US પ્રેસિડેન્શિયલ ડિબેટ: હિલેરીએ ટ્રમ્પને સૌથી ખતરનાક ઉમેદવાર ગણાવ્યાં - Sandesh
  • Home
  • Main News
  • US પ્રેસિડેન્શિયલ ડિબેટ: હિલેરીએ ટ્રમ્પને સૌથી ખતરનાક ઉમેદવાર ગણાવ્યાં

US પ્રેસિડેન્શિયલ ડિબેટ: હિલેરીએ ટ્રમ્પને સૌથી ખતરનાક ઉમેદવાર ગણાવ્યાં

 | 9:00 am IST

અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિન્ટન વચ્ચે ત્રીજી અને છેલ્લી પ્રેસિડેન્શિયલ ડિબેટ લાસ વેગાસમાં યોજાઈ હતી જે પૂરી થઈ ગઈ છે. આ ડિબેટ શરૂ થઈ તે પહેલા બંનેએ એકબીજા સાથે હાથ પણ મેળવ્યાં નહતાં. ડિબેટની શરૂઆત સુપ્રીમ કોર્ટના સવાલથી થઈ અને પહેલો સવાલ મોડરેટરે હિલેરી ક્લિન્ટનને પૂછયો હતો. ગર્ભપાત, ગન કંટ્રોલ, ઈમીગ્રેશન જેવા મુદ્દાઓ પર બંને ઉમેદવારોએ પોતાના મત રજુ કર્યા હતાં. હિલેરી ક્લિન્ટને કહ્યું હતું કે આ મુદ્દે પર તે મહિલાઓના હેલ્થકેરના નિર્ણયની સમર્થક છે. આ સંબંધે મહિલાઓને પોતાની રીતે નિર્ણય લેવાનો હક છે. પ્રવાસી નાગરિકો મુદ્દે ટ્રમ્પે કહ્યું કે આપણને સુરક્ષિત સરહદોની જરૂર છે, હું દીવાલો ઉભી કરવા માંગુ છું. અહી કેટલાક દુષ્ટ પ્રવાસીઓ છે જેમને હું બહાર ફેંકવા જઈ રહ્યો છું. અમેરિકામાં ગન રાઈટ્સ મુદ્દે હિલેરીએ કહ્યું કે તેઓ બંદૂકના સ્વામિત્વની પરંપરાનું સન્માન કરે છે. પરંતુ આ સાથે જ યોગ્ય રીતે રેગ્યુલેશનની પણ જરૂર છે.

ચર્ચાની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટના વિષય પર હિલેરીએ જવાબ આપતા કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે અમેરિકાના નાગરિકોનો સાથ આપવાની જરૂર છે, કંપનીઓનો નહીં. આ વિષય પર તે ટ્રમ્પથી અસહમત હતાં. ટ્રમ્પે કહ્યું કે તેઓ એક એવા જજની નિયુક્તિ કરશે જે બીજા સંશોધનની રક્ષા કરી શકે. આતંકના મામલે ટ્રમ્પે કહ્યું હતું કે અમે કટ્ટરવાદી ઈસ્લામી આતંકવાદને રોકીશું.

ઈમીગ્રેશન મુદ્દે બંનેના મત

ઈમિગ્રેશન મામલે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો આપણી સરહદો નહીં હોય તો આપણે એક દેશના સ્વરૂપે પોતાની ઓળખ ગુમાવી દઈશું. હિલેરી ઓપન સરહદના પક્ષમાં છે. સમગ્ર દુનિયાના લોકો અહીં આવશે, સીરિયાથી આવશે, આપણે રેડિકલ ઈસ્લામને રોકવાની જરૂર છે. હિલેરીએ કહ્યું કે તેમણે બોર્ડર સુરક્ષા મુદ્દે વર્ષો કામ કર્યુ છે. આપણો દેશ ઈમિગ્રેંટ્સના લોકોનો છે અને આપણા દેશમાં કાયદાનું રાજ છે.

બ્લાદિમિર પુતિન

ડોનાલ્ડ ટ્રમ્પે સત્તારૂઢ ડેમોક્રેટિક પાર્ટીની વિદેશ નીતિની ટીકા કરતા કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ બ્લાદિમિર પુતિને હિલેરી ક્લિન્ટન અને રાષ્ટ્રપતિ બરાક ઓબામાને દરેક મામલે ચતુરાઈથી માત આપી. તેમણે કહ્યું કે આપણા દેશની 17 ઈન્ટેલિજેન્સ એજન્સીઓ છે જેમણે કહ્યું છે કે હાલ આપણા ઉપર જે પણ સાઈબર હુમલા થયા તે ક્રેમલિનમાં ટોચના સ્તરના લોકોના ઈશારે થયાં. તેમણે હિલેરી પર આરોપ લગાવતા કહ્યું કે તમે ઈચ્છતા હતાં કે આપણા લોકો પર જાસૂસી થાય. તેમણે એમ પણ કહ્યું કે હિલેરી પુતિનને જરાય પસંદ કરતા નથી કારણ કે તેમણે તેમને પાછળ છોડી દીધા છે. પુતિન તેમનું સન્માન કરતા નથી. આ મુદ્દે હિલેરીએ કહ્યું કે તેઓ વ્હાઈટ હાઉસમાં એક કઠપૂતળી ઈચ્છે છે. ટ્રમ્પને ચૂંટણીમાં પુતિનની મદદ મળી રહી છે.

ભારત

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના બદતર થયેલી અર્થવ્યવસ્થા માટે ડેમોક્રેટિક પાર્ટીની નીતિઓને જવાબદાર ગણાવી. આ સંદર્ભે તેમણે ભારતના ઝડપી વિકાસ દરનો હવાલો આપતા કહ્યું કે ત્યાં આઠ ટકાના જીડીપી દરથી અર્થવ્યવસ્થા આગળ વધી રહી છે જ્યારે અમેરિકા એક ટકાના દરથી મરી રહ્યું છે. હિલેરીની યોજના ટેક્સને વધારવાની છે અને તમારા ટેક્સને બમણા કરવાની છે. જેનો જવાબ આપતા હિલેરીએ કહ્યું કે આપણે બીજા વિશ્વ યુદ્ધ બાદ સૌથી મોટા જોબ પ્રોગ્રામના ઈચ્છુક છીએ. અમેરિકી અર્થ વ્યવસ્થા મજબુતીથી આગળ વધી રહી છે.

મહિલાઓ

અનેક મહિલાઓ દ્વારા હાલ શારીરિક શોષણના મામલે ઘેરાયેલા ટ્રેમ્પે આ મામલે કહ્યું કે મારા મનમાં જેટલું મહિલાઓ માટે સન્માન છે તેટલુ બીજુ કોઈ આપી શકે નહીં. તેમણે કહ્યું કે જે મહિલાઓએ તેમના પર આરોપ લગાવ્યા છે તેમને તેઓ જાણતા સુદ્ધા નથી. ક્લિન્ટન અભિયાને આ લોકોને રૂપિયા આપીને મારા વિરુદ્ધ ખોટા આરોપો લગાવવાનું કહ્યું છે. હું તેમને જાણતો નથી અને એવું પણ બની શકે કે તેઓ પ્રસિદ્ધિ મેળવવા માટે આવું કરી રહ્યા હોય. તેમણે એમ પણ કહ્યું કે તેમણે આ મામલે તેમની પત્ની પાસે કોઈ માફી માંગી નથી કારણ કે તેમણે કશું ખોટુ કર્યુ નથી.

જ્યારે હિલેરીએ કહ્યું કે આપણે હમણા જ સાંભળ્યું કે ડોનાલ્ડ કોઈની પાસે માંફી માંગતા નથી. હકીકતમાં જ્યારે આટલી મહિલાઓ તેમની સામે આરોપો લગાવી રહી છે. અને આ જ તેમની અસલિયત છે.

ફંડ અને ફાઉન્ડેશન

એક બીજા વિરુદ્ધ આરોપ-પ્રત્યારોપ વચ્ચે ડિબેટનું પાસુ ક્લિન્ટન અને ટ્રમ્પ ફાઉન્ડેશ તરફ વળ્યું. હિલેરી ક્લિન્ટને કહ્યું કે મેં જે પણ કર્યું તે દેશના હિતમાં કર્યું. આ પર ડોનાલ્ડે જવાબ આપતા કહ્યું કે તમારુ ક્લિન્ટન ફાઉન્ડેશન એક ક્રિમિનલ એન્ટરપ્રાઈઝીઝ છે. તમને સાઉદી અરબ પાસેથી ફંડ મળે છે.

છેલ્લે ચર્ચા….

ડિબેટના આખરી તબક્કામાં હિલેરી ક્લિન્ટને કહ્યું કે આધુનિક અમેરિકી ઈતિહાસમાં ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસની રેસમાં સૌથી ખતરનાક ઉમેદવાર છે. ડોનાલ્ડે ક્લિન્ટનના પ્રતિસ્પર્ધિ બની રહેલા સેન્ડર્સના નિવેદનોને જ્યારે દોહરાવ્યાં ત્યારે તેમણે આવું કહ્યું હતું. તેમા સેન્ડર્સે હિલેરી ઉપર સવાલો ઊભા કર્યા હતાં. તેમનો જવાબ આપતા હિલેરીએ કહ્યું કે તમારે બર્ની સેન્ડર્સને પૂછવું જોઈએ કે તેઓ કોનું સમર્થન કરે છે. બર્નીએ તો એમ પણ કહ્યું છે કે તમે આધુનિક અમેરિકી ઈતિહાસના સૌથી ખતરનાક ઉમેદવાર છો. મારુ પણ માનવું છે કે તેઓ આ મામલે સાચુ કહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન