વિચારક વગર વિચારવું - Sandesh

વિચારક વગર વિચારવું

 | 1:23 am IST

સૂક્ષ્મ સત્ય: જે. કૃષ્ણમૂર્તિ

 

ઝાડ ઉપરના વાંદરાને ભૂખ લાગે છે અને ત્યારબાદ તેને ફળ લેવાની ઈચ્છા થાય છે. ક્રિયા પહેલાં થાય છે અને વિચાર આવે છે કે તેનો સંગ્રહ કરી રાખીએ તો વધારે સારું. તેને બીજા શબ્દોમાં કહીએ તો ક્રિયા પહેલાં આવે છે કે કર્તા? શું ક્રિયા વગરનો કોઈ કર્તા છે? તમે સમજો છો? આપણે હંમેશાં આપણી જાતને આ જ તો પૂછીએ છીએઃ તે કોણ છે જે જુએ છે? જે ધ્યાન આપે છે તે કોણ છે? શું વિચારક તેના વિચારોથી અલગ છે? નિરીક્ષક નિરીક્ષણથી અલગ છે, અનુભવ લેનાર અનુભવથી અલગ છે, કાર્ય કરનાર કાર્યથી અલગ છે?…પરંતુ જો તમે ખરેખર એ પ્રક્રિયાને તપાસશો, ખૂબ જ ધ્યાનથી જોશો, સાવ નજીકથી અને બુદ્ધિપૂર્વક જોશો તો તમને જણાશે કે હંમેશાં ક્રિયા પહેલાં હોય છે અને પછી તે ક્રિયાના હેતુના સંદર્ભમાં કાર્ય કરનાર કર્તાનું સર્જન કરે છે. તમે સમજો છો? જો કાર્ય કરવા માટે કોઈ હેતુ ધ્યાનમાં લેવામાં આવ્યો હોય તો તે હેતુ સિદ્ધ કરનારો કર્તા લઈને આવે છે. જો તમે બહુ સ્પષ્ટપણે અને પૂર્વગ્રહ વગર, કોઈને અનુસર્યા વગર, કોઈને ખાતરી કરાવવાનો પ્રયત્ન કર્યા વગર, કોઈપણ હેતુના સંદર્ભ વગર વિચારો તો એવી વિચારણામાં વિચારક નથી હોતો ત્યાં કેવળ વિચારો હોય છે. જ્યારે તમે તમારી વિચારણા માટે હેતુ ધ્યાનમાં રાખો છો ત્યારે તમે મહત્ત્વના બનો છો, નહીં કે વિચાર. ત્યારે કદાચ તમારામાંથી કેટલાક લોકોએ આવું નિરીક્ષણ કર્યું પણ હોય એમ બને. આ શોધી કાઢવું એ ખરેખર બહુ મહત્ત્વની બાબત છે, કારણ કે તેનાથી જ આપણે સમજી શકશું કે કાર્ય કેવી રીતે કરવું. જો વિચારક પહેલાં આવે તો વિચારક વિચાર કરતાં વધારે મહત્ત્વની બને છે અને આપણી વર્તમાન સભ્યતાનું બધું જ્ઞાાન, ડહાપણ, તત્ત્વજ્ઞાાન, રીત-રિવાજો અને પ્રવૃત્તિઓ આ ધારાણા ઉપર આધારિત છે; પરંતુ જો વિચાર પહેલાં આવે તો વિચાર વિચારક કરતાં વધારે મહત્ત્વનો બની જાય છે.

[email protected]