વિચારોનું રિમોટ-કંટ્રોલ - Sandesh

વિચારોનું રિમોટ-કંટ્રોલ

 | 1:23 am IST

મંથન । શાંડિલ્યા

માર્ક ટ્વેનની પંક્તિ છે, ”મારી જિંદગી તકલીફોથી ભરેલી છે, જોકે એમાંની ઘણી બધી આવી જ નથી.” આ કથનનો મતલબ એ છે કે, કેટલીક વાર આપણે સ્થિતિઓનું નકારાત્મક વિશ્લેષણ કરીએ છીએ, જ્યારે યથાર્થમાં એ એટલી બૂરી નથી હોતી, જેટલું આપણે વિચાર્યું હોય છે.

મારી સાથે જ આમ કેમ થયું? કંઈક ખરાબ થવાનું છે, બધું ગરબડ થઈ રહ્યું છે, આ કામ તો મારાથી થઈ જ ન શકે, મારી જ ભૂલ છે, મારી વાત કોઈ માનતું જ નથી. આ પ્રકારના કેટલાય નકારાત્મક વિચાર લોકોના મન-મગજમાં ચાલતા હોય છે. સફળતા મેળવવા માટે એને દૂર કરવા ખાસ જરૂરી છે.

વિચારોને ઓળખો

મગજમાં નકારાત્મક વિચાર આવી રહ્યા હોય એનો ખ્યાલ કેવી રીતે આવે? એ માટે એક નાની ડાયરી હંમેશાં સાથે રાખો. જો સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યા વારંવાર કરી રહી હોય તો એ વાતને ડાયરીમાં લખી લો. આ રીતે તમારા નકારાત્મક વિચારોને લખતાં જાવ. થોડા સમય બાદ જ્યારે સ્થિતિ અનુકૂળ થઈ જાય તો તમારી નોટબુકમાં લખેલા વિચારો વાંચો. હવે જુઓ કે આવા વિચાર ક્યારે-ક્યારે વધારે આવ્યા. શક્ય છે કે, જ્યારે તબિયત ખરાબ હોય, કોઈ પરેશાનીઓ સામે આવી હોય, જેના કારણે વધુ નકારાત્મક વિચાર આવ્યા હોય. આપના વિચારો પ્રત્યે જાગરુક બનવું જરૂરી છે. એ સ્વીકારવું કે ભૂલ થઈ છે, એને સુધારવાની દિશામાં એક પ્રયાસ છે. સમસ્યાને ત્રણ સ્તર પર સમજી શકાય છે.

 • ઓળખ : સમસ્યાને ઓળખવી એ એના નિદાનની દિશામાં પહેલો પ્રયાસ છે. એ માટે જાગરુકતા જરૂરી છે. કોઈને ગુસ્સો વધુ આવતો હોય તો તેણે એ સ્થિતિઓ વિશે વિચારવું પડે, જેમાં ગુસ્સો વધુ આવતો હોય. એના માટે એવી પરિસ્થિતિઓથી દૂર જવું જરૂરી છે.
 • અસર : બીજું પગલું છે, સમસ્યાની અસર વિશે જાણવું. નકારાત્મક વિચાર કે વ્યવહારથી જીવનમાં કેટલું નુકસાન થયું છે, એની વ્યાખ્યા કરવી.
 • સુધાર : સમસ્યાની સ્વીકૃતિ અને તેની અસરોને જાણ્યા બાદ વારો આવે છે તેને સુધારવાનો. એના માટે યોગ્ય માર્ગની તપાસ કરવી પણ જરૂરી છે.

રિફ્રેમિંગના નિયમ

મગજને નકારાત્મક વિચારધારામાંથી મુક્તિ અપાવવી એ એક લાંબી પ્રક્રિયા છે. એમાં રિફ્રેમિંગ ટેક્નિક કારગર થઈ શકે છે. એના કેટલાક નિયમો છે

 • લોકોનો દૃષ્ટિકોણ જ સ્થિતિઓને સારી કે ખરાબ બનાવે છે. કેટલીક વાર આ અમૂર્ત વિચારને સ્વીકારવો મુશ્કેલ બને છે, પરંતુ નકારાત્મકતાના બોજથી મુક્ત થવા માટે બાળપણના આ શિક્ષણને યાદ કરવું પણ જરૂરી છે કે બૂરી ચીજમાં કોઈ સારો સંદેશ જ છુપાયેલો છે.
 • દરેક વિચારની પાછળ કોઈ પૂર્વધારણા હોય છે, જે માનવીના વિશ્વાસ અને ધારણાઓમાંથી જ બને છે.
 • સાંભળવામાં આ વાત કદાચ અજબ લાગે પણ સચ્ચાઈ એ છે કે, નકારાત્મક વિચારધારાની પાછળ પણ એક સકારાત્મક હેતુ છુપાયેલો હોય છે. અર્થાત્ વ્યક્તિના ભીતરનો અવાજ, જે ભલે નકારાત્મક રૂપે બહાર નીકળે, એનો ઉદ્દેશ્ય કોઈ ને કોઈ રૂપમાં વ્યક્તિની મદદ કરવી એ જ હોય છે. આ વિચાર ભલે સ્વીકાર્ય કે યોગ્ય ન હોય, પરંતુ તેની પાછળ છુપાયેલા ખરા હેતુને શોધવાની કોશિશ કરવી જોઈએ, જેથી રિફ્રેમિંગની પ્રક્રિયા આસાન બની જઈ શકે.

આપના વિચારોનું આકલન સૌથી મહત્ત્વનું છે, કેમ કે એના પછી જ એ સમજમાં આવે છે કે, ખરેખર સમસ્યા ક્યાં છે. નકારાત્મક વિચારધારાને સકારાત્મકમાં બદલવાની કેટલીક ટિપ્સ :

 • શબ્દોની પસંદગી : ‘મને તેનાથી નફરત છે’, ‘હું નંબર વન પર ક્યારેય નહીં આવી શકું’ જેવા વાક્યોને બદલે ‘મને તે પસંદ નથી’ અને ‘હું નંબર-બે પર આવી શકીશ’ જેવાં વાક્ય બોલો. કહેવાની પદ્ધતિ પણ ઘણી હદ સુધી વિચારધારાને બદલી શકે છે.
 • જાતે શોધો રસ્તો : જ્યારે કોઈ વિચાર પરેશાન કરે તો સ્વયંને પૂછો કે આમાંથી બહાર નીકળવાનો બેસ્ટ માર્ગ કયો હોઈ શકે. એનાથી ધ્યાન સમસ્યાને બદલે એમાંથી બહાર નીકળવા પર જશે. ‘બેસ્ટ’ શબ્દમાંય કેટલાય સકારાત્મક નિદાન છુપાયેલા છે.
 • ઘટનાઓમાંથી સબક : સમસ્યા હોવા છતાં પણ પોતાને સમજાવવાનો એક બીજો માર્ગ છે. દરેક પડકાર, વિપરીત પરિસ્થિતિ, આપદા, કઠિનાઈ કે દુઃખમાં શીખવાલાયક ઘણું બધું હોય છે. જેમ કે આર્િથક પરેશાનીઓ પૈસાનું મહત્ત્વ શીખવે છે, કોઈકનું મોત જિંદગીનું સન્માન કરતાં શીખવી જાય છે તો ગંભીર બીમારી સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવાની પ્રેરણા આપે છે.
 • ધારણાઓને પડકાર : નકારાત્મક વિચારધારાની પાછળ છુપાયેલી ધારણાઓ પર નજર કરો. કેટલીક વાર ધારણાઓ સાચી હોઈ શકે છે, તો કેટલીક વાર ખોટી. એવી ધારણાઓને શોધો જે સાચી નથી ઠરી. જેમ કે જો અતીતમાં ક્યારેય કોઈ સંબંધનું ખોટું કે નકારાત્મક આકલન કરી લીધું હોય, જોકે એ સંબંધ અપેક્ષાથી વિપરીત બહેતર સાબિત થયો હોય. પૂર્વધારણાઓને કાબૂ કરવામાં આવી ઘટનાઓથી મદદ મળે છે.
 • સ્થિતિઓનું રિફ્રેમિંગ : નકારાત્મક વિચારધારાથી બચવા ઇચ્છતા હોવ તો એ સામાન્ય વિચારો વિશે વિચારો જે ખાસ મનમાં ચાલતા હોય અને પછી તેને બદલવાની કોશિશ કરો.
 • (૧) લોકો મારી વાત નથી સાંભળતા : સામાન્ય વાતાવરણમાં ખાસ કરીને લોકો એવું કહે છે. આ પ્રકારનું એક વાક્ય છે- ‘મારાથી હંમેશાં ભૂલ જ થાય છે.’ આ બંને વાક્યોમાં જે સૌથી નકરાત્મક શબ્દ છે, તે છે ક્યારેય અને હંમેશાં.
 • આમ સુધારો : જ્યારે ક્યારેય મગજમાં આ વિચાર આવે કે લોકો વાત નથી સાંભળતા તો વિચારો કે ક્યાંય લોકો પાસેથી આપની અપેક્ષાઓ વધારે તો નથી ને? શક્ય છે કે લોકોએ આપની વાત એટલી ન સાંભળી હોય, જેટલી તમારી અપેક્ષા હોય, પરંતુ ક્યારેક ને ક્યારેક તો તમારી વાત સાંભળી પણ હશે જ. તેને યાદ કરો, એનાથી નકારાત્મકતામાંથી બચવામાં મદદ મળશે.
 • (૨) કંઈક તો ખરાબ થવાનું છે : આપણા એક સામાન્ય વાક્ય છે. આવી વાતો બેચેની પેદા કરે છે અને તેને નિયંત્રિત કરવી જરૂરી છે. એક આવી ઘટના વિશે વિચારવું, જે થઈ જ નથી અને ભવિષ્યમાં પણ થઈ શકે છે કે નહીં પણ…!
 • આમ સુધારો : આજની સ્થિતિઓ અને પડકારોના આધાર પર એ કલ્પના કરવી કે કાલે કંઈક ખરાબ જ થશે, એ ઠીક નથી. આ વિચારધારાને થોડીક ટ્વિસ્ટ કરો અને વિચારો કે કોઈ પણ ભવિષ્ય વિશે નથી જાણતું. જે પણ થશે-સારું જ થશે કે એની સંભાવના અધિક છે કે સારું જ થશે. મનમાં ૧૦ વાર આ વિચારને દોહરાવો.
 • (૩) આ કામ મારાથી નહીં થાય : પડકાર સામે આવતાં જ મોટા ભાગના લોકોના મોંથી આ વાક્ય નીકળી પડે છે. પડકાર આવ્યો જ નથી, ઇનકાર પહેલાં થઈ જાય છે. આવો વિચાર આવે તો સૌથી પહેલાં ઊંડા શ્વાસ લો.
 • આમ સુધારો : એવા કાર્યો વિશે વિચારો, જેમાં પડકારો આવ્યા અને તેને પહોંચી વળવાની વ્યવસ્થા પણ થઈ ગઈ. એનાથી આપની વિચારધારાને સકારાત્મક દિશા તરફ વળવામાં મદદ મળશે.
 • (૪) બધી મારી જ ભૂલ છે : જાણે-અજાણ્યે ખુદને દોષી ઠેરવવા એ પણ નકારાત્મક વિચારની શ્રેણીમાં આવે છે. પોતાના કાર્યોની જવાબદારી લેવી સારી વાત છે, પરંતુ એ કાર્યો માટે પણ પોતાને જ દોષી ઠેરવવા ઠીક નથી, જેના માટે તમે જવાબદાર નથી. સ્વયંને માફ ન કરી શકવા, એ પણ એક નકારાત્મક વિચાર જ છે.
 • આમ સુધારો : જો કોઈ કામ એવું હોય, જે સમૂહમાં કરાયું હોય અને તે વિફળ રહ્યું તો તેના માટે પોતાને દોષી ઠેરવતાં પહેલાં વિચારો કે હા, પોતાની ભૂલની જવાબદારી મારી છે, પરંતુ ઘણી બધી સ્થિતિઓ પર મારું નિયંત્રણ નહોતું. એટલા માટે દરેક ભૂલ માટે ખુદને દોષી ન ઠેરવી શકાય.
 • (૫) આમ થાત તો તેમ થાત : આમ-તેમ, પણ-પરંતુ જેવી વિચારધારા પણ કેટલીક વાર સફળતાથી દૂર કરી દે છે. સ્થિતિઓના રોદણાં રડવાથી માત્ર તકલીફો જ આવે છે. એનાથી વ્યક્તિ લક્ષ્યથી દૂર થતો જાય છે અને તેનું આત્મબળ કમજોર થાય છે.
 • આમ સુધારો : મારું લક્ષ્ય હાંસલ કરતાં મને કોઈ જ રોકી નહીં શકે. આ એવો વિચાર છે જે બૂરી સ્થિતિઓને પણ પોઝિટિવ બનાવવામાં મદદગાર બને છે. સ્થિતિઓ ક્યાં તો સારી હોય છે કે બૂરી. દુનિયાના બધાં જીવ સ્વયં જ રસ્તો બનાવીને સ્થિતિમાંથી બહાર નીકળે છે.