These players are the first choice for the IPL 2022 Ahmedabad team
  • Home
  • Sports
  • Cricket
  • અમદાવાદની ટીમ માટે આ પ્લેયર્સ પ્રથમ પસંદગી, વોર્નર-ઐયર પર ખાસ નજર

અમદાવાદની ટીમ માટે આ પ્લેયર્સ પ્રથમ પસંદગી, વોર્નર-ઐયર પર ખાસ નજર

 | 10:04 pm IST
  • Share

  • રાહુલ-રશિદ અને હાર્દિક લખનઉ માટે ફેવરિટ
  • વોર્નર-ઐયર ઉપર અમદાવાદની નજર રહેશે
  • ફ્રેન્ચાઇઝી સામે કયા ત્રણ ખેલાડીઓ પસંદ કરવા તે સૌથી મોટી દ્વિધા

આઇપીએલ ટી-20 લીગની 2022ની સિઝન માટે પ્રત્યેક આઠ ફ્રેન્ચાઇઝીએ પોતાના દ્વારા રિટેન કરવામાં આવેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. કેટલાક સ્ટારને રિટેન નહીં કરીને કેટલીક ફ્રેન્ચાઇઝીએ તેમને મેગા હરાજી માટે મુક્ત કરી દીધા છે. આ સ્થિતિમાં બે નવી ફ્રેન્ચાઇઝી આગામી 25 દિવસમાં પોતાના ત્રણ-ત્રણ ખેલાડીઓને પહેલેથી પસંદ કરી શકશે. આઠ ફ્રેન્ચાઇઝી દ્વારા 28 ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા છે અને તમામ ટીમોના ઘણા સ્ટાર ખેલાડીઓ હરાજી માટે પુલમાં સામેલ થઈ ચૂક્યા છે. આઇપીએલની બંને નવી ટીમ ત્રણ ખેલાડીઓમાં વધારેમાં વધારે ભારતીય અને એક વિદેશી ખેલાડીને હરાજી પહેલાં પોતાની ટીમ સાથે સાંકળી શકે છે. લખનઉ અને અમદાવાદની ટીમ આ ત્રણેય ખેલાડીઓમાં પોતાના સુકાનીની પણ પસંદગી કરે તેવી સંભાવના છે. મોટા ભાગની ફ્રેન્ચાઇઝીએ જે મોટા સ્ટાર છે તેમાં મુખ્યત્વે વિદેશી ખેલાડીઓ વધારે છે. લખનઉ અને અમદાવાદની ટીમ વધારેમાં વધારે એક-એક વિદેશી ખેલાડીઓને પોતાની સાથે જોડી શકે તેમ હોવાથી ડેવિડ વોર્નર અને રાશિદ ખાનનું નામ મોખરાના સ્થાને છે.

હાર્દિક અને રાહુલ લખનઉ ટીમના સંપર્કમાં હતા તેવા સંકેત

લખનઉની ટીમ જાન્યુઆરીમાં યોજાનારી મેગા હરાજી પહેલાં લોકેશ રાહુલ, હાર્દિક પંડયા અને રાશિદ ખાનને ટીમમાં સામેલ કરે તેવી સંભાવના છે. પંજાબ કિંગ્સનો સુકાની લોકેશ રાહુલ અને મુંબઇ ઇન્ડિયન્સનો ઓલરાઉન્ડર હાર્દિક આ ફ્રેન્ચાઇઝીના સંપર્કમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાહુલને લખનઉ ટીમનો સુકાની બનાવવામાં આવી શકે છે. તાજેતરમાં રમાયેલા ટી-20 વર્લ્ડ કપમાં હાર્દિકનું પ્રદર્શન સામાન્ય રહ્યું હતું અને આઇપીએલમાં પણ તે બેટ્સમેન તરીકે રમ્યો હતો.

હર્ષલ પટેલ, અવેશ ખાન તથા કેટલાક વિદેશીઓ ઉપર નજર

લખનઉની ટીમ હર્ષલ પટેલ, અવેશ ખાન, ફાફ ડુ પ્લેસિસ, મોહમ્મદ શમી, કાગિસો રબાડા, શિખર ધવન, બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, ટ્રેન્ટ બાઉલ્ટ અને જેસન રોય જેવા ખેલાડીઓ ઉપર પણ બે નવી ફ્રેન્ચાઇઝીની નજર રહેશે. જોકે વોર્નર સિવાય કોઈ વિદેશી ખેલાડીને રમવાની તક મળે તેવી ઓછી સંભાવના છે.

અમદાવાદની ટીમ માટે શમી અને ચહલ પ્રથમ પસંદગીના રહેશે

નવી ફ્રેન્ચાઇઝી અમદાવાદ ડેવિડ વોર્નર, શ્રોયસ ઐયર તથા યુજવેન્દ્ર ચહલને પોતાની ટીમમાં સામેલ કરી શકે છે. વોર્નરનું ગઈ સિઝનમાં ખરાબ ફોર્મ રહ્યું હતું. ઐયરની પસંદગી કરાશે તો તેને કેપ્ટનશિપ પણ સોંપવામાં આવે તેવી સંભાવના છે. આ ઉપરાંત યુજવેન્દ્ર ચહલ અને મોહમ્મદ શમી પણ પ્રથમ પસંદગીના રહેશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો