કોઈ વાત કરતું હતું: ‘અલ્યા તમે કંઈ સાંભળ્યું, પેલા મહારાજ અને એમના ભાભી બાજુના ગામમાં કોઈકના ઘેર પધરામણી કરવા ગયાં હતાં, તે પાછાં જ આવ્યાં નથી. ત્યાંથી સીધાં જ ક્યાંક ચાલ્યાં ગયાં છે.’

મને આ વાત સાંભળી ભારે નવાઈ થઈ.

વધારે તપાસ કરતાં ખબર પડી કે મહારાજના વતનમાંથી કોઈના મરણના સમાચાર આવ્યા હતા એટલે એમણે ગયા વિના ચાલે તેમ ન હતું. ‘અલ્યા પણ હજુ કથાનો એક દિવસ તો બાકી હતો એનું શું?’ કોઈ લાગણીશીલ થઈને પૂછતું. પરંતુ આ પ્રશ્નનો કોઈ જવાબ ન હતો.

‘ઠીક છે ભલે ગયા તો ગયા, પણ તેમના લીધે ગામમાં મહાદેવનું મંદિર તો બનશે કેમ કે, દસ-પંદર હજારની ભેટ થઈ હતી ને મહારાજે પોતાના તરફથી ગઈ કાલની કથામાં રૂપિયા એકવીસ હજારના દાનની જાહેરાત કરી હતી.’ એમ વિચારતો હું હજીય મારા દાદાજી પર રોષે ભરાયેલો હતો. ત્યાં તો મુખીના છોકરાએ સમાચાર આપ્યા, ‘અલ્યા બાવાજી તો જે કંઈ ભેટ મળી હતી તે બધી લઈને જતા રહ્યા છે ને પેલાં બહેન હતાં એ કંઈ એમનાં ભાભી ન હતાં પણ એય કોઈ રખડતી બાઈ હતી!!’

બસ, પછી કોઈ સમાચાર ન મળ્યા. મહારાજ ગયા તે ગયા. કોઈકે સૌરાષ્ટ્રમાં તેમણે આપેલા સરનામે તપાસ કરી તોય કંઈ મળ્યું નહીં. મને એમનું પ્રવચન-ઉપદેશ- મીઠાશ ને ધન મળે તો ઝૂકવાની વાત યાદ આવી. જો કે એમનો નિયમ ઊલટો હતો, એ ધન મળ્યા પહેલાં જ ઝૂકી જતા હતા ને મળ્યા પછી તો અદ્રશ્ય!

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન