There is also diabetes, a major cause of infertility
  • Home
  • Featured
  • ડાયાબિટીસ પણ હોય છે, વંધ્યત્વનું મોટું કારણ

ડાયાબિટીસ પણ હોય છે, વંધ્યત્વનું મોટું કારણ

 | 7:30 am IST

હેલ્થ :- ડો. પાર્થ જોશી

સંતાનહીનતાનાં અનેક તબીબી કારણો હોઈ શકે છે. કારણો એટલાં બધાં છે કે એની યાદી વાંચતાં થાકી જવાય. છતાં મહદ્ અંશે, વંધ્યત્વ માટે મહિલાઓને દોષી માનવામાં આવે છે. તબીબવિજ્ઞાાન કહે છે કે સ્ત્રી અને પુરુષ સંતાનહીનતા માટે સરખાં જ જવાબદાર હોય છે. જેટલા કિસ્સાઓમાં સ્ત્રી સંતાન ધારણ કરવા સક્ષમ નથી હોતી એટલા જ કિસ્સામાં પુરુષ પત્નીને ગર્ભવતી ન બનાવી શકતો હોવાનું કારણ પણ જોવા મળે છે. ઘણાં લોકો જાણતા નથી કે વંધ્યત્વનું એક કારણ સ્ત્રી કે પુરુષનું ડાયાબિટીક હોવું પણ હોઈ શકે છે.

જ્યારે માતા હોય ડાયાબિટીસનો શિકાર

જો મહિલા ડાયાબિટીસથી પીડિત હોય તો મોટેભાગે તો એ ગર્ભ ધારણ કરી શકતી નથી. માનો કે, ગર્ભ ધારણ થઈ જાય તો એવી પરિસ્થિતિમાં ગર્ભસ્થ બાળક અને માતા બંને માટે જોખમી સ્થિતિ સર્જાય છે. આવા સંજોગોમાં ગર્ભપાતની આશંકા વધી જાય છે. જો કોઈ મોટી ગરબડ વગર ગર્ભમાં બાળક પૂર્ણરૂપે વિકસી ચૂક્યું હોય તો એનું કદ સામાન્ય બાળક કરતાં ઘણું વધારે હોય છે. જેને આપણે તંદુરસ્તીનું પ્રમાણ માનીએ છીએ, પરંતુ બાળકનું મોટું કદ માતા માટે સમસ્યા બની જાય છે. પ્રસૂતિ દરમ્યાન બાળકનું કદ સામાન્ય કરતાં મોટું હોવાને કારણે નોર્મલ ડિલિવરી થઈ શકતી નથી. એવામાં બાળકના જન્મ માટે શસ્ત્રક્રિયા જ એક વિકલ્પ બચે છે. બાળકમાં જન્મજાત વિકૃતિઓ આવી શકે છે અને મા અને બાળકને ચેપ લાગવાનો પણ ડર રહે છે. આપણે બધા જાણીએ છીએ કે ડાયાબિટીસ હોય તો શસ્ત્રક્રિયા મુશ્કેલ બને છે અને જોખમી પણ બની જાય છે.

ગર્ભાવસ્થામાં ઈન્સ્યૂલિનનું અસંતુલિત સ્તર છે જોખમી 

ટાઈપ ૧ ડાયાબિટીસમાં ઈન્સ્યૂલિનનું સ્તર ઓછું થઈ જાય છે અને ટાઈપ ૨ ડાયાબિટીસમાં ઈન્સ્યૂલિન રેઝિસ્ટન્સ થઈ જાય છે. એકમાં ઈન્સ્યૂલિન બનવાનું ઓછું થઈ જાય છે અને બીજામાં ઈન્સ્યૂલિન સામાન્ય અથવા વધુ બનવા લાગે છે, પરંતુ એ શરીરના કામનું રહેતું નથી. શરીર એને દુશ્મન માની લે છે અને તેનો નાશ કરવા ઉત્પાત મચાવે છે. એટલે બંનેમાં ઈન્સ્યૂલિનનું ઈન્જેક્શન લેવું જરૂરી હોય છે. તેનાથી શરીરમાં ગ્લુકોઝનું સામાન્ય સ્તર જળવાઈ રહે છે. ગર્ભાધાન માટે ઈન્સ્યૂલિનનું લઘુતમ સ્તર હોવું જરૂરી છે અને ટાઈપ ૧ ડાયાબિટીસમાં ઈન્સ્યૂલિનનું ઉત્પાદન કરતાં કોષો નષ્ટ થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં ગર્ભાધાન મા અને બાળક બંને માટે ખતરારૂપ બની શકે છે. બંનેનાં આરોગ્ય પર તેની વિપરીત અસર પડે છે. જ્યારે બીજી તરફ ટાઈપ ૨ ડાયાબિટીસમાં શરીરમાં પૂરતી માત્રામાં ઈન્સ્યૂલિન ન બનવાને કારણે રક્તવાહિનીઓમાં ગ્લુકોઝનું સ્તર જાળવવાનું મુશ્કેલ બને છે. આ પરિસ્થિતિના નિરાકરણ માટે ખાનપાનમાં પરિવર્તન લાવી શકાય છે તેમ જ નિયમિતપણે વ્યાયામ કરવાથી પણ ઈન્સ્યૂલિનના સ્તરને સામાન્ય બનાવી શકાય છે.

અન્ય હોર્મોન્સ પર પણ પડે છે પ્રભાવ 

‘ઈન્સ્યૂલિન’ આપણા શરીરમાં બનતો એક પ્રકારનો હોર્મોન છે. આ હોર્મોન ખોરાકના પાચનથી તૈયાર થઈને આપણા લોહીમાં ભળી ગયેલી શર્કરાને ભાંગીને શરીર માટે ઊર્જા બનાવવામાં મહત્ત્વની મદદ કરે છે. જો એ ઓછું હોય તો શર્કરા ભાંગતી નથી, પચતી નથી અને શરીરને ઊર્જા મળતી નથી. જેના અસંતુલનથી શરીરના અન્ય હોર્મોન્સ જેવા કે ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને ટેસ્ટોસ્ટેરોનના સ્તરને પણ અસર થાય છે. હોર્મોન અસંતુંલનના કારણે સ્ત્રીઓમાં ઓવેરિયન સિસ્ટ અને વંધ્યત્વની સમસ્યા થાય છે અને પુરુષોમાં શિશ્નના કાર્ય પર અસર થવાને કારણે વંધ્યત્વ આવી શકે છે.

મેદસ્વિતા છે ડાયાબિટીસનું કારણ  

જે સ્ત્રીઓનું વજન સામાન્ય કરતાં વધારે હોય છે, તેમનામાં ટાઈપ ૨ ડાયાબિટીસ થવાનું જોખમ સામાન્ય વજન ધરાવતી સ્ત્રીઓની સરખામણીએ વધુ હોય છે. મેદસ્વિતાથી ઈન્સ્યૂલિન રેઝિસ્ટન્સની સમસ્યા વધુ ગંભીર બને છે અને સાથેસાથે મેદસ્વિતાને કારણે સ્ત્રીઓમાં પોલિસિસ્ટીક ઓવેરિયન સિન્ડ્રોમ એટલે કે પીસીઓએસ અને ડિસમેટાબોલિક સિન્ડ્રોમ થવાનું જોખમ વધી જાય છે. આ બંને સમસ્યાઓ જ વંધ્યત્વનું મુખ્ય કારણ બની શકે છે.

પુરુષોની ફર્ટિલિટી પર પણ થાય છે અસર 

ડાયાબિટીસની અસર શરીરતંત્ર પર પણ પડે છે, જેના કારણે શિશ્ન પોતાનું કાર્ય બરાબર કરી શકતું નથી. લોહીમાં ગ્લુકોઝનું વધુ પ્રમાણ, બ્લડપ્રેશર અને કોલેસ્ટેરોલ સાથે મળીને આ સમસ્યાને વધુ ગંભીર બનાવે છે. મૂત્રાશયની નળીઓ પરથી નિયંત્રણ જતું રહેવાના કારણે સ્ખલન સમયે વીર્ય અંદર પ્રવેશ કરી શકતું નથી અને શિશ્નથી બહાર જ નીકળી જાય છે. જેના કારણે તેમનામાં વંધ્યત્વની મુશ્કેલી ઊભી થાય છે. ડાયાબિટીસ પુરુષોમાં શુક્રાણુઓના ડીએનએને પણ નષ્ટ કરી નાખે છે અને જીવનસાથી માટે ગર્ભાધાનની સંભાવના ઓછી થઈ જાય છે. આ બધી મુશ્કેલીઓ બાદ પણ જો ગર્ભાધાન થાય તો સ્વસ્થ કે જીવિત બાળક જન્મવાની સંભાવના ખૂબ ઓછી હોય છે.

(વધુ માહિતી આવતા અઠવાડિયે)

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન